SURAT

સુરતમાં ભગવાન મહાવીર કોલેજ પાસે કુરિયર વેપારીને ચપ્પુની અણીએ લૂંટી લેવાયો

સુરત: વીઆઈપી રોડ (VIP Road) ભગવાન મહાવીર કોલેજ (Collage) નજીક વેપારીને મોપેડ ઉપર આવેલા ત્રણ અજાણ્યાએ ચપ્પુની (Knife) અણીએ લૂંટી લીધો હતો. ખટોદરા પોલીસે (Police) લૂંટની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન એસઓજીએ ત્રણેયને ઝડપી પાડ્યા હતા.

ભીમરાડ દેવભૂમિ રેસિડેન્સીમાં રહેતા 50 વર્ષીય રાજેશકુમાર સાવરમલજી મહેશ્વરી કુરિયરના વેપાર સાથે સંકળાયેલા છે. ગત તા.30 માર્ચે વીઆઈપી રોડ વીઆઈપી પ્લાઝાથી ભગવાન મહાવીર કોલેજ તરફ જતા હતા. એ વખતે મોપેડ ઉપર આવેલા ત્રણ અજાણ્યા તેને ચપ્પુ બતાવી રૂપિયા 5 હજારની કિંમતનો મોબાઈલ લૂંટી નાસી ગયા હતા. ખટોદરા પોલીસે લૂંટનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. દરમિયાન એસઓજીની ટીમને લૂંટની આ ઘટનાને અંજામ પાંડેસરા વિસ્તારમાં રહેતી ત્રિપુટીએ આપ્યો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે આરોપી અભિષેક ઉર્ફે ગગન શિવજી ચૌધરી, સુજીત રામસાગર કુશવાહા અને એક બાળ કિશોરને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી લૂંટનો મોબાઈલ, મોપેડ અને રેમ્બો છરો મળી 70 હજારનો મુદ્દામાલ કબજે લેવાયો હતો.

આરોપીની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, ત્રણેય કોઈ કામધંધો કરતા ન હોવાથી સાથે ફરતા હતા. ગત તા.30 માર્ચ-2022ના રોજ ત્રણેયે વહેલી સવારે રાહદારીઓને લૂંટી લેવાના ઈરાદે વી.આઇ.પી. પ્લાઝાથી ભગવાન મહાવીર કોલેજ રોડ ઉપર આંટા મારતા હતા. ત્યારે વેપારીને જોઈ રેમ્બો છરો બતાવી લૂંટી લીધો હતો.

પાર્લે પોઈન્ટ ખાતે ફોર્ચ્યુનર કાર સહિત ત્રણ કારના કાચ તોડી 1.58 લાખની ચોરી
સુરત: શહેરના પાર્લે પોઈન્ટ સરગમ શોપિંગ સેન્ટર નજીક અલગ અલગ જગ્યાએ પાર્ક કરવામાં આવેલી ત્રણ કારના કાચ તોડી તસ્કરો રોકડ, મોબાઈલ, લેપટોપ સહિત 1.58 લાખની ચોરી કરી નાસી ગયા હોવાની ફરિયાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મગદલ્લાના બાપુનગરમાં રહેતા 30 વર્ષીય કુમાર ગૌરવ રામજીસીંગ ગવીયર ગામ મગદલ્લા પોર્ટ રોડ, રણછોડ રત્નાનગર ખાતે આવેલી ગગન કોલ પ્રા.લિ.કંપનીમાં અઢી વર્ષથી જનરલ મેનેજર તરીકે નોકરી કરે છે. તેઓ ગત તા.25મીએ ઓફિસ બંધ કરી તેના બે મિત્રો સાથે મોડી સાંજે પાર્લે પોઈન્ટર સરગમ શોપિંગ સેન્ટરની સામે આવેલી કપડાંની દુકાનમાં ગયા હતા. ત્યારે અજાણ્યા તેમની કારનો કાચ તોડી રોકડ 3300, લેપટોપ અને તેના મિત્રના રોકડા 22,830 મોબાઈલ સાથેની બેગ ચોરી ગયા હતા. કાચનો કાર તોડી ચોરી કરતી ટોળકીએ આ સિવાય બીજી બે કારને પણ ટાર્ગેટ બનાવી હતી.

પાર્લે પોઈન્ટ દિવ્યકાંતિ એપાર્ટમેન્ટમાં ઓફિસ ધરાવતી શ્વેતા દર્શન દેસાઈએ તેની ઓફિસની સામે બ્રિજ નીચે પાર્ક કરેલી ફોર્ચ્યુનર ગાડીનો કાચ તોડી 10 હજારની કિંમતની બેગ, લેપટોપ, રોકડા 60 હજાર, બ્લુટુથની ચોરી કરી હતી. પાર્લે પોઈન્ટ પાસે જ જિજ્ઞેશ જિતેન્દ્ર પંડ્યાની ગાડીનો કાચ તોડી ૧૦ દસ્તાવેજો મળી ત્રણેય કારમાંથી કુલ રૂ.1.58 લાખની ચોરી કરી નાસી ગયા હતા. ઉમરા પોલીસે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top