સુરત: (Surat) પાલ કોટનના 27.76 કરોડની વસૂલાતના કેસમાં પૌંઆ મિલના માલિક પ્રગ્નેશ નાયકને શરતી જામીન મળતાં જ મંડળીના પ્રમુખ નરેશ પટેલ (ભેંસાણ) સહિતની વ્યવસ્થાપક કમિટીએ ખેડૂતોની (Farmers) મૂડી બચાવવા મંડળીના ડિફોલ્ટર એવા નવસારીની સાંઈ હસ્તી પૌંઆ મિલના માલિક પ્રગ્નેશ રમેશચંદ્ર નાયકની માલિકીની સુપામાં આવેલી 4 અને ભુવાસણમાં આવેલી 1 મળી કુલ 13 કરોડની પાંચ જમીનના દસ્તાવેજ (Land Document) પાલ કોટનના નામે અને ડિરેક્ટરોના નામે કરાવી લઈ ખેડૂતોને મોટી રાહત આપી છે.
પાલ કોટન સહકારી મંડળીના પ્રમુખ નરેશ પટેલે જણાવ્યું હતું કે, કોર્ટની શરત મુજબ પ્રગ્નેશ નાયકે 2 કરોડની રકમ મંડળીમાં જમા કરાવી દીધી છે. અમે ટૂંક સમયમાં ખેડૂતોને 1.85 કરોડનો પહેલો હપ્તો એમાંથી ચૂકવી દઈશું. નાયક પાસેથી મંડળીએ બે એન.એ. થયેલી જમીનોના દસ્તાવેજ કર્યા છે. જેના આધારે બેન્કમાંથી ધિરાણ લઈ બીજી રકમ ખેડૂતોને ચૂકવીશું. 3 જમીન એન.એ. થવાની બાકી છે. એના દસ્તાવેજ મંડળીના ડિરેક્ટરોના નામે કરી લેવાયા છે. એન.એ.ની પ્રોસેસ પૂર્ણ થયા પછી આ દસ્તાવેજ મંડળીના નામે કરી આગળની પ્રક્રિયા કરવામાં આવશે.
સુરત જિલ્લાની સૌથી સમૃદ્ધ ગણાતી પાલ કોટન સહકારી મંડળીના 5449 ખેડૂતના ડાંગરના 27.76 કરોડનાં બાકી નાણાંની વસૂલાતના કેસમાં ડિફોલ્ટર નવસારીની સ્વસ્તિક પૌંઆ મિલના માલિક પ્રગ્નેશ રમેશચંદ્ર નાયકને હાઇકોર્ટે શરતી જામીન પર મુક્ત થવા 2 કરોડ જમા કરાવવા અને દરખાસ્ત મુજબ 13 કરોડની જમીનના દસ્તાવેજ મંડળીના નામે કરી દેવા આદેશ આપ્યો હતો. મોટી સંખ્યામાં ખેડૂતો અસરગ્રસ્ત બન્યા હોવાથી આ કેસમાં મંડળીના વર્તમાન સત્તાધીશો, જિલ્લા રજિસ્ટ્રાર, સહકાર વિભાગની સક્રિયતાને લીધે ખેડૂતોની ડાંગરની ફસાયેલી મૂડી ત્રણ વર્ષ પછી છૂટી થવાની આશાઓ જાગી છે.
માજી પ્રમુખ જયેશ પાલની 10 કરોડની જમીન પણ તારણમાં લેવાઈ
કોર્ટના આદેશને પગલે પાલ કોટન સહકારી મંડળીના માજી પ્રમુખ અને ખેડૂત સમાજ ગુજરાતના પ્રમુખ જયેશ શંકર પટેલ (પાલ)ની માતાના નામે ચાલી આવતી 10 કરોડની જમીન આ કેસમાં તારણમાં લેવા અને કોર્ટની મંજૂરી વિના વેચી ન શકાય એવો હુકમ થયો છે. એ મુજબ જયેશ પાલે 42 પાનાંની એફિડેવિટ કરી ઓલપાડના જાફરાબાદની 10 કરોડની જમીન મંડળીને તારણમાં આપી છે. જેથી પ્રગ્નેશ નાયક બાકી નાણાં ચૂકવવા સક્ષમ ન રહે તો જયેશ પાલની જમીનમાંથી બાકી લેણાંની રકમ મંડળી વસૂલી શકે. આ કેસમાં કોર્ટે જયેશ પાલને તપાસ માટે જરૂર પડે ત્યારે તપાસ અધિકારી સમક્ષ હાજર થવા અને કોર્ટની મંજૂરી વિના દેશ નહીં છોડવા હુકમ કરી પાસપોર્ટ જમા લેવા પોલીસને આદેશ આપ્યો હતો.