સુરત: મગદલ્લા ખાતે રહેતા પટેલ પિતા-પુત્રએ વેસુમાં આવેલી શિવકૃપા સોસાયટીના કોમન પ્લોટ ઉપર ગેરકાયદે કબજો કરી શ્રી સાંઈ જલારામ વોટર સપ્લાયર્સના (Water suppliers) નામે ધંધો શરૂ કરી દીધો હતો. આ જગ્યા ખાલી નહીં કરતા અંતે પિતા-પુત્રની સામે ઉમરા પોલીસે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.
ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અલથાણ વીઆઈપી રોડ પર સોહમ ફ્લેટ્સમાં રહેતા 55 વર્ષીય પંકજભાઇ ઇશ્વરભાઇ કાબરાવાલા પોતે સીએ છે. તેમણે મગદલ્લા કરિશ્મા મહોલ્લામાં રહેતા પિતા પુત્ર તનસુખભાઇ ડાહ્યાભાઇ પટેલ અને કરણ તનસુખભાઇ પટેલની સામે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વેસુ વીઆઈપી રોડ નંદની-3 પાસે શિવકૃપા કો.ઓ.સોસાયટી આવેલી છે. સોસાયટીમાં 52 પ્લોટ આવેલા છે. જેમાં આવેલા સીઓપી ઉપર તનસુખ ડાહ્યાભાઈ પટેલની દાનત બગડતા પુત્ર કરણ સાથે મળીને છેલ્લા ચાર વર્ષથી પ્લોટમાં ગેરકાયદે કબજા કર્યો હતો. અને ત્યાં સોસાયટીની સંમતિ વગર એક રૂમ, ઓફિસ તેમજ ત્રણેક બોરવેલ બનાવી શ્રી સાંઈ જલારામ વોટર સપ્લાયર્સના નામેથી ધંધો શરુ કર્યો હતો. સોસાયટીના વિરોધની સામે દાદાગીરી કરીને કબજો ખાલી કર્યો હતો. જેથી સોસાયટીના પ્રમુખ પંકજભાઈ કાબરાવાલાએ પિતા પુત્રની સામે લેન્ડગ્રેબિંગની ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.