સુરત: સુરત મનપા (SMC)ની ચૂંટણી (Election) બાદ નવા શાસકો સત્તામાં આવ્યા બાદ સ્થાયી સમિતિએ ડામર રોડમાં ભારે ભ્રષ્ટાચાર (Corruption) થાય છે તેવું કારણ આપી હવેથી તમામ રસ્તા સી.સી.ના જ બનાવવા તેવો આદેશ કર્યો હતો. અને કારણ એવું અપાયું હતું કે, તમામ રસ્તા સીસી રોડ બની જવાથી વારંવાર રસ્તા કાર્પેટ-રિકાર્પેટ કરવાના ખર્ચમાંથી મુક્તિ મળશે. તેથી રસ્તા કાર્પેટ (carpet) કરવાના-ડામર રોડનાં કામો અટકી પડ્યાં હતાં. બીજી બાજુ નાના-નાના રસ્તાની નીચેથી પણ પાણી-ગટર સહિતની સર્વિસ લાઇનો પસાર થતી હોવાથી તેમજ અન્ય પણ કારણો રજૂ કરી તમામ જગ્યાએ સીસી રોડ બનાવવાનો વિચાર વાયેબલ નહીં હોવાનો અભિપ્રાય આપ્યો હતો. જો કે, સ્થાયી સમિતિએ આ અભિપ્રાયને ભ્રષ્ટાચારની બારી બંધ થતી હોવાના કારણે અધિકારીઓ આવો અભિપ્રાય આપે છે તેવું માની ગણકાર્યો ન હતો. અને કોટ વિસ્તારમાં એકસાથે છ રસ્તા સી.સી.ના બનાવવાનો આદેશ પણ આપી દીધો હતો.
પરંતુ અત્યાર સુધીમાં માત્ર એક જ રસ્તો સી.સી.નો બની શક્યો છે. અને સી.સી.રોડ બનાવવાના કારણ હેઠળ ડામર રોડને પણ મંજૂરી નહીં મળતાં હાલમાં રસ્તાની હાલત બદતર થઇ ચૂકી છે. શહેરમાં લગભગ તમામ ઝોનમાં અનેક જગ્યાએ ખાડાઓ (Pits)ની વચ્ચે રસ્તા શોધવા પડે તેવી હાલત છે. અધિકારીઓના જણાવ્યા મુજબ ચોમાસા પહેલાં જે રસ્તાનું કાર્પેટિંગ કરવું જરૂરી હતું એ ડામર રોડ નહીં જ બનાવવાના શાસકોના નિર્ણયને લીધે રિપેર થયા નહીં અને સી.સી. રોડ માટે આનુસાંગિક અનુકૂળતાઓ નથી. કેમ કે, મોટા ભાગના રસ્તા ઉપર સર્વિસ લાઇન સિફ્ટિંગનો પ્રશ્ન આવે છે. ઘણી જગ્યાએ તો લાઇનો સિફ્ટ કરવા જગ્યા જ નથી મળતી. આથી સીસી રોડ બાબતે કોઇ નક્કર કાર્યવાહી થઇ શકી નથી. સરવાળે સ્થિતિ એવી થઇ કે, શાસકો તરંગોમાં રાચતા રહ્યા અને શહેરના 300થી વધુ રસ્તાની હાલત તો એવી થઇ ચૂકી છે કે રસ્તો ક્યાં અને ખાડા ક્યાં ? તે સમજવું મુશ્કેલ છે.
હવે બે દિવસમાં સરવે કરી રસ્તાને ચાર કેટેગરીમાં વહેંચી રસ્તા કાર્પેટ-રિકાર્પેટ કરવા સ્થાયી સમિતિનો આદેશ
માત્ર સી.સી. રોડ જ બનાવવા તેવા તરંગી નિર્ણયને કારણે ચોમાસામાં રસ્તાની હાલત બિસમાર થઇ જતાં લોકો હાલાકીમાં મુકાઇ રહ્યા છે. આથી હવે સ્થાયી સમિતિએ તમામ રસ્તાનો બે દિવસમાં સરવે કરી બિસમાર રસ્તાને ચાર કેટેગરીમાં વહેંચી તાકીદે રિપેર કરવા સ્થાયી સમિતિએ જ આદેશ કર્યો છે. જેમાં ડિફેક્ટ લાયેબિલિટી ધરાવતા રસ્તા તૂટ્યા હશે તો મનપા દ્વારા રિપેર કરાયા બાદ ઇજારદાર પાસેથી ખર્ચ વસૂલાશે. જે રસ્તાનો લાયેબિલિટી પિરિયડ પૂરો થઇ ગયો હોય એ રસ્તાઓને મનપા દ્વારા કાર્પેટ-રિકાર્પેટ કરી દેવાશે. રસ્તાની પહોળાઇ મુજબ બે ભાગ પાડી રિપેરિંગ કામ હાથ ધરાશે તેવું પણ સ્થાયી સમિતિ ચેરમેને જણાવ્યું હતું.
શાસકોનો યુ-ટર્ન : માત્ર સીસી રોડનો આગ્રહ પડતો મૂકવો પડ્યો
ડામરના રસ્તા વારંવાર રિપેર કરવા પડતા હોવાથી તેમાં અધિકારીઓને ભ્રષ્ટાચાર કરવાની તક મળે છે તેવી શંકા રાખી ડામર રસ્તા કરવાને બદલે શહેરના તમામ રસ્તા સિમેન્ટ-કોંક્રીટના કરવાના શાસકોના નિર્ણયને હવે ફેરવી તોળવો પડ્યો છે. કેમ કે, વિભાગ દ્વારા તો અગાઉ પણ એવો અભિપ્રાય અપાયો હતો કે તમામ રસ્તાને સીસી બનાવવાનો કોન્સેપ્ટ વાયેબલ નથી. જો કે, શાસકોએ આ અભિપ્રાયને કોરાણે મૂકી આયોજન ચાલુ રાખ્યું હતું. પરંતુ તે શક્ય બન્યું નથી અને આખરે શાસકોએ યુ-ટર્ન લેવો જ પડ્યો છે. સ્થાયી સમિતિ ચેરમેને જ ગુરુવારે જણાવ્યું હતું કે, હાલમાં જે રસ્તાને જરૂર હોય તેને કાર્પેટ-રિકાર્પેટ કરાશે, અને પહેલાં મુખ્ય રસ્તા સી.સી. બનાવવા પર ધ્યાન અપાશે.