સુરત: (Surat) લિંબાયતમાં ગઈકાલે સલુન ધરાવતો યુવક પિસ્ટલ સાથે પકડાયા બાદ ક્રાઈમ બ્રાંચે (Crime Branch) તેને પિસ્ટલ વેચનાર યાસીનને ઝડપી પાડ્યો છે. યાસીને લિંબાયતમાં જમીન દલાલના અપહરણ (Kidnapping) માટે મધ્યપ્રદેશથી દેશી બનાવટની ત્રણ પિસ્ટલ ખરીદી હતી. ક્રાઈમ બ્રાંચે આ અંગે વધારે તપાસ હાથ ધરી છે.
- લિંબાયતમાં જમીન દલાલનું અપહરણ કરવા મધ્યપ્રદેશથી 3 પિસ્ટલ ખરીદી હતી
- દાનીશ પકડાતા યાસીને બીજી બે પિસ્ટલ સગેવગે કરવા જતા ક્રાઈમ બ્રાંચે દબોચી લીધો હતો
- સલુન ધરાવતો યુવક પડકાયા બાદ તેને પિસ્ટલ વેચનાર આરોપી યાસીનની ધરપકડ બાદ ઘટસ્ફોટ
ક્રાઈમ બ્રાંચે ગઈકાલે લિંબાયત મદિના મસ્જીદ પાસેથી સલુન ધરાવતા 23 વર્ષીય દાનીશ આમીર હુસૈન સીદ્દીકીને એક દેશી બનાવટની પિસ્ટલ સાથે ઝડપી પાડ્યો હતો. આરોપીની પુછપરછ કરતા તેને વીસેક દિવસ પહેલા આ પિસ્તલ યાસીન છોટુ કુરેશી (રહે. મારૂતીનગર, લિંબાયત) પાસેથી ખરીદી હોવાની કબૂલાત કરી હતી. ક્રાઈમ બ્રાંચે યાસીન કુરેશી પકડી પાડવા ચક્ર ગતિમાન કર્યા હતા. દરમિયાન ક્રાઈમ બ્રાંચને યાસીન કુરેશી પાસે હજી બે પિસ્ટલ છે અને તે સગેવગે કરવાના ફીરાકમાં હોવાની બાતમી મળી હતી. યાસીન લિંબાયત મહાપ્રભુનગર સાંઇ બાબાના મંદિર સામે આવેલી ખુલ્લી જગ્યામાં ગયો હતો. ત્યારે ક્રાઈમ બ્રાંચની ટીમે યાસીન છોટુ કુરેશીને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી દેશી બનાવટની 60 હજારની કિમતની 2 પિસ્ટલ તથા મોબાઇલ ફોન મળીને 70 હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો.
આરોપીની પુછપરછ કરતા લિંબાયતના કોઈ જમીન દલાલનું અપહરણ કરવાનું હોવાથી પિસ્ટલની જરૂરીયાત હતી. જુનેદ (રહે.સેંદવા જી.બદવાની મધ્યપ્રદેશ) ની પાસેથી દેશી બનાવટની 3 પિસ્ટલ ખરીદ કરી લાવ્યો હતો. જેમાંથી એક પિસ્ટલ લિંબાયત ખાતે રહેતા અને સલુનનું કામ કરતા દાનીશને વેચી હતી. અને બે પિસ્ટલ પોતાની પાસે રાખી હતી. દાનીશ પકડાઈ જતા યાસીને પોતાની પાસે રહેલી પિસ્ટલ સગેવગે કરવા જતા પકડાઈ ગયો હતો. ક્રાઈમ બ્રાંચે આ 3 પિસ્ટલ વેચનાર મધ્યપ્રદેશના જુનેદને વોન્ટેડ જાહેર કર્યો છે.