સુરતીઓની સવાર જ લોચા અને ખમણના ટેસ્ટથી થાય છે એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. કેમકે, સવાર પડતાની સાથે જ 7નો ટકોરો પડે તે પહેલાં જ સ્વાદ શોખીન સુરતીઓની ભીડ જેટલી અન્ય દુકાનો પર નથી દેખાતી એટલી લોચા-ખમણની દુકાન પર જોવા મળે છે. સુરતીઓ જ નહીં પણ રાજ્યના અન્ય શહેરો કે દેશના અન્ય ખૂણે-ખૂણેથી સુરત આવતા લોકો સુરતની ઘારી અને લોચાનો સ્વાદ અચૂક માણતા જ હોય છે અને સાથે કદાપિ નહીં ભુલાય તેવો આ સ્વાદ પણ સાથે લઈને જતા હોય છે.
આજે તો દેશ-વિદેશમાં લોચાનો સ્વાદ પહોંચ્યો છે. પણ સુરતમાં એક એવી પણ ખમણ-લોચાની દુકાન છે જે ટેસ્ટી-ટેસ્ટી યમ્મી ચટપટી ખાટી-મીઠી-તીખી કેકનો સ્વાદ ચખાડી સુરતીઓના જન્મ દિવસને પણ યાદગાર બનાવે છે. આપણે વાત કરી રહ્યાાં છીએ ગોપીપુરા સુભાષ ચોકમાં સ્થિત સુરત ખમણ હાઉસની. વર્ષો પહેલા સુરતના આસપાસમાં સ્થિત ગામોમાં ખમણ પહોંચાડવામાં પણ આ પેઢીનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે.
સ્વાદ અને ક્વોલિટી કદાપિ બાંધછોડ નહીં કરવાની પરંપરાને વળગી રહેલી આ પેઢીની સ્થાપના કોણે અને કેવા સંજોગોમાં કરી હતી? આજે શહેરના ખૂણે-ખાંચરે અસંખ્ય લોચા-ખમણની દુકાનો હોવા છતાં 93 વર્ષે પણ આ દુકાન સુધી ખમણ-લોચાનો સ્વાદ માણવા સુરતીઓ કેમ પહોંચી જાય છે? આ સવાલોના જવાબ આ દુકાનના ત્રીજી અને ચોથી પેઢીનાં સંચાલકો પાસેથી જાણીએ.
15 વર્ષની ઉંમરે કાંતિલાલે ધંધો સંભાળી ગામો સુધી ખમણ પહોંચાડ્યા
ત્રિભોવનદાસનું અવસાન થયું ત્યારે તેમનો પુત્ર કાંતિલાલ ઠક્કર માત્ર 14 કે 15 વર્ષની ઉંમરના હતાં. કાંતિલાલ ઠક્કરે આટલી નાની વયે વાલજીભાઈના સાથ-સહકારથી ધંધો આગળ ધપાવ્યો. તેઓ સુરતની આજુબાજુના ગામોમાં સાયકલ પર ખમણ પહોંચાડતા. એ સમયે ખમણ સગડા પર બનતા. એક વખત સુભાષ ચોકમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ આવ્યા હતા ત્યારે તેમનું સ્વાગત ઝવેરી વેપારી મંડળ દ્વારા હીરા-મોતીથી કરવામાં આવ્યું હતું. એ વખતે ત્યાં કાંતિલાલ ઠક્કર પણ ઉપસ્થિત હતા.
નિર્મળાબેન જૂની પથ્થરની ઘંટી પર કલાકો સુધીદાળ પીસતા
કાંતિલાલ ઠક્કરના પત્ની નિર્મળાબેને ધંધાનો વ્યાપ વધારવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. એ સમયે આધુનિક દાળ પીસવાના મશીનો નહીં હતાં ત્યારે નિર્મળાબેન જૂની પથ્થરની હાથથી દળવાની ઘંટી પર દાળ પીસતા પછી ખમણ બનાવવામાં આવતા. તેઓ ખમણના થાળા ધોવા, મરચા ધોવાનું, મસાલો બનાવવાનું કામ કરતા. સગડા સળગાવવા મોટા મોટા પથ્થર જેવા કોલસાના રાત્રે ટુકડા કરવાનું કામ પણ પૂરું કરી લેતા. કાંતિલાલ ઠક્કરના અવસાન બાદ પણ તેઓ દુકાને બેસી ધંધાનું સંચાલન કરતા. તેમનું અવસાન 2014માં થયું હતું.
