SURAT

સુરત: પાંડેસરામાં તળાવમાં ન્હાવા પડેલા બે મિત્રો પૈકી એકનું ડૂબી જતા મોત

સુરત: (Surat) પાંડેસરા ડી-માર્ટ પાછળના એક તળાવમાં (Lake) ન્હાવા પડેલા બે પૈકી એક મિત્ર ડૂબી (Drowned) જતાં ભાગદોડ મચી ગઇ હતી. એટલું જ નહીં પણ રાહદારીઓએ ગરકાવ થઈ ગયેલા કિશોરને પાણીમાંથી બહાર કાઢી 108ની મદદથી સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયો હતો. મૃતક 16 વર્ષીય રોહિત રાજુભાઇ સાતે હોવાનું અને પાંડેસરા હાઉસિંગ નજીક તેરે નામ ચોકડી પર રહેતો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં રમતા રમતા બન્ને મિત્રો તળાવમાં ન્હાવા પડ્યા હતા. એક પાણીમાં ગરકાવ થઈ જતા બીજો મિત્ર બચાવવા પણ ગયો હતો. જોકે તળાવ ઊંડું હોવાથી મિત્ર બહાર નીકળી ગયો હતો.

કૃષ્ણા (મૃતક રોહિતનો બાળ મિત્ર) એ જણાવ્યું હતું કે ચાર મિત્રો તળાવમાં ન્હાવા પડ્યા હતા. રમતા રમતા નહાવાનું આયોજન કર્યું હતું. રોહિત પણ ન્હાવા પડ્યો હતો. જોકે ના પાડવા છતાં રોહિત તળાવમાં અંદર સુધી ચાલી ગયો હતો. ત્યારબાદ ડૂબવા લાગતા એને બચાવવા ત્રણેય મિત્રો તળાવમાં પડ્યા હતા. તળાવના પાણીમાં ગરકાવ થઈ ગયેલા રોહિતનો હાથ પણ પકડાઈ ગયો હતો પરંતુ બચવા માટે હાથ-પગ મારતા રોહિત છટકી ગયો હતો અને પાણીમાં ગરકાવ થઈ ગયા બાદ ગુમ થઈ ગયો હતો.

વધુમાં જણાવ્યું હતું કે તળાવમાંથી બહાર નીકળી મિત્રોએ મદદ માટે બુમાબૂમ કરી દેતા રાહદારીઓ દોડી આવ્યા હતા. તળાવમાં ડૂબકી મારી રોહિતને બહાર કાઢી લાવ્યા હતા. ત્યારબાદ સિવિલ લઈ જવાતા ત્યાં તેને મૃત જાહેર કરાયો હતો. રોહિત માતા-પિતા નો એક નો એક દીકરો અને એકની એક બહેનનો લાડકો ભાઈ હતો. તળાવમાં રોહિત ને બચાવવા કૃષ્ણા, રોશન સહિત ત્રણ જણા કૂદ્યા હતા. જોકે રોહિતને બચાવવામાં નિષફળ રહ્યા હતા.

Most Popular

To Top