SURAT

સુરત જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ કાયદો મજાક રૂપ દસ મહિનામાં 421 અરજી દફતરે માંડ 15માં પોલીસ ફરિયાદ કરાઇ

સુરત: (Surat) સુરત શહેરમાં જમીન મિલકત ક્ષેત્રે ખેડૂતો તેમજ મિલકતદારોને (Property Owners) રક્ષણ આપવા માટેના લેન્ડ ગ્રેબિંગ (Land grabbing) એકટનો પરપોટો ફૂટી ગયો છે. આ એકટ હેઠળ ફરિયાદ દાખલ કરવાને બદલે દફતરે કરવાની પરંપરા શરુ થતા લોકોમાં ભારે નારાજગી ફેલાઇ ગઇ છે. સુરત શહેર અને જિલ્લામાં લાંબા સમયથી જમીન મિલકતને લઇને સેકડો વિવાદ થઇ રહ્યાં છે. પાણીના ભાવની જમીનોના ભાવ રાતોરાત આસમાને આંબી લેતા ધુતારાઓની નિયત બગડતી હોવાથી આવા કેસ વધી રહ્યાં છે.

સુરત શહેર અને જિલ્લામા ગરીબ અને આદિવાસીઓની જમીન હડફ કરવાથી માંડીને સરકારી જમીનો ઉપર મોટાપાયે લોકોના કબજા છે. સરકારી જમીન ઉપર પણ લોકો મોટાપાયે ધંધો કરી રહ્યાં છે. પરંતુ એમને પણ લેન્ડ ગ્રેબિંગ એકટ ઠેકાણે પાડી શકાયા નથી. સુરત શહેરમાં સાટાખાત બોગસ પાવર કે વીલના નામે મિલકતો તબદીલ કરી ખેડૂતોને રંજાડવામાં આવે છે. તેમછતાં કબજાના જોરે અને સિવિલ કોર્ટમાં પેન્ડિગ દાવાના નામે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળની અરજીઓ દફતરે કરી દેવાય છે. જિલ્લા કલકેટર કચેરીના સૂત્રોના કહેવાનુસરા વિતેલા દસ મહિનાથી લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદો લેવાનુ શરુ થયું છે. જેમાં 440 અરજીઓ આવી હતી. તે પૈકી માંડ 15 કેસમાં ફોજદારી કરાઇ છે અને બાકીના ચાર કેસમાં તપાસ બાકી છે. લેન્ડ ગ્રેબીગ હેઠળ 421 અરજી દફતરે કરી દેવાઇ છે.

સરકાર ભ્રષ્ટાચારમુકત વહિવટની વાત કરે પણ સુરતમાં દલાલો કચેરીઓમાં પડ્યા પાથર્યા રહે છે
રાજય સરકાર કરપ્શન મુકત રાજય કરવા કમર કસી રહી છે. મહેસૂલ મંત્રી લોકોને કોઇ પૈસા માંગે તો ફરિયાદ કરવા કહે છે. જનતા પાસે સરકારી બાબુઓના સ્ટિંગ ઓપેરશનની વાત કરાય છે. પરંતુ સુરત જિલ્લા કલેકટર કચેરીમાં ઉલ્ટી ગંગા વહી રહી છે. કલકેટર કચેરીમાં પ્રસાદી વગર કામ નથી થતાં. કલેકટર કચેરીમાં એક ઉચ્ચ અધિકારીએ કલેકટરના નામે વહિવટ ચાલુ કર્યો હોવાની વાત આવી છે. આ અધિકારીને મળવા જાય પછી ફાઇલ આગળ જતી હોવાની રાવ છે. તેવી જ રીતે ટેબલના કેટલાંક નાયબ મામલતદારો પણ પ્રસાદી ન મળે તેવી ફાઇલો માટે અરજદારોને સીધા એક સાહેબને મળવા મોકલે છે. જેને લઇને સુરતમાં ખુલ્લેઆમ રૂપિયાની રેલમછેલ જોવા મળે છે. સુરત જિલ્લા ક્લેક્ટર કચેરીમાં સવારથી લઇને સાંજ સુધી કેટલાંક દલાલો બેસી રહે છે. કેટલાંક દલાલો તો ખુલ્લેઆમ ભાવતાલ કરતા પણ નજરે પડે છે. પરંતુ જિલ્લા કલકેટર આયુષ ઓક તેમની સામે કોઇ પગલા ભરી શકતા નથી.

Most Popular

To Top