સુરત (Surat): ભેસ્તાન (Bhestan) ખાતે માથાભારે ચંચલસિંગે બે યુવાનનું અપહરણ (Kidnaping) કરી માર મારતા મામલો પોલીસ સ્ટેશનમાં (Police Station) પહોંચ્યો છે. કેસની વિગત એવી છે કે, ભેસ્તાન ખાતે સાંઈ મોહન એપાર્ટમેન્ટમાં રહેતા 20 વર્ષીય આદિત્યસિંગ અજયસિંગ રાજપુત પાર્સલના ગોડાઉનમાં નોકરી કરે છે. ગત 23 જુલાઈએ તેના મિત્ર શુભમસિંગને લેવા માટે ભેસ્તાન સાંઈ પેલેસની સામે બાઈક લઈને ગયો હતો. ત્યાં શુભમસિંગ ચંચલના સાગરિતો વિવેક પાંડે અને ચિંટુ ઉર્ફે રાહુલ સાથે ઉભો હતો. જેથી આદિત્યએ ‘તું શુ આવા દોગલા લોકોની સાથે રહે છે’ તેમ શુભમને કહ્યું હતું. અને તેને લઈને નીકળી ગયો હતો.
બાદમાં રાત્રે શુભમસિંગના ફોન પર ચંચલસિંગે ફોન કરીને ‘આદિત્ય કો એક બાર માર ચુકા હું, દોબારા મારૂંગા ઉસકો બોલ દે મેરે બારે મે કુછ ભી નહી બોલે, ઔર મેરી દુકાન પર આકર કુછ બોલના નહી ચાહીએ નહી તો અચ્છા નહી હોગા’ તેવી ધમકી આપી હતી. શુભમે આ અંગે આદિત્યને ફોન કરીને જાણ કરી હતી. બાદમાં આદિત્યના ફોન પર ફોન આવ્યો હતો. ‘મેરી દુકાન પર આકર મેરે બારે મે કુછ નહી બોલને કા ઔર મેરે લડકો કો હાથ લગાયા તો સમઝો મેરે કો હાથ લગાયા’ એમ કહીને ગાળો આપી હતી.
બાદમાં આદિત્ય શુભમની બાઈકને પેટ્રોલ પુરાવવા લઈ જતો હતો ત્યારે તેમની સોસાયટીની બહાર જ એક બ્લેક કલરની સ્કોર્પીયો અને એક સફેદ સ્વીફ્ટ કાર આવીને આગળ પાછળથી ઘેરી લીધો હતો. બ્લેક કારમાંથી ચંચલસિંગ, સૌરભસિંગ, બંટી શેખાવત, કુંદન, અનુપ રામપ્રકાશ શાહી, પ્રિંસ રામપ્રવેશ તિવારી, રૂપેશ યાદવ ઉતર્યા હતા. અને સફેદ કારમાંથી વિવેક પાંડે, ચિંટુ, બ્રિજેશ અને વિશાલ ઉતર્યા હતા. તેમને ઉતરીને ચંચલ, અનુપ અને પ્રિન્સના હાથમાં રહેલા લાકડાના ફટકા વડે માર માર્યો હતો. બાદમાં તેને સ્કોર્પિયોમાં બેસાડી બુરહાની બિલ્ડીંગ પાસે ઝાડી ઝાખરામાં લઈ ગયા હતા. અને ત્યાં નીચે ઉતારી બેલ્ટ અને લાકડાના ફટકા વડે માર માર્યો હતો.
ફરીથી સ્કોર્પીયો ગાડીમાં બેસાડી પાનના ગલ્લા પાસે લઇ જઇ ચંચલસિંગે લાકડાના ફટકા વડે માર માર્યો હતો. તથા તેના મિત્ર શુભમને પણ માર માર્યો હતો. દરમિયાન ત્યાં બે હોમગાર્ડના જવાન આવી જતા બધા ત્યાંથી ભાગી ગયા હતા. બંને હોમગાર્ડ શુભમ અને આદિત્યને ઘરે મુકી ગયા હતા. બાદમાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ચંચલસિંગ (રહે. સાઇં પેલેસ ભેસ્તાન), સૌરભસિંગ, બંટી શેખાવત, કુંદન, અનુપ રામપ્રકાશ શાહી (રહે-સુમન શક્તિ, ભેસ્તાન), પ્રિંસ રામપ્રવેશ તિવારી (રહે- ભગવતી નગર,પાંડેસરા), રૂપેશ વિજયપાલ યાદવ (રહે-સાંઇ પેલેસ, ભેસ્તાન), વિવેક પાંડે, ચિંટૂ ઉર્ફે રાહુલ કરકેરા, બ્રિજેશ ઝા અને વિશાલની સામે ફરિયાદ નોંધાવી હતી.