કામરેજ: (Kamrej) ત્રણ દિવસ અગાઉ ગુમ થયેલા ડુંભાલ ખાતે મિનરલ પીવાના પાણીનો (Drinking Water) ધંધો કરતા યુવાનનો મૃતદેહ ખોલવડ તાપી નદીના (Tapi River) પાણીમાંથી મળી આવ્યો હતો. કામરેજ પોલીસે પરિવારને જાણ કરી અકસ્માત (Accident) મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મૂળ પાટણના સમીચા ગામના વતની અને હાલ ડુંભાલ કૈલાસનગર સોસાયટીમાં મકાન નંબર-એ-100માં રહી મિનરલ પીવાના પાણીનો ધંધો કરતો કિરણ બાબુ પટેલ(ઉં.વ.37) ત્રણ દિવસ અગાઉ બપોરના 1.30 કલાકે ઘરેથી પાણીના રૂપિયાની ઉઘરાણી કરવા જાઉં છું તેમ કહીને નીકળ્યા બાદ સાંજના 7 કલાકે સાથે કામ કરતો કારીગર લાલુએ કિરણભાઈના ઘરે આવીને જણાવ્યું હતું કે, કિરણભાઈએ ફોન કરીને મેલડી માતા મંદિરે ગાડી મૂકી છે. ગાડી લઈ લેજો અને મમ્મી પપ્પાને જય શ્રીકૃષ્ણ કહેજો તેમ કહ્યા બાદ ફોન બંધ આવે છે. તપાસ કરતાં કામરેજના આંબોલી ગામની હદમાં તાપી નદીના કિનારે મેલડી માતાના મંદિરે બાઈક નં.(જીજે 05 ડીએલ 2452) પડેલી હતી. બુધવારે ફાયર ફાઇટરો દ્વારા નદીના પાણીમાં કિરણની શોધખોળ કરાતાં કોઈ ભાળ ન મળતાં ગુરુવારે સવારે 8 કલાકે ખોલવડ તાપી નદીના કિનારેથી મૃતદેહ મળી આવતાં કામરેજ પોલીસે પરિવારને જાણ કરી અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાલોદના તળાવમાં નાહવા પડેલા ત્રણ મિત્ર પૈકી એક ડૂબી ગયો, બેનો બચાવ
હથોડા: પાલોદ ગામે ક્રિષ્ના રેસિડેન્સીની પાછળ આવેલા તળાવમાં 12, 13 અને 14 વર્ષના ત્રણ મિત્રો નાહવા પડ્યા હતા. ત્યારે 12 વરસના શુભમનું તળાવના ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું. ઘટનાની વિગત એવી છે કે, પાલોદ ગામની હદમાં આવેલા જેબી રો હાઉસ ખાતે રહેતો શુભમ ગજેન્દ્રસિંહ રિછપાલસિંહ રાઠોડ (ઉં.વ.12) અને તેનો મિત્ર રોહિત મનોજ (ઉં.વ.13) અને નજીકમાં આવેલી ક્રિષ્ના રેસિડેન્સીમાં રહેતો સુશીલ સંજયકુમાર શર્મા (ઉં.વ.14) રમતાં રમતાં ક્રિષ્ના રેસિડેન્સીની પાછળ આવેલા તળાવ ખાતે પહોંચી ગયા હતા. અને તળાવમાં નાહવા પડતાં ફેન્સિંગ વગરના ઊંડા તળાવમાં બાર વર્ષનો શુભમ પાણીમાં ગરક થઈ ગયો હતો. શુભમ ડૂબી જતાં જ બંને મિત્ર ગભરાઈને ભાગી છૂટ્યા હતા.
મોડી સાંજે શુભમ ઘરે નહીં પહોંચતાં પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી. આખરે મિત્રો થકી જાણવા મળ્યું હતું કે, શુભમ તળાવના પાણીમાં નાહવા પડતાં ડૂબી ગયો છે. જેને કારણે પરિવારજનો સાથે લોકટોળું મોડી રાત્રે તળાવના કિનારે પહોંચી ગયું હતું. જ્યાં તળાવના કિનારે શુભમનાં કપડાં મળી આવ્યાં હતાં અને અંધારામાં પાલોદના સરપંચ દિનેશભાઈ આહીર તેમજ પાલોદ પોલીસના સથવારે લાશની શોધખોળ હાથ ધરતાં ડૂબી ગયેલા શુભમની મોડી રાત્રે લાશ મળી આવી હતી. આ બનાવ અંગે જાણ થતાં પાલોદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. એ બાદ લાશનો કબજો લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને પગલે સમગ્ર પરિવાર તથા મિત્રવર્તુળોમાં શોકની કાલીમા છવાઈ ગઈ હતી.