1988માં આગ અને 2001માં ભૂંકપથી મકાન ક્ષતિગ્રસ્ત થયું: નૈમિષ ઠક્કર
આ દુકાનના ત્રીજી પેઢીનાં સંચાલક નૈમિષભાઈ ઠક્કરે જણાવ્યું કે સંઘાડિયા વાડના મકાન કે જેમાં ખમણ બનાવવા અને વેચવાનો ધંધો થતો હતો તેમાં 1988માં આગ લાગી હતી. ત્યારે પ્રાયમસની ટાંકી ફાટી જતા આગ લાગી હતી. આગમાં દાળ, ચોખા, બેસન, તેલ, ખાંડ અને રાચ રચિલું વગેરે લગભગ એક- દોઢ લાખ રૂપિયાના માલ-સામાનને નુકસાન થયું હતું. 2001માં આવેલા ભુકમ્પમાં મકાન ક્ષતિગ્રસ્ત થયું હતું, એટલે સુરત મહાનગર પાલિકાએ ક્ષતિગ્રસ્ત મકાનને ઉતારી પાડ્યું હતું. ત્યાર બાદ અમે દુકાન ગોપીપુરા સુભાષ ચોકમાં શિફ્ટ કરી હતી. જોકે, એ પહેલા પણ નવી દુકાન સુભાષ ચોકમાં બનાવી દીધી હતી. જુની જગ્યાનો કબજો અમે મૂળ માલિકને સોંપી દીધો હતો.
2006ના પુરમાં પાવર નહોતો છતાં સુરતીઓને ખમણ ખવડાવ્યા: કવિતાબેન ઠક્કર
નૈમિષભાઈ ઠક્કરના પત્ની કવિતાબેને જણાવ્યું કે 2006મા સુરતમાં ભયંકર રેલ આવી હતી. ત્યારે અમારી દુકાનમાં તો દાદર સુધી જ પાણી આવ્યું હતું. જોકે, તે સમયે વીજળી પુરવઠો ચાર-પાંચ દિવસ ખોરવાયો હતો. એવી સ્થિતિમાં અમારા ઘરના પુરુષ સભ્યો પુરના પાણીમાં માથે કેરબા મૂકીને ચાલતા સ્ટેશન જતા અને ત્યાંથી ડીઝલ ભરી લાવતાં. પછી જનરેટર એક કલાક માટે ચાલુ કરીને ખમણ તૈયાર કરતા અને લોકોને નહીં નફા નહીં નુક્સાનના ધોરણે વેચતા. ત્યારે નવસારી થી મરચા મંગાવતા. એ સમય એવો હતો કે કોર્પોરેટર, પૈસાદાર બધા જ લોકો લાઈનમાં ઉભા રહીને ખમણ લઈ જતાં. આ રીતે અમારી દુકાને પૂરમાં પણ લોકોની સેવા કરી હતી. અને લોકોને ખમણના સ્વાદથી વંચિત નહીં રહેવા દીધા હતા.
કોરોનામાં ખાદ્ય માલ કરિયાણાની દુકાન અને તેલના ડબ્બા મહોલ્લામાં આપેલા: વંદન ઠક્કર
આ દુકાનની ચોથી પેઢીનાં સંચાલક વંદન ઠક્કરે જણાવ્યું હતું કે, કોરોના કાળમાં અમારી દુકાન 75 દિવસ બંધ રહી હતી. અમે દુકાનની ઉપર જ રહીએ છીએ એટલે તે સમયે દુકાનમાં રહેલો કાચો માલ જેમકે, ચણાની દાળ, ચોખા, બેસન, 100થી 150 કિલો સેવ આજુબાજુની અનાજ કરિયાણાની દુકાનમાં આપેલી. તેલના ડબ્બા, 10-10 કિલોની ખાંડની બોરી એવી 400 કિલોગ્રામ ખાંડ મોહલ્લામાં આપી હતી. દુકાન ખાસ્સા દિવસો સુધી બંધ રહેવાને કારણે અમને એક લાખ રૂપિયાથી વધુનું આર્થિક નુકસાન થયું હતું. અમારી દુકાનમાં કામ કરતા કર્મચારીઓ લોકડાઉનમાં ફસાયા હતા. તેમને અમે ગામ સુધી મુકવા ગયા હતા. કોરોનાનો કાળો કેર ઓછો થતા દુકાન પૂર્વવત થવા લાગી હતી ત્યારે અમે ઘણા ગ્રાહકોને નોકરી-ધંધા છૂટયા હોવાથી રડતા પણ જોયા હતા.
