સુરત: (Surat) લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) અને સંપત નહેરા ગેંગનો દેવેન્દ્ર શેખાવત સુરતમાં પીપલોદ ખાતે છુપાયો હતો. ક્રાઈમ બ્રાંચને (Crime Branch) ભણક પડતા વોચ ગોઠવીને શેખાવત સહિત તેના ડ્રાઈવર, કુક, મિત્ર અને મળવા આવેલા બનેવી તથા સાગરીત મળીને 7 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
- રાજસ્થાનની માથાભારે લોરેન્સ બિસ્નોઈ ગેંગનો દેવેન્દ્ર શેખાવત પીપલોદ ખાતે છુપાયો હતો
- ક્રાઈમ બ્રાંચે પીપલોદના મકાનમાં રેઈડ કરીને દેવેન્દ્ર શેખાવત સહિત 7 આરોપીઓની ધરપકડ કરી
- અભિનેતા સલમાન ખાનની હત્યાનું ષડયંત્ર રચવામાં પણ આ ગેંગના લોરેન્સ બિશ્નોઈનો હાથ હતો
રાજસ્થાનના જુજનુ જીલ્લાના પીલાની શહેરના દિગ્પાલ પીલાની ગેંગ સાથેની આપસી રંજીસના કારણે લોરેન્સ બીસ્નોઇ/સંપત નહેરા ગેંગના દેવેન્દ્રસિંહ શેખાવત તેના સાગરીતો સાથે રાજસ્થાન છોડી આશરો લેવા સુરત શહેરમાં પીપલોદ સારસ્વત નગરમાં છુપાયા હતા. આ અંગે સુરત ક્રાઈમ બ્રાંચને ગુપ્તરાહે બાતમી મળી હતી. ગેંગવોર થવાની શકયતા હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચ વોચ રાખી હતી. અને સમયસૂચકતા પ્રમાણે દેવેન્દ્ર શેખાવત, તેનો મિત્ર, બનેવી સહિત 7 આરોપીઓને દબોચી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં પ્રવિણસિંહ રાઠોડ રાજસ્થાન પોલીસનો ડીસમીસ પોલીસ કોન્સ્ટેબલ છે અને દેવેન્દ્રસિંહનો સાગરીત છે. આ સિવાય કિશનસિંગ દેવેન્દ્રનો મિત્ર છે.
પ્રતિપાલસિંહ એ દેવેન્દ્રનો બનેવી છે. મોહિત દેવેન્દ્રનો મિત્ર છે અને અજયસિંહ ભાટી દેવેન્દ્રનો ડ્રાઈવર છે. અને રાકેશ સેન એ તેનો કુક છે. ડીસેમ્બર ૨૦૨૨માં રાજુ ઠેહોનુ રાજસ્થાનના શીકર જીલ્લામાં હરીયાણાની ગેંગે મર્ડર કર્યું હતું. જેથી આપસી રંજીસમાં ગેંગવોર ચાલતી હતી. તેમજ પોલીસની સર્કીયતા વધતા દેવેન્દ્રસીંહ શેખાવત તેના સાગરીતો સાથે રાજસ્થાન છોડી ગુજરાતમાં સુરત ખાતે છુપાવવા માટે આવી ગયો હતો. તેમજ તેના સાગરીતો સાથે રાજસ્થાન છોડી સુરત શહેરમાં આવ્યો હતો. અને સુરતના તેમના ઓળખીતા કિશનસિંગ શ્રવણસિંગ રાઠોડનો સંપર્ક કરી પીપલોદ જકાતનાકા પાસે આવેલી કેતન સ્ટોર્સની ગલીમાં સારસ્વત નગર મકાન નંબર ૬૦ ભાડેથી રાખી રહેતો હતો.અને પોતાના રાજસ્થાન, પંજાબ, હરીયાણા સર્પક તોડી મોબાઇલ નંબરો બંધ કરી સુરતમાં છુપાયો હતો.
