Surat Main

સુરતના કતારગામનો મિલમાલિક બ્રોકરના વિશ્વાસમાં આવી ભેરવાયો

દેલાડ: કતારગામ (Katargam) ગજેરા હાઉસની સામે આવેલ શાંતિ નગર સોસાયટીમાં રહેતા ભાવેશભાઈ રવજીભાઈ લીંબાચીયા પરિયા ગામમાં આવેલી અંજની ટેક્ષટાઈલ વિભાગ-૪ માં પ્લોટ નંબર-૩૨૧, ૩૨૨માં સાશ્વત ફેબ્ર નામની ટેક્સટાઈલ કંપની (Textile Company) ચલાવી પોતાના પરિવારનું (Family) ગુજરાન ચલાવે છે. ૧૭/૩/૨૦૨૨ રોજ ભાવેશભાઈ કંપની પર હાજર હતા ત્યારે રાજુભાઈ પટેલ નામનો બ્રોકર (Broker) તેમના મારફતે શિવ ફેશનના માલિક સુનિલભાઈને એસએચએફ માર્કાના કુલ ૧૯,૪૩૩ મીટર કાચું કાપડ કિં. રૂ. ૨,૮૯,૯૫૭ માલ ડિલીવરી આપવાનો હતો. જેથી સુનિલભાઈ શ્રીરામચંદ્ર પટેલના ટેમ્પામાં ત્રણ વાગ્યાની આસપાસ શિવ ફેશન એલ-૬૫ રાધે સ્ટાઈલ માર્કેટ રીંગ રોડ ખાતે માલ ખાલી કરી અને બીલ રાજુભાઈ બ્રોકરને વોટસ્એપ (Whatsapp) કરી દીધું હતું. તારીખ ૧૯/૩/૨૦૨૨ના રોજ ભાવેશભાઇએ માલના પૈસાની માગણી કરી તો રાજુભાઇએ બહાના કાઢી રૂપિયા આપ્યા ન હતા. ભાવેશભાઇ સાથે વિશ્વાસઘાત થયો હોવાનું જણાતાં તેમણે બ્રોકર રાજુભાઈ પટેલ તથા સુનીલભાઈ વિરુદ્ધ ફરિયાદ નોધાવતા આ અંગે વધુ તપાસ પીએસઆઇ એમ.એન ચૌહાણ કરી રહ્યા છે.

બગવાડા હાઈવે પર ટ્રકમાંથી 263 ઘેટાં-બકરા સાથે 4 આરોપી ઝડપાયા
પારડી : બગવાડા ટોલનાકા હાઇવે પરથી ગુરૂવારે એક ટ્રકમાં ઘેટાં-બકરા રાજસ્થાનથી ભરીને મુંબઈ લઇ જતા ચાર આરોપીઓ ઝડપાયા હતા. 263 ઘેટાં-બકરા સાથે પોલીસે રૂ. 15.20 લાખનો મુદ્દામાલ કબજે કરી બે આરોપીઓને વોન્ટેડ બતાવ્યા હતા. પારડી પોલીસ મથકના નવા વરાયેલા પીઆઇ મયુર પટેલની ટીમ મળસ્કે 4 વાગ્યાના સુમારે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે બગવાડા ટોલનાકા હાઇવે પર વલસાડથી વાપી જતાં ટ્રેક ઉપર ઘેટાં-બકરા ક્રૂરતાપૂર્વક ભરીને જતા હોવાની બાતમી મળી હતી. તે દરમ્યાન હાઇવે પર ટ્રક નં. GJ 31 T 5786 આવતા પોલીસે સાઈડમાં ઉભી રાખી તપાસ કરતાં ટ્રકની અંદર ખીચોખીચ ક્રૂરતાપૂર્વક 263 ઘેટાં-બકરા ભરેલા મળી આવ્યા હતા. પોલીસે ટ્રક ચાલક અભૂસુફિયાન કાલુભાઈ જમાદાર, રાજેશ સરદારભાઈ પગી (રહે. અરવલ્લી), બાબુ અબ્દુલ લતીફ ચૌહાણ, આબિલ ઈકબાલ ખત્રી (રહે તા. શિખર રાજસ્થાન) મળી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જોકે ટ્રકમાં એક બકરી અને એક ઘેટાંનું મૃત્યુ થયું હતું. પોલીસે ઘેટાં બકરાની કિં.રૂ.5.26 લાખ અને ટ્રકની કિં.રૂ.10 લાખ મળી કુલ રૂ.15 લાખ 26 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓને આ અંગે પૂછતાં સોકત ઈસ્માઈલ ચૌહાણ (રહે શિખર)નાઓએ ભરાવી આપી મુંબઇ ખાતે રફિકભાઈને આપવાનો હોવાનું કબૂલ્યું હતું. પકડાયેલા ઘેટાં-બકરાઓને રાતા પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. પોલીસે ઝડપાયેલા 4 આરોપી અને 2 વોન્ટેડ આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top