સુરત: (Surat) સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરનાં જે જૂનાં તળાવો (Lake) છે તેના ડેવલપમેન્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં ઘણા લેક ગાર્ડન ડેવલપ કરાયા છે. હાલના બજેટમાં મનપા કમિશનર દ્વારા 15 તળાવના ડેવલપમેન્ટની (Development) જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ શહેરનાં તમામ 38 તળાવ ડેવલપ કરવાનું મનપાનું આયોજન છે. સુરત મહાનગરપાલિકા દ્વારા તળાવોના ડેવલપમેન્ટ સાથે તેની આસપાસનો વિસ્તાર ડેવલપ કરવા આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તળાવના આસપાસની જે રાજ્ય સરકાર હસ્તકની જમીનો હશે તેનો કબજો મેળવવા મનપા આગામી દિવસમાં સંબંધિત વિભાગ સાથે પત્ર વ્યવહારો કરશે તેમ મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. કમિશનરે જણાવ્યું હતું કે, જે 1 હેક્ટરથી મોટાં તળાવો છે તેવા લેકના ડેવલપમેન્ટ પર ભાર મુકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં નાનાં-મોટાં કુલ 192 તળાવ છે. જે પૈકી મોટા 38 તળાવની આસપાસનો વિસ્તાર ડેવલપ કરાશે. અને પ્રથમ તબક્કામાં હાલમાં 15 તળાવના ડેવલપમેન્ટ પર ભાર મુકાશે.
- શહેરનાં તળાવ પાસે ડેવલપમેન્ટ માટે રાજ્ય સરકાર પાસેથી મનપા જગ્યા લેશે
- શહેરમાં કુલ 192 નાનાં-મોટાં તળાવ છે, જે પૈકી 38 મોટાં તળાવનું ડેવલપમેન્ટ થશે
- હાલમાં પ્રથમ તબક્કામાં 15 લેકના ડેવલપમેન્ટની કામગીરી શરૂ કરાશે
અશ્વિનીકુમાર રોડ પર ઊમિયાધામ સર્કલથી વૈશાલી હેલ્થ સેન્ટર સુધીનો રસ્તો 2 માસ માટે બંધ
સુરત: વરાછા ઝોન-એ માં અશ્વિનીકુમાર રોડ પર ઉમિયાધામ સર્કલથી ઓએશિસ હોટલ ત્રણ રસ્તા સુધી તથા બીજા તબક્કામાં ઓએશિસ હોટલથી વરાછા મેઇન રોડ થઇ વરાછા હેલ્થ સેન્ટર સુધીના ટીપી રસ્તા પર જમણી બાજુના એક તરફે વરસાદી ગટર લાઇન નાખવાની કામગીરી શરૂ આવતીકાલથી શરૂ કરવામાં આવશે. જેથી મનપા દ્વારા આ કામગીરી માટે 2 મહિના સુધી આ રસ્તો બંધ કરવામાં આવશે.
અશ્વિનીકુમાર રોડ પર ઉમિયાધામ સર્કલથી વૈશાલી હેલ્થ સેન્ટર સુધીમાં વરસાદી પાણીના નીકાલ માટેની લાઇન નાખવાની કામગીરી ગુરૂવારે 3 જી ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે. જે આગામી 31મી માર્ચ સુધી ચાલે તેમ છે. જે અંગે મનપા કમિશનરે તબક્કાવાર ખોદકામ કરવાથી સિંગલ લેન કામ પુર્ણ થાય ત્યાં સુધી વાહન વ્યવહાર માટે બંધ રાખવામાંનું જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું હતું. જેમ-જેમ કામગીરી પૂર્ણ થશે તેમ રસ્તો અંશત: ખુલ્લો મુકાશે. વાહન ચાલકો માટે બીજી તરફની લેન વાહન વ્યવહાર માટે ચાલુ રહેશે. જેનો ઉપયોગ કરી ઉમિયાધામ સર્કલથી ઓએશિસ હોટલ થઇ વરાછા મેઇન રોડ જઇ શકાશે.