SURAT

કતારગામ 8 કરોડ લૂંટ કેસમાં મોટો ખુલાસો, બેગમાં રૂપિયા નહીં કાગળીયા હતાં, ખેલ કંઈ બીજો જ હતો..

સુરત: શહેરના કતારગામ વિસ્તારમાં આવકવેરા અધિકારીના સ્વાંગમાં રોકડા રૂપિયા 8 કરોડની લૂંટની બનેલી ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. (Katargam 8 crore robbery case solved) ખરેખર તો રૂપિયા લૂંટાયા જ નહોતા. ફરિયાદી કર્મચારીએ લૂંટનું નાટક રચ્યું હતું. શેરબજારમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાના લીધે કર્મચારીએ લૂંટનું તરકટ રચ્યું હતું. ખરેખર તો બેગમાં રૂપિયા નહીં માત્ર કાગળીયા જ હતાં.

આ કેસની વિગત એવી છે કે, પંદર દિવસ પહેલાં તા. 27મી ફેબ્રુઆરીએ બપોરના સુમારે કતારગામ ખાતે સેઈફ ડિપોઝીટ વોલ્ટમાંથી સહજાનંદ ટેક્નોલોજી પ્રા.લિ. કંપનીનો કર્મચારી 8 કરોડ રૂપિયા ઉપાડી મહિધરપુરા સેઈફ ડિપોઝીટ વોલ્ટમાં મુકવા માટે જઈ રહ્યો હતો. દરમિયાન રસ્તામાં અજાણ્યા ઈસમે પોતે આવકવેરાનો અધિકારી હોવાની ઓળખ આપી ગાડી અટકાવી હતી અને બંદૂકની અણીએ ગાડીમાં સવાર થઈ ગયો હતો.

કર્મચારીને બાનમાં લઈ અપહરણ કરી વરીયાવ બ્રિજના નાકા સુધી લઈ જઈ તમામને ગાડીમાં ઉતારી ગાડી લઈ નાસી ગયો હતો. આઠ કરોડની આ લૂંટની ઘટના બહાર આવતા ક્રાઈમ બ્રાન્ચ સહિત સુરત પોલીસના તમામ એજન્સીના અધિકારીઓ તપાસમાં લાગી ગયા હતા.

દરમિયાન સીસીટીવી અને બાતમીદારોની બાતમીના આધારે પોલીસે રોહિત વિનુ ઠુમ્મરને પકડ્યો હતો. રોહિતની ઉલટ તપાસ કરાઈ હતી. રોહિતે પોલીસને કહ્યું હતું કે, કંપનીમાં કામ કરતા કલ્પેશ પોપટ કસવાળા અને નરેન્દ્ર દૂધાતે જ લૂંટ કરવા માટે રોહિતનો સંપર્ક કર્યો હતો. આ કામ માટે તેને પાંચ લાખ રૂપિયા આપ્યા હતા. પોલીસને શરૂઆતથી જ ફરિયાદી નરેન્દ્ર દૂધાત પર શંકા હતા. રોહિતના સ્ટેટમેન્ટ બાદ નરેન્દ્ર ભાંગી પડ્યો હતો અને હકીકત જણાવી દીધી હતી. નરેન્દ્રએ પોલીસને કહ્યું કે, શેરબજારમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાના લીધે લૂંટનું નાટક રચ્યું હતું.

આઠ કરોડ લૂંટાયા નહોતા, બેગમાં કાગળો હતા
ક્રાઈમ બ્રાંચથી માંડીને કતારગામ પોલીસની ઉંઘ ઉડાવનાર આઠ કરોડની લૂંટ પ્રકરણમાં માસ્ટર માઈન્ડ દ્વારા શરૂઆતથી જ પુછપરછ દરમિયાન પોલીસને ગોથે ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસની પ્રારંભિક પુછપરછમાં નરેન્દ્ર દુધાત ટસનો મસ થયો ન હતો પરંતુ અંતે તે તુટી પડ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, કંપનીમાંથી તેણે આઠેક કરોડ રૂપિયા અગાઉથી જ વાપરી નાંખ્યા હતા અને તેને કારણે આ લુંટનું નાટક રચ્યું હતું. જેના ભાગરૂપે તેણે કતારગામ સેઈફ વોલ્ટમાંથી રોકડ રકમ મહિધરપુરા સેઈફ વોલ્ટમાં ટ્રાન્સફર કરવાના બહાને વાનમાં રોકડ રકમની જગ્યાએ કાગળના બંડલોવાળા થેલાઓ મુકયા હતા અને ત્યારબાદ બે મિત્રોના સહયોગથી લુંટનું નાટક રચ્યું હતું.

દુધાતે શેરબજારમાં 5 કરોડ ગુમાવ્યા હતા
નરેન્દ્ર દૂધાતે લૂંટનું તરકટ કેમ રચવું પડ્યું તેની પાછળ પણ એક સ્ટોરી છે. નરેન્દ્ર દુધાત સહજાનંદ કંપનીમાં છેલ્લા 22 વર્ષથી નોકરી કરતો હતો અને ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટમાં તેની 5 વર્ષ પહેલાં બદલી થઈ હતી. કંપનીના તમામ નાણાંકીય લેવડ – દેવડ અને ઉઘરાણીનો હિસાબ નરેન્દ્ર જ સાચવતો હતો. તેથી તેની પાસે હંમેશા મોટી રકમ રહેતી હતી. કંપનીના રૂપિયાથી કરોડપતિ થવાના ચક્કરમાં નરેન્દ્ર દૂધાતે પરિચિતોના ડિમેટ એકાઉન્ટની મદદથી શેરબજારમાં રોકાણ શરૂ કર્યું હતું. તેમાં તેણે 5 કરોડનું નુકસાન કર્યું હતું.

2.25 કરોડ રૂપિયા ડિમેટ એકાઉન્ટમાં હોવાનો ઘટસ્ફોટ
છેલ્લા પાંચ – છ વર્ષથી ડબ્બા ટ્રેડિંગ અને શેર બજારના રવાડે ચઢેલા નરેન્દ્ર દુધાતે કંપનીમાંથી કરોડો રૂપિયાની ઉચાપત કરી હતી. જો કે, આ રૂપિયાનો હિસાબ આપવો ન પડે તે માટે તેણે લુંટનો કારસો રચ્યો હતો. જેના માટે બે અન્ય સાથીઓને પણ લુંટના તરકટમાં નરેન્દ્ર દુધાતે સામેલ કર્યા હતા.

અલબત્ત, પોલીસ તપાસને અંતે ઝડપાયેલા નરેન્દ્ર દુધાત પોપટની જેમ પોતાના કાળા કરતુત બોલવા લાગ્યો હતો. કંપનીમાંથી કરોડો રૂપિયાની હેરાફેરી બાદ હાલમાં તેના હસ્તક અલગ અલગ ડીમેટ એકાઉન્ટમાં અઢી કરોડ રૂપિયા જેટલી રકમ જમા હોવાનું જાણવા મળ્યું છે. જેને પગલે પોલીસ દ્વારા આ રકમની રિકવરી માટેની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top