સુરત : ઉત્તરપ્રદેશથી (Uttar Pradesh) 15 દિવસ પહેલા રોજગારી માટે આવેલો યુવક અઠવાડિયાથી આઈસ્ક્રીમ (Icecream) વેચવા લાગ્યો હતો. દરમિયાન ગઈકાલે રાત્રે વડોદ ગામ તરફ જવાના રસ્તે (Road) ત્રણ અજાણ્યાએ આવીને કુલ્ફી લઈ પૈસા નહીં આપતા તેમની વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં અજાણ્યાઓએ યુવકને ચપ્પુના (Knife) ઘા મારી હત્યાનો પ્રયાસ કરતા પાંડેસરા પોલીસે (Police) ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.
પાંડેસરા ખાતે જય અંબેનગર સોસાયટીમાં રહેતા 49 વર્ષીય બિરેન્દ્રકુમાર બેચનપ્રસાદ યાદવ મુળ ઉત્તરપ્રદેશનો વતની છે. તે બરફ વેચવાનું કામ કરે છે. વતનથી તેમનો એક સંબંધી સુરજકુમાર અમરબહાદુર યાદવ બિરેન્દ્ર સાથે પંદર દિવસ પહેલા જ આવ્યો હતો. સુરજ છેલ્લા અઠવાડિયાથી પાંડેસરા ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે આઈસ્ક્રીમની લારી ફેરવી કમિશન ઉપર આઈસ્ક્રીમ વેચતો હતો.
- વડોદમાં કુલ્ફી ખરીદી ત્રણ અજાણ્યાએ પૈસા નહીં આપી યુવકને ચપ્પુના ઘા ઝીંકી દીધા
- યુવકને ગળા, છાતી તથા પેટના ભાગે ચપ્પુના ઘા માર્યા
- ત્રણ કુલ્ફી ખરીદી પૈસા માંગતા પૈસા આપવાની ના પાડી ઝઘડો કર્યો, બે જણાએ પકડી રાખી ત્રીજાએ ચપ્પુના ઘા માર્યા
- યુવક આઈસ્ક્રીમની લારી ફેરવી કમિશન ઉપર આઈસ્ક્રીમ વેચતો હતો
ગઈકાલે રાત્રે આઠેક વાગે સુરજે તેના હમવતની સંબંધી બિરેન્દ્રને ફોન કરીને ‘માસા મુઝે કિસીને ચાકુ માર દીયા હૈ મેરે પેટકી આંતરડી બહાર નીકલ ગઈ હે મે બચુંગા નહી’ તેવું કહ્યું હતું. તેણે એક રાહદારીને ફોન આપી સરનામું પુછતા સુરજ વડોદ ગામ તરફ જતા રોડ પર પડેલો હોવાનું જણાવ્યું હતું. સુરજને ત્યારબાદ 108 માં નવી સિવિલમાં ખસેડ્યો હતો. સુરજને ગળા, છાતી તથા પેટના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા. પાંડેસરા પોલીસને જાણ થતા પોલીસે તેનું નિવેદન નોંધ્યું હતું. જેમાં તે આઈસ્ક્રીમ વેચતો હતો ત્યારે બાઈક ઉપર ત્રણ અજાણ્યા આવ્યા હતા. અને તેની પાસેથી ત્રણ કુલ્ફી ખરીદી હતી. તેમની પાસેથી પૈસા માંગતા તેઓએ પૈસા આપવાની ના પાડી ઝઘડો કર્યો હતો. બે જણાએ પકડી રાખી ત્રીજાએ ચપ્પુના ઘા માર્યા હતા. પાંડેસરા પોલીસે સુરજનું નિવેદન લઈને ત્રણ અજાણ્યા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે.