સુરત: (Surat) વરાછા મેઇન રોડને લાગુ વોર્ડ નં.4 (કાપોદ્રા) (Kapodra) સુરતના ગીચ વિસ્તારોમાંનો એક વિસ્તાર છે. આ વિસ્તારમાં મોટા ભાગની પ્રજા મધ્યમ અને ગરીબ મધ્યમ વર્ગની છે. અહીં રત્નકલાકારો, વિવિધ પ્રકારના વ્યવસાય સાથે જોડાયેલા લોકો અને નાના-મોટા દુકાનદારોની સંખ્યા વધુ છે. આ વિસ્તારમાં હીરાનાં કારખાનાં અને લૂમ્સની ફેક્ટરી પણ છે. આ વિસ્તારમાં ટ્રાફિક, અંદરના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ, રસ્તા પરનાં દબાણો, રખડતાં ઢોર અને ખાડીની ગંદકી વગેરે મુખ્ય સમસ્યા છે. વર્ષ-2015માં આ વોર્ડ પાટીદાર આંદોલનના કારણે કોંગ્રેસની આખી પેનલ જીતી ગઇ હતી. ભાજપમાંથી (BJP) ટી.પી. ચેરમેન સહિતના પીઢ નેતાઓ હારી જતાં ભાજપમાં સન્નાટો છવાઇ ગયો હતો. જો કે, આ વખતે ભાજપે ફરી મજબૂત નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે. તો કોંગ્રેસ પણ તેના બે સીટિંગ કોર્પોરેટરો સાથેની મજબૂત ટીમ ઉતારી છે. ત્યારે આ વોર્ડમાં બદલાયેલી સ્થિતિ વચ્ચે ખરાખરીનો જંગ થવાની શક્યતા છે. કેમ કે, ગત ચૂંટણીમાં અહીં કોંગ્રેસ પાતળી સરસાઇથી જ જીતી હતી.
વોર્ડની ભૌગોલિક સ્થિતિ
વોર્ડ નં.4: કાપોદ્રા અને નાના વરાછાની હદના જંક્શનથી તાપી નદીનો કિનારો ત્યાંથી દક્ષિણ તરફ વળી કાપોદ્રાથી લંબે હનુમાