SURAT

સુરતની વચ્ચોવચ્ચ આવેલા આ વિસ્તારમાં 18 વર્ષ બાદ પાક્કો રસ્તો બનશે

સુરત: સ્માર્ટ સિટી બનવાની રેસમાં સુરત દોડી રહ્યું છે, પરંતુ હજુ પણ સુરતમાં અનેક એવા વિસ્તારો છે જ્યાં પ્રાથમિક સુવિધાઓ પણ પહોંચી નથી. નવાઈની વાત એ છે કે આ વિસ્તારો શહેરની છેવાડે નહીં પરંતુ શહેરની વચ્ચોવચ્ચ આવેલા છે. સુરતમાં આવો જ એક વિસ્તાર છે જ્યાં છેલ્લાં 18 વર્ષથી પાક્કા રસ્તા બન્યા નહોતા. આખરે હવે અહીં પાક્કા રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓ આપવાનું નક્કી કરાયું છે.

સુરત મહાનગર પાલિકાના કતારગામ ઝોનમાં સમાવિષ્ટ કતારગામ જીઆઇડીસીમાં છેલ્લાં 18 વર્ષથી ટલ્લે ચડેલી માળખાગત સુવિધાઓ માટેની ગ્રાન્ટનો નિવેડો આખરે આવી ગયો છે. સરકારે આ જીઆઇડીસીમાં રસ્તાઓ બનાવવા માટે 80 ટકા ગ્રાન્ટ મંજૂર કરતાં હવે અહીં રસ્તા સહિતની સુવિધાનાં કામો હાથ ધરી શકાશે. કતારગામ નવી અને જૂની જીઆઇડીસીમાં માળખાકીય સુવિધાઓ માટે કુલ 2381.13 કરોડના ખર્ચ સામે 1904.90 કરોડ ઉદ્યોગ કમિશનરે મંજૂર કર્યા છે અને બાકીના 20 ટકા મનપાએ ભોગવવાના રહેશે તેવી શરત મૂકવામાં આવી છે.

  • સ્થાનિક નગરસેવક દક્ષેશ માવાણીએ તત્કાલીન રાજ્ય મંત્રી કુમાર કાનાણી અને હાલના ગૃહમંત્રી હર્ષ સંઘવીને સાથે રાખી અવારનવાર રજૂઆત કરતાં વરસો જૂની માંગણીનો ઉકેલ આવ્યો
  • માળખાકીય સુવિધાઓ માટે કુલ 2381.13 કરોડના ખર્ચ સામે 1904.90 કરોડ ઉદ્યોગ કમિશનરે મંજૂર કર્યા, બાકીના 20 ટકા મનપાએ ભોગવવાના રહેશે

જીઆઇડીસીમાં સુરત મનપા દ્વારા રસ્તા બનાવવામાં આવતા નથી. અને જીઆઇડીસીનું તંત્ર લોલમલોલ ચાલતું હોવાથી શહેરની વચ્ચે જ આવી ગયેલી કતારગામ જીઆઇડીસીમાં મોટા પ્રમાણમાં યુનિટો હોવા છતાં અને મનપાને અહીંથી દર વર્ષ 21 કરોડ જેટલી આવક થતી હોવા છતાં માળખાકીય સુવિધા નથી. છેલ્લાં 18 વર્ષથી અહીં રસ્તા સહિતનાં કામો થયાં નથી. તેથી સ્થાનિક નગરસેવક દક્ષેશ માવાણી દ્વારા આ બાબતે તત્કાલીન રાજ્ય મંત્રી અને વરાછા રોડના ધારાસભ્ય કુમાર કાનાણીને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. તેમજ તાજેતરમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીને સાથે રાખી મુખ્યમંત્રીને પણ રજૂઆત કરાયા બાદ સુખદ ઉકેલ આવ્યો છે.

નાનપુરા સિલ્વર રિવર ફ્રન્ટના વોક-વે પર સફાઈ કરી લોકજાગૃતિ લાવવા પ્રયાસ
સુરત: શહેરના નાનપુરા ખાતે સિલ્વર હોટલની સામે તાપી નદી પરના રિવર ફ્રન્ટ વોક-વે ઉપર સુરત મનપાના આરોગ્ય વિભાગ સાથે મળીને દાઉદી વ્હોરા સમાજ દ્વારા શહેરના નાનપુરા ખાતે આવેલ સિલ્વર હોટલની સામે તાપી નદીના વોક-વે પર શુક્રવારે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા વોર્ડ ઓફિસના અધિકારીઓ તેમજ દાઉદી વ્હોરાના સમાજના લોકો રેલીના રૂપમાં ભેગા થઈ લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.

સુરત મનપાના વોર્ડ નં. 1 (એ) દ્વારા સાફસફાઈ માટેના સાધનો સાથે માસ્ક અને હેન્ડગ્લોઝ પણ પુરા પાડવામાં આવ્યા હતાં. દાઉદી વ્હોરા સમાજના અગ્રણીઓ તથા સમાજના લોકોએ પણ સમગ્ર વોક-વે ઉપર પથરાયેલી ગંદકી દૂર કરવા સાથે વધારાની ઉગી નીકળેલી ઝાડીઓ દૂર કરી અને પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કર્યો હતો. આ અવસરે સુરત મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર ગાયત્રીબેન જરીવાલા, નાયબ આરોગ્ય અધિકારી મહેન્દ્ર પટેલે સ્વચ્છતા અભિયાનમાં સહકાર આપવા બદલ ઉપસ્થિત તમામ લોકોને આભાર વ્યક્ત કર્યો હતો.

Most Popular

To Top