સુરત: (Surat) કતારગામમાં રહેતા કેમિકલના વેપારીની કારને (Car) એક અજાણ્યાએ આવીને આગ (Fire) લગાડી હતી. પોલીસે તેની ધરપકડ કરતા આરોપી ટેમ્પો ડ્રાઈવર હોવાનું અને અને અગાઉ તેનો કારવાળા સાથે ઝઘડો થયો તે જ કાર હોવાનું સમજીને આગ લગાડી હતી.
- કતારગામમાં મોપેડ ઉપર આવી યુવકે સ્વીફ્ટ કારને આગ ચાપી દીધી
- આરોપી સાથે અગાઉ ઝઘડો થયો તેની ગાડી હોવાનું સમજી આગ લગાડી હતી
કતારગામ ખાતે રણછોડજી પાર્ક વિભાગ-2 માં રહેતા 58 વર્ષીય કિરીટકુમાર મનસુખલાલ બાબાવાલા કેમીકલનો વેપાર કરે છે. તેમની સોસાયટીમાં પાઈપ લાઈનનું કામ ચાલતુ હોવાથી તેમને સોસાયટીની બહાર તેમની સ્વીફ્ટ (જીજે-05-જીએ-1928) લલીતા સર્કલથી રાશી સર્કલ તરફના રસ્તા પર પાર્ક કરી હતી. દરમિયાન 5 તારીખે રાત્રે પોણા દસેક વાગે સોસાયટીની બહાર બૂમાબૂમ થતા લોકો સોસાયટીની બહાર દોડતા હતા.
બહાર જઈને જોયુ તો કિરીટકુમારની ગાડીને આગ લાગી હતી. ફાયર બ્રીગેડને ફોન કરતા તેમને આવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. બાદમાં તેમને સીસીટીવીમાં ચેક કરતા મોપેડ (જીજે-05-એનજી-2778) ના ચાલક મનોજકુમાર પન્નાલાલ જૈસવાલ (રહે.અમરોલી કોસાડઆવાસ) એ આવીને ગાડીને આગ લગાડી 1.50 લાખનું નુકશાન કર્યું હતું. આ અંગે કતારગામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીની ધરપકડ કરતા જાણવા મળ્યું છે કે આરોપી ટેમ્પો ડ્રાઈવર છે. અગાઉ તેનો એક ગાડી વાળા સાથે ઝઘડો થયો હતો. અને આ ગાડી તેની હોવાનું સમજીને સળગાવી હતી.