સુરત (Surat) : પતંગના (Kite) કાતિલ દોરાથી (Thread) પરિવાર સાથે બાઈક (Bike) પર જતા યુવકનું ગળું કપાયું છે. સુરતમાં પાંડેસરાના પિયુષ પોઇન્ટ પાસે ઘટના બની છે. તેમાં પતિને બચાવવા જતા પત્નીના હાથમાં પણ ઇજાઓ થઈ છે. તથા ગંભીર રીતે ઘાયલ યુવકને 108 મારફતે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
- પાંડેસરાના પિયૂષ પોઈન્ટ પાસે બની ઘટના
- સંબંધીની ખબર લેવા જતાં પરિવારને પતંગના દોરાના લીધે અકસ્માત નડ્યો
- પતંગના દોરાના લીધે બાઈક ચાલક યુવાનના ગળામાં 3 સે.મી. ઊંડો ઘા થયો
- પતિને બચાવવા જતી પત્નીના હાથમાં ઈજા
- ઈજાગ્રસ્ત યુવાનને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો
ઉતરાયણનું પર્વ જેમ નજીક આવી રહ્યું છે, તેમ પતંગના દોરાથી બાઈક ચાલકોના ગળા કપાવાના બનાવો વધવા માંડ્યાં છે. રવિવારે બપોરે પાંડેસરાના પીયૂષ પોઈન્ટ નજીક બ્રિજ પરથી પત્ની અને બે પુત્રી સાથે બાઈક પર જતા યુવકના ગળામાં પતંગનો દોરો ફસાતા ગળું ચિરાઈ ગયું હતું. મૂળ ઉત્તરપ્રદેશનો વતની અને હાલ પાંડેસરામાં આવેલા પુનિતનગરમાં રહેતો બબલુ હરીશચંદ્ર વિશ્વકર્મા ફર્નિચરના વ્યવસાય સાથે સંકળાયેલો છે.
પાંડેસરા વિસ્તારમાં રહેતો સંબંધી બીમાર હોય રવિવારે બપોરે બબલુ તેની પત્ની સંધ્યા અને બે પુત્રી સાથે બાઈક પર ખબરઅંતર પૂછવા જઈ રહ્યો હતો. તેઓ પાંડેસરા સ્થિત પીયૂષ પોઈન્ટ પાસેથી બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક બબલુના ડાબા કાનની નીચેના ભાગે ગળામાં પતંગનો દોરો ફસાયો હતો અને બબલુ કંઈ સમજે તે પહેલા તેના ગળામાં બારેક સેમી લાંબો અને બેથી ત્રણ સેમી ઊંડો ઘા થઈ ગયો હતો. પતિ બબલુને પતંગના દોરાથી બચાવવા જતા સંધ્યાને પણ એક હાથમાં દોરાથી ઇજા થઈ હતી.
પતંગના કાતિલ દોરાથી ગળુ ચિરાયા પછી પણ બબલુએ પત્ની સંધ્યા અને બંને પુત્રીની ચિંતા કરી તેમને બાઈક પરથી પડવા દીધા નહોતા. અને સાવચેતીથી બાઈક બ્રિજના એક છેડે મુકી હતી. બબલુના ગળામાંથી લોહી વહેતું જોઈ હેબતાયેલી પત્ની સંધ્યાએ સંબંધીને ફોન કરી બ્રિજ પર બોલાવ્યો હતો, બીજી બાજુ ગણતરીની મિનિટોમાં 108 એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી જતા બબલુને તાત્કાલિક સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો. બબલુની ગંભીર હાલત જોતા સિવિલના ઇએનટી વિભાગના તબીબોએ તેને ઓપરેશન થિયેટરમાં લઈ જઈ સર્જરી શરૂ કરી છે.