સુરત: કડોદરા-પલસાણા રોડ પર તાતીથૈયા નજીક એક કન્સટ્રક્શન સાઈડ પર ઘોડીયામાં સુવડાવેલા એક વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાધો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકને સ્મીમેરમાં લવાયો હતો. જ્યાં તબીબો દ્વારા તાત્કાલિક સર્જરી કરાઈ હતી. જેમાં બાળકની ડાબી આંખ કાઢવાની નોબત આવી હતી. તેમજ મોઢાના અલગ-અલગ ભાગે 100 જેટલા ટાંકા પણ લેવામાં આવ્યા હતા. જ્યાં 20 દિવસની સારવાર બાદ શનિવારે બાળકનું મોત નિપજ્યું હતું.
- કડોદરામાં ધોડિયામાં સૂતેલા એક વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાધો, 20 દિવસની સારવાર બાદ મોત
- કૂતરાના હુમલા બાદ બાળકની ડાબી આંખ કાઢવી પડી, મોઢા પર 100 જેટલાં ટાંકા લીધા તેમ છતાં મોત નિપજ્યું
મળેલી માહિતી મુજબ, તાતીથૈયા ગામ નજીક એક કન્સટ્રક્શન સાઈડ પર રહેતા મોહન માલી અને પત્ની સાથે કન્સ્ટ્રક્શન સાઈડ પર કામ કરે છે. 3 જુનના મોહન અને તેની પત્ની મજુરી કરી રહ્યા હતા. ત્યારે તેમના 1 વર્ષના પુત્ર ગુંજનને ઘોડીયામાં સુવડાવેલુ હતું. દરમ્યાન એક કુતરાએ ગુંજનને ઘોડિયામાંથી કાઢી તેના ચહેરા અને માથાના ભાગે ફાડી ખાધું હતું. ગુંજનના રડવાનો અવાજ સાંભળી દોડી ગયેલા શ્રમજીવીઓએ ગુંજનને કૂતરાના ચુંગાલમાંથી છોડાવ્યો હતો.
લોહી-લુહાણ હાલતમાં બાળકને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. કૂતરાએ બાળકના ચેહરાને ફાડી નાખ્યો હતો. જેમાં બાળકની એક આંખ કાઢી નાંખવી પડે તેવી સ્થિતિ હોવાથી તબીબોએ તેની એક આંખ કાઢી નાખી છે. બાળકના ચહેરાના અલગ-અલગ ભાગે બચકાં ભર્યા હોવાથી તબીબોએ સર્જરી દરમ્યાન ચહેરાના ભાગે અને માથાના ભાગે 100થી વધુ ટાંકા લેવા પડ્યા છે. 20 દિવસની સારવાર બાદ શનિવારે તેનું મોત નિપજ્યું હતું.