- ગેંગના પકડાયેલા આરોપીઓ
દેવેન્દ્રસિંહ મદનસિંહ શેખાવત (ઉ.વ.૩૭, રહે. પ્લોટ નં.૬૦, સારસ્વતનગર, પીપલોદ જકાતનાકા પાસે, પીપલોદ તથા મુળ રાજગઢ, ચુર, રાજસ્થાન) - પ્રવિણસિંહ ભગવાનસિંહ રાઠોડ (ઉ.વ.૪૧ રહે. ભાલેરી, જી.ચુરૂ, રાજસ્થાન)
- કિશનસિંગ ઉર્ફે ક્રિષ્નાસિંહ શ્રવણસિંહ રાઠોડ (ઉ.વ.૨૯, રહે. સારસ્વતનગર, પીપલોદ તથા મુળ થાના-ભાલેરી જી.ચુરૂ, રાજસ્થાન)
- પ્રતિપાલસિંહ જીતસિંહ તવર (ઉ.વ.૩૭, રહે.સી/ર, ઇન્દ્રપ્રસ્થ કોલોની, વૈશાલીનગર, જયપુર, રાજસ્થાન તથા મુળ જુજનુ રાજસ્થાન)
- મોહિત મહેરચંદ યાદવ (ઉ.વ.૩૪, રહે. બી.૩૬, ગંગાસાગર કોલોની, જયપુર તથા મુળ સૈનિક કોલોની, ફરીદાબાદ, હરીયાણા)
- અજયસિંહ રોહિતાસસિંહ ભાટી (ઉ.વ.૨૫ રહે.સારસ્વતનગર, પીપલોદ તથા મુળ જુજનુ, રાજસ્થાન)
- રાકેશ રમેશકુમાર સેન (ઉ.વ.૩૩, રહે. સારસ્વતનગર, પીપલોદ તથા મુળ જુજનુ, રાજસ્થાન)
દેવેન્દ્ર શેખાવતની ગેંગનો ઇતિહાસ
દેવેન્દ્ર શેખાવત ગેંગ વિશે વાત કરીએ તો રાજસ્થાનના કુંજનુ જીલ્લાના પીલાની શહેરમાં શરાબની દુકાનના ઠેકાના ટેન્ડરની અદાવતમાં કુખ્યાત લોરેન્સ બીસ્નોઇ/સંપત નહેરા ગેંગના રાજસ્થાનના સક્રિય સદસ્ય દેવેન્દ્રસિંહ શેખાવત ઉપર ઘાતક હથિયારો સાથે ગત 14 જુલાઇ 2022 ના રોજ રાજસ્થાનના જયપુર શહેરના ભાકરોટા થાના વિસ્તારમાં દિગ્પાલ પીલાની ગેંગ દ્રારા હુમલો કરાયો હતો. જેમાં દિગ્પાલ, અમીત, દિનેશ, મહાવીર, અંકીત, નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. અને દેવેન્દ્રસિંહ શેખાવત પાસેથી પણ પીસ્તોલ મળી આવતા તેના વિરૂધ્ધમાં આમ્સ એકટ હેઠળ ગુનો દાખલ થયો હતો. જેમાં બન્ને ગેંગના સભ્યો જામીન મુકત થયા પછી દિગ્પાલસીંહ પીલાની ગેંગ સાથેની આપસી રંજીસના કારણે લોરેન્સ બીસ્નોઇ/સંપત નહેરા ગેંગના દેવેન્દ્રસિંહ શેખાવત ઉપર ફરીથી હુમલો થવાની શકયતા હતી. તેમજ લોરેન્સ બીસ્નોઇ/સંપત નહેરા ગેંગએ આનંદપાલસિંહના એન્કાઉન્ટર બાદ પોતાના સાગરીતો સાથે ભેગામળી ફરીથી રાજસ્થાનમાં સ્રામ્રાજય ઉભુ કર્યું હતું. અને વિરોધીગેંગ રાજુ ઠેહડ ગેંગની સાથે આપસી રંજીસ હોવાથી અવર નવર ગેંગો વચ્ચે ગેંગવોર થતી હતી.