વંશવેલો
ત્રિભોવનદાસ રાઘવજી ઠક્કર
કાંતિલાલ ત્રિભોવનદાસ ઠક્કર
નિર્મળાબેન કાંતિલાલ ઠક્કર
અમિષભાઈ કાંતિલાલ ઠક્કર
નૈમિષભાઈ કાંતિલાલ ઠક્કર
પ્રીતિબેન અમિષભાઈ ઠક્કર
કવિતાબેન નૈમિષભાઈ ઠક્કર
જય અમિષભાઈ ઠક્કર
વંદન નૈમિષભાઈ ઠક્કર
રમઝાનમાં મુસ્લિમ બિરાદરો રોજો ખોલવા પાટુડી અને ખમણી લઈ જાય છે
વંદન ઠક્કરે જણાવ્યું કે રમઝાનમાં મુસ્લિમ બિરાદરો રોજો ખોલવા ખમણ, પાટુડી અને ખમણી અમારી દુકાનેથી લઈ જાય છે. આ ત્રણે વસ્તુ રમઝાનમાં સૌથી પ્રિય છે. રોજાના ટાઈમે 100-150 પડીકા અમે તૈયાર જ રાખીએ છીએ. કેટલાક ફોન કરીને પોતાનો ઓર્ડર આપી દેતા હોય છે.
મેયોનિઝ, ક્રીમ ચિઝ લોચો, જૈન ખમણી, પાટુડી, ચીઝ-ચાઈનીઝ ઈદડા છે ફેવરિટ
નૈમિષભાઈ ઠક્કરે જણાવ્યું કે તેમની દુકાનનો સાદો લોચો ઉપરાંત તેલ, બટર, ચીઝ, મેયોનિઝ, ક્રીમચીઝ, શેઝવાન, સ્પે. રોલ લોચો, જૈન કચોરી, લીલવાની કચોરી, સાદા ખમણ, વઘારેલા ખમણ, ઈદડા, ચીઝ-ચાઈનીઝ ઈદડા, પાટુડી, પાત્રા, ચાઈનીઝ અને દાળના સમોસાનો સ્વાદ સુરતીઓના દાઢે વળગ્યો છે. 40 ટકા જૈન ગ્રાહકો હોવાથી તેઓ ખમણમાં આદુ, ખમણીમાં લસણ અને સમોસામાં કાંદા નથી નાખતા.
કોટ વિસ્તારમાં સાયકલ પર ફરીને દહીં અને શ્રીખંડ વેચતા
સુરત ખમણ હાઉસની સ્થાપના 93 વર્ષ પહેલા ત્રિભોવનદાસ રાઘવજી ઠક્કરે કરી હતી. તેઓ તે પહેલા દહીં અને શ્રીખંડ સાયકલ પર ફરીને આખા કોટ વિસ્તારમાં વેચતા. તેમના મિત્ર વાલજીભાઈ ખમણ બનાવતા હતા એટલે તેમણે વાલજીભાઈ પાસેથી ખમણ બનાવવાનું પ્રશિક્ષણ લીધું. એ વખતે તેઓ ગોપીપુરા સંઘાડિયા વાડમાં રહેતા જે ભાડાનું મકાન હતું તેમાં જ ખમણ બનાવીને વેચતા. તેઓ ટપુ ખમણથી ઓળખાતા હતા.
બહેનોની લોચાના ખીરાની ડીમાંડ બાદ ગ્રાહકોને વેચવા લાગ્યા
નૈમિશભાઈએ જણાવ્યું કે મારી બે બહેનોના મેરેજ થઈ ગયા બાદ તેઓએ તેમના સાસરે ગરમાગરમ લોચો ખાવા મળે તે માટે લોચાનું ખીરું આપવા કહ્યું. જે બાદ શેરી-મોહલ્લાના લોકો પણ લોચાના ખીરાની ડીમાંડ કરવા લાગ્યા. જે બીજા લોકોને ખબર પડતાં તેઓ પણ લોચાનું ખીરું માંગવા આવતા હતા. એટલે મેં દુકાનમાં જ ખીરું વેચવાનું શરૂ કર્યું. કેટલાક લોકો તેમનું વાસણ લઈને આવે છે તેમાં અમે આ ખીરું આપીએ છીએ.
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ માટે સર્કિટ હાઉસમાં ખમણ મોકલવામાં આવતા
નૈમિષભાઈએ જણાવ્યું કે જ્યારે પણ રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઈ પટેલ સુરત આવતા ત્યારે તેમના માટે અમારી દુકાનમાંથી ખમણ મોકલવામાં આવતા. શહેરના ભૂતપૂર્વ મેયર સ્નેહલતાબેન ચૌહાણ પણ આ દુકાનના ખમણ-લોચાને પસંદ કરતા. ધારાસભ્ય અરવિંદભાઈ રાણા પણ આ દુકાનના કાયમી ગ્રાહક છે.
ઇન્સ્ટન્ટ લોચાના પેકેટ N.R.I. લઈ જાય છે
કેનેડા, U.S.A., U.K. વિ. જેવા દેશોમાં જે સુરતીઓ સ્થાયી થયા છે તેઓમાં ઇન્ટસ્ટન્ટ લોચાના પેકેટ્સ હોટ-ફેવરિટ બન્યા છે. જયારે NRIs સુરત આવે છે ત્યારે તેઓ આ પેકેટસ ખરીદીને લઇ પણ જાય છે.