સુરત : નાનપુરા (Nanpura)માં રહેતા ગેરેજ સંચાલકે દેવુ ચૂકવવા માટે પોતાની કીડની વેચવાની (kidney selling) જાહેરાત આપી હતી. કીડની વેચવાના બહાને આફ્રિકન યુવક (African boy) અને કર્ણાટકના યુવકે ગેરેજ સંચાલકને 14.20 લાખ પડાવી લીધા હતા. આ કેસમાં આફ્રિકન યુવક જેલ (Jail)માં ધકેલાયો હતો, જ્યારે કર્ણાટકના યુવકના જામીન નામંજૂર કરી તેને પણ જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.
આ કેસની વિગત મુજબ નાનપુરા વિસ્તારમાં હબીબશા મહોલ્લામાં રહેમત મંજીલમાં રહેતા અરબાઝ સેહબાઝ રાણા ફોરવ્હીલર ગાડીનું લે-વેચનું કામ કરે છે. લોકડાઉનમાં ધંધો ચાલતો ન હતો અને બહેનનાં લગ્ન (Sisters marriage)નો ખર્ચો થયો હોવાથી દેવું થઇ ગયું હતું. ત્યારે અરબાઝને કિડની વેચવાનો વિચાર આવ્યો હતો. અરબાઝે ઓનલાઇન (Online) ‘સેલ સીડની ફોર મની’ લખીને તપાસ કરી હતી અને તેમાં બેંગ્લોરની મનીપાલ હોસ્પિટલનું નામ આવ્યું હતું. આ ઉપરાંત ડો.શિલ્પાકુમારનો સંપર્ક થયો હતો. ડો.શિલ્પા સાથે વાત કરીને શરૂઆતમાં 10 હજાર ભર્યા હતા. ડો.શિલ્પાએ ફોન કરીને કહ્યું કે, ‘તમારા બેંક એકાઉન્ટમાં પહેલાં બે કરોડ ટ્રાન્સફર કરીશું, ત્યારબાદ કિડની ડોનેટ થઇ ગયા બાદ બીજા બે કરોડ આપીશું.’
આ ઠગ ટોળકીએ અલગ અલગ ટ્રાન્ઝેકશન તેમજ ટેક્સના નામે અરબાઝની પાસેથી રૂા. 14.20 લાખ ખંખેરી લીધા હતા. બનાવ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધ્યો હતો અને બેંગ્લોરથી ટોટી ડાગો ગ્રેગોઇરે કૌડુ ટોટી ઓગસ્ટીન (રહે. નારાયણાપ્પા, શ્રવપથી એક્સ્ટેન્શન, ભાટ્ટરહલ્લી, વિગ્રોનગર, બેંગ્લોર, મુળ રહે. : વેસ્ટ આફ્રિકા, આઇવરી કોસ્ટનો વતની) કર્ણાટકના રહેવાસી ટીકેન્દ્ર જીત ધીરેનચંદા બોરોની ધરપકડ કરી હતી. દરમિયાન ટોટી ડાગોના 12 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા, જ્યારે ટીકેન્દ્રના પણ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. શુક્રવારે ટીકેન્દ્રના રિમાન્ડ પુરા થતાં તેણે જામીન માંગ્યા હતા, મુળ ફરિયાદી તરફે વકીલ રહીમ શેખ તેમજ સરકારી વકીલ સાવીદ શેખએ દલીલો કરીને જામીન અરજી સામે વિરોધ ઉઠાવ્યો હતો.
કોર્ટે ટીકેન્દ્રના જામીન નામંજૂર કર્યા હતા. બીજી તરફ શનિવારે આફ્રિકન યુવક ટોટી ડાગોના રિમાન્ડ પણ પુરા થયા હતા અને તેને પણ કોર્ટમાં રજૂ કરાયો હતો. પોલીસે વધુ રિમાન્ડની માંગણી કરી ન હતી અને તેને લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો.