સુરતઃ (Surat) શહેરના પોશ વિસ્તાર એવા પીપલોદમાં ગૌરવ પથ પરનાï લેકવ્યુ ગાર્ડનïની (Lakeview Garden) હાલત જે-તે સમયે બિસ્માર થઇ ગઇ હતી. જેથી પૂર્વ મેયર મેયર અસ્મિતા શિરોયાએ આ ગાર્ડનમાં રિપેરિંગને બદલે સમગ્ર ગાર્ડનની કાયાપલટ કરવા માટેની સુચના વહીવટીતંત્રને આપી હતી. જેને પગલે મનપા દ્વારા લેક્વ્યુ ગાર્ડનનું રિનોવેશન કરવામાં આવ્યું હતું. ગાર્ડનનું રિનોવેશન પુર્ણ થયા બાદ લેકવ્યુ ગાર્ડનમાં બોટિંગની સુવિધા શરૂ કરવામાં આવી ન હતી. પરંતુ હવે 2 વર્ષ બાદ અહીં ફરીથી બોટિંગની (Boating) સુવિધા શરૂ કરાશે. દરખાસ્ત મુજબ, ઈજારદાર રાજયોગ પોલીટેક પ્રા. લી વાર્ષિક ઓફર રૂા. 4.11 લાખની ઓફર આપવામાં આવી છે. દર વર્ષે 5 ટકાના વધારા સાથે કુલ 5 વર્ષનો કોન્ટ્રાક્ટ આપવા માટેની દરખાસ્ત ગાર્ડન સમિતિમાં મુકવામાં આવી છે.
- પીપલોદ લેક ગાર્ડનમાં 2 વર્ષ બાદ ફરી બોટિંગ સુવિધા શરૂ થશે
- હાલ બોટિંગ માટે 5 વર્ષનો કોન્ટ્રાક્ટ આપવા દરખાસ્ત
- લેકવ્યુ ગાર્ડનનું રિનોવેશન થયા બાદ પીપીપી ધોરણે અપાયું
શહેરમાં હાલ કતારગામ લેક ગાર્ડન અને ઉગત ગાર્ડન, સુભાષ ગાર્ડન તેમજ કોઝવેમાં પણ બોટિંગની સુવિધા છે. પરંતુ પહેલા માત્ર પીપલોદના લેકવ્યુ ગાર્ડનનાં તળાવમાં લોકો બોટિંગની સુવિધા હતી તેથી આ ગાર્ડન આકર્ષણનું કેન્દ્ર હતો. સમયાંતરે તંત્રની સદંતર બેદરકારીને કારણે આ ગાર્ડનની હાલત પણ મનપાના અન્ય ગાર્ડનોની જેમ બિસ્માર થઇ ગઇ હતી અને આ ગાર્ડન લુખ્ખા તત્વોનો અડ્ડો બનવા માંડ્યો હતો અને અહીંનું આકર્ષક તળાવ ગંદુ ગોબરૂ થઇ ગયું હતું તેમજ તળાવની ફરતે પાળી અને રેલીંગ તુટી ગઈ હતી, જેથી આ ગાર્ડનની કાયાપલટ કરવા સમગ્ર રિનોવેશન કરવામાં આવ્યું હતું.
મનપા દ્વારા આ ગાર્ડન ટોરન્ટ પાવરને પીપીપી ધોરણે આપવામાં આવ્યું છે જેમાં લેક (તળાવ) ભાગનો સમાવેશ થયો ન હતો જેથી બોટિંગની સુવિધા ચલાવવા માટે મનપા દ્વારા ત્રણ વાર ટેન્ડરો મંગાવાયા હતા પરંતુ તેમાં વધુ ઈજારદારોએ રસ ન દાખવતા મનપાએ આખરે ચોથી વખત ટેન્ડરો મંગાવ્યા હતા. ચોથા પ્રયાસે 2 ઈજારદારોએ રસ દાખવ્યો હતો જેમાં રાજયોગ પોલીટેક દ્વારા વાર્ષિક રૂા. 4.11 લાખની ઓફર આપવામાં આવી છે તેમજ હાઈડ્રો ડાયવર્સ એન્ડ એન્જિનિયર્સ દ્વરા રૂા. 1.48 લાખની વાર્ષિક ઓફર આપવામાં આવી છે. જે અંગે આવતીકાલે મળનારી ગાર્ડન સમિતિની મિટિંગમાં નિર્ણય લેવામાં આવશે.