SURAT

કામરેજ વિધાનસભામાં પાટીદારો હાર-જીત નકકી કરતા હોય ભરેલા નાળીયરે જેવી સ્થિતી

સુરત : સુરતની કુલ બાર બેઠક માંથી પાંચ બેઠક ઓલપાડ, કામરેજ, કરંજ, વરાછા અને કતારગામ વિધાનસભા મતવિસ્તારમાં સૌરાષ્ટ્રવાસીઓનો દબદબો છે. આ બેઠકો પૈકી કતારગામને બાદ કરતા બાકીની વિધાનસભામાં આમ આદમી પાર્ટી ભાજપનો ખેલ બગાડી શકે તેવી સ્થિતી મહાનગર પાલિકાના વર્ષ 2021ના પરિણામોને ધ્યાને લેવાય તો લાગી રહ્યું છે. જો કે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર આંદોલનની અસર છતા ભાજપ જીત્યુ હતું. અને વર્ષ 2002થી કામરેજ બેઠ પર ભાજપનો કબજો છે.

રાજકીય વિશ્લેષકોનું માનવું હતું કે, પાટીદાર અનામત આંદોલનની અસર વિધાનસભાની આ બેઠક પર થઈ શકે છે અને ભાજપને સીટ ગુમાવવાનો પણ વારો આવી શકે છે પરંતુ પરિણામ તેનાથી વિપરીત ગયું હતું અને ભાજપને પાટીદારોના આંદોલન વચ્ચે પણ ભાજપના ઉમેદવારનો આ બેઠક પરથી વિજય થયો હતો. આ વખતે આમ આદમી પાર્ટીએ આ બેઠક પર રામ ધડુકને ટિકીટ આપી છે, જે છેલ્લા પાંચ વર્ષથી આ બેઠક પરથી ચૂંટણી લડવાનો નિર્ધાર કરીને કામ કરી રહ્યાં છે. તો આવા જ મજબુત ઉમેદવાર કોંગ્રેસના નિલેશ કુંભાણી છે. જે સામાજિક રીતે સારી પકડ ધરાવે છે.

ભાજપે અહીં પૂર્વ ધારાસભ્ય પ્રુફલ પાનશેરિયાને ટીકિટ આપી છે. અહી ‘આપ’નો ઉમેદવાર કેટલુ પરર્ફોમન્સ બતાવે છે તેના પર હાર-જીતનો મદાર છે. કેમકે અહી હળપતિ અને પાટીદાર મતદારો સૌથી વધુ છે. અને ત્રણેય ઉમેદવારો પાટીદાર હોવાથી પાસ જેની સાથે છે તે આપ કેટલું બળ કરી શકે છે તે કોઇ પણ ઉમેદવારની હાર-જીત નકકી કરશે.

આ બેઠકના તમામ વોર્ડ આપના કબજામાં, ભાજપની ડિપોઝીટ ગઇ હતી
કામરેજ બેઠક પર એટલા માટે પણ રસાકસી થવાની શકયતા છે કે, આ બેઠકમાં સમાવિષ્ટ સુરત મનપાના તમામ વોર્ડ આમ આદમી પાર્ટીના કબજામાં છે. મનપાની ચૂંટણીમાં આ બેઠકમાં સમાવિષ્ટ વોર્ડ નંબર 3માં આપના ઉમેદવારોની 35 હજારથી વધુ લીડ સાથે વિક્રમી જીત થઇ હતી. અને ભાજપના ઉમેદવારની ડિપોઝીટ ગઇ હતી. ગત વખતે પણ અહીંથી વિધાનસભાની ચૂંટણી લડનાર રામ ઘડુક આપમાંથી જ આ વખતે સાત વર્ષની મહેનત સાથે મેદાનમાં ઉતર્યા છે. તેથી આ બેઠક પર કંઇ પણ નવાજૂની થવાની શકયતા નકારી શકાતી નથી.

2017ની ચૂંટણીમાં ભાજપની લીડ 62 હજારથી ઘટીને 27 હજાર થઇ ગઇ હતી
કામરેજ વિધાનસભા બેઠક પર વર્ષ 2017માં પણ ભારે રસાકસી ભરી સ્થિતિ હતી. પાટીદાર આંદોલનની અસર વચ્ચે આ બેઠક પર લોકોની નારાજગી ખાળવા ભાજપે ત્યારના સીટિંગ ધારાસભ્ય પ્રફુલ પાનશેરિયાને કાપીને કોર્પોરેશનની ચૂંટણીમાં હારેલા વીડી ઝાલાવડિયાને મેદાનમાં ઉતારી જુગાર રમ્યો હતો. જયારે કોંગ્રેસે જેનુ નામ જાહેર કર્યુ હતું તે નિલેશ કુંભાણીને કાપી છેલ્લી ઘડીએ ભાજપ કોંગ્રેસમાં આયારામ-ગયારામ તરીકે આંટાફેરા કરતા અશોક જીરાવાલાને મેન્ડેટ આપ્યો હતો તેથી કોંગ્રેસમાં આંતિરક જૂથવાદ થયો હતો. તેથી જ ભાજપને લાભ થયો હતો જો કે પાટીદાર આંદોલનની અસરને કારણે પાંચ લાખ જેટલા મતદારો હોવા છતા અહી ભાજપના ઉમેદવારને 1,47,371 મતો જયારે કોંગ્રેસના ઉમેદવારને 1,19,180 મત મળ્યા હતા. અટલે કે માત્ર 27 હજાર મતો જેટલી લીડ મળી હતી જે વર્ષ 2012 વિધાનસભાની ચૂંટણીમાં 62 હજાર હતી.