બિસ્નોઈ ગેંગે સલમાન ખાનને પણ મારી નાખવાની ધમકી આપી હતી
દેવેન્દ્રસીંગ શેખાવત રાજસ્થાનના શેખાવતી વિસ્તારમાં ગેરકાયદેસર શરાબનો વેપાર કરે છે. આ વિસ્તારમાં વર્ચસ્વની લડાઇ માટે લોરેન્સ બીસ્નોઇ ગેંગના સંપત નહેરાની ગેંગમાં વર્ષ 2010 થી જોડાયો હતો. રાજસ્થાનના કુંજનુ તથા ચુરુ જીલ્લાના શેખાવતી વિસ્તારમાં ગેરકાયદેસર શરાબના ધંધાની અદાવતમાં દેવેન્દ્ર શેખાવત તેમજ અજય પુનીયા સાથે વર્ષ 2019 માં ગેંગવોર થયો હતો. જેમાં અજય પુનીયાનું ખુન સંપત નહેરા તથા તેની ગેંગના દેવેન્દ્ર શેખાવતે કર્યું હતું. જેમાં દેવેન્દ્ર શેખાવત તથા અંકિત ભાદુ, સંદિપ યાદવ, મીન્ટુ મોડાસીયા, રાજેશ કેહર, પ્રવિણ કેહરની ધરપકડ થઈ હતી. સંપત નહેરા અને દેવેન્દ્રસીંગ બન્ને જણા ચુરુ જીલ્લાના રાજગઠના રહેવાસી છે. ગેંગસ્ટર લોરેન્સ બીસ્નોઇ તથા સંપત નહેરા હાલમાં દિલ્હીની તીહાડ જેલ કસ્ટડીમાં છે. આ ગેંગ દ્વારા સલમાન ખાનને પણ મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
ડીસમીસ પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણસિંગ રાઠોડ આ રીતે ગેંગનો સભ્ય બન્યો
પ્રવિણસિંગ રાઠોડ વર્ષ ૨૦૦૧ માં રાજસ્થાન પોલીસમાં ભરતી થયો હતો. ચુરુ જીલ્લામાં ઝાલાવાડ વિસ્તારમાં પોસ્ટીંગ થયું હતું. વર્ષ 2014 માં ચુરુ જીલ્લામાં ફરજ બજાવતો હતો ત્યારે બીકાનેર જેલમાં ગેંગસ્ટર આનંદપાલસિંગની ગેંગ અને રાજુ ઢહડની ગેંગ વચ્ચે ગેંગવોર થઈ હતી. જેમાં ઇજાપામનાર આનંદપાલસિંગ તેમજ અન્ય કૈદીઓને બીકાનેરથી જયપુર હોસ્પીટલમાં સારવાર માટે પોલીસ વાન લઇ જતી હતી. તે વખતે પ્રવિણસિંગ રાઠોડ તથા તેના સાગરીતો મહીપાલસિંગ તથા શકિતસિંગે સ્કોપીયો ગાડીમાં પોલીસ વાનનો પીછો કરી પોલીસ વાનને ઓવર ટેક કરી છોડાવવાની કોશિશ કરી હતી. તે ગુનામાં પણ પકડાયો હતો. અને સસ્પેન્ડ થયો હતો.
ત્યાર બાદ ફરીથી પોલીસખાતામાં બીકાનેર જીલ્લામાં ૨૦૧૭માં નીમણુક થઈ હતી. ત્યારે રાજસ્થાન ગંગાનગરમાં ગુઢલીગેંગના જોર્ડન નામના ગેંગસ્ટરનુ શેરવાલા ભાદુગેંગના સાગરીતોએ ખૂન કર્યું હતું. તે ગુનાના વોન્ટેડ આરોપી રાજેન્દ્ર, નરેન્દ્ર, સુનીલ, અમિત, તેમજ જીતેન્દ્રસિંહ ભાટીને પ્રવિણસિંગ ભગવાનસિંગ રાઠોડે આર્થીક સહાય તથા રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. આ ગુનામાં ધરપકડ કરી તેને રાજસ્થાન પોલીસમાંથી ડીસમીસ કરાયો હતો. અને ડીસમીસ થયા બાદ દેવેન્દ્રસિંગ શેખાવતની ગેંગનો સક્રિય સભ્ય બની ગયો હતો.