કામરેજનો ભુતકાળ

  • 2017 વી ડી ઝાલાવડિયા ભાજપ
  • 2012 પ્રફુલભાઇ પાનશેરિયા ભાજપ
  • 2007 ભારતીબેન રાઠોડ ભાજપ
  • 2002 પ્રવિણભાઇ રાઠોડ ભાજપ
  • 1998 રમણભાઇ રાઠોડ કોંગ્રેસ
  • 1995 ધનજીભાઇ રાઠોડ ભાજપ
  • 1990 ડાહીબેન રાઠોડ કોંગ્રેસ
  • 1985 નારણભાઇ રાઠોડ કોંગ્રેસ
  • 1980 નારણભાઇ રાઠોડ કોંગ્રેસ
  • 1975 ધનજીભાઇ રાઠોડ એનસીઓ

કામરેજ વિધાનસભા વિસ્તારના પડકારો
કામરેજ ચાર રસ્તા પર થતી ટ્રાફિક સમસ્યાનો ઉકેલ છેલ્લા ઘણા વરસોથી ચુંટાયેલા ધારસભ્યો લાવી શકયા નથી. વળી ગ્રામ્ય વિસ્તારોમાં ગંદકી, પીવાના પાણીની સમસ્યાઓ, રસ્તાના કામોમાં વિલંબ, અપુરતી આરોગ્ય સેવાના મુદ્દે અવાર નવાર રજુઆતો થયા કરે છે. ખાસ કરીને આ બેઠક પર પાટીદાર ફેકટર મજબુત પડકાર હોય ભાજપનો ગઢ હોવા છતા સતત જાગતા રહેવુ પડે તેવી સ્થિતી છે.

મતદારોની સ્થિતિ

  • કુલ મતદારો : 546360
  • પુરષ 296713
  • મહીલા 249641
  • કુલ 546360
  • પાટીદાર : 3.33000
  • હળપતી-આદીવાસી : 45,900
  • ઓબીસી : 55,000
  • મુસ્લીમ : 22થી 23 હજાર
  • મારવાડી-જાટ-ગુર્જર : 29000
  • સુરતી : 70 હજાર

રામ ધડુક (આમ આદમી પાર્ટી)
આમ આદમી પાર્ટીએ જેને અહીથી ટીકિટ આપી છે. તે રામ ઘડુક પાટીદાર યુવા અગ્રણી છે. સીવીલ એન્જીયરીંગ કર્યુ છે. અગાઉ રીયલ એસ્ટેટ સાથે જોડાયેલા હતા. ગત વિધાનસભામાં આખા રાજયમા એક માત્ર આ બેઠક પર આપમાથી લડનારા ઉમેદવાર છે અને સતત બીજી વખત આપમાંથી લડી રહ્યાં છે.

વી.ડી. ઝાલાવાડીયા (સંભવિત ધારાસભ્ય)
ભાજપના સીટિંગ ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયા છ ધોરણ સુધી ભણેલા છે જો કે પાટીદાર આંદોલનની અસર છતા ભાજપની આ બેઠક બચાવવામાં તે સફળ રહ્યાં હતા. જો કે બાદમાં તેના પુત્રના રેતી પ્રકરણ અને જમીન સહીતના પ્રકરણો મુદ્દે વિવાદમાં આવ્યા હતા. ભાજપનું સજજડ સંગઠન આ બેઠક પર જમા પાસુ છે.

નિલેશ કુંભાણી (કોંગ્રેસના ઉમેદવાર)
વર્ષ 2015માં પાટીદાર આંદોલનની હવા પર સવાર થઇને કોંગ્રેસના નગર સેવક તરીકે ચુંટાયેલા નિલેશ કુંભાણી વર્ષ 2021માં પાટીદારોએ સાથ નહી આપતા મનપાની ચૂંટણીમાં હારી ગયા હતા. જો કે આમ છતા સતત લોકો વચ્ચે રહેનારા તેમજ સામાજિક ધાર્મિક આગેવાનો સાથે મજબુત સબંધો ધરાવે છે. ભણતર ઓછુ છે પરંતુ વ્યવસાયે બિલ્ડર તરીકે મોટુ નામ છે. વર્ષ 2017માં કોંગ્રેસે નામ જાહેર કર્યા બાદ છેલ્લી ઘડીએ મેન્ડેટ નહી આપતા કપાઇ ગયા હતા જો કે આ વખતે કોંગ્રેસે ભૂલ સુધારી છે.

Most Popular

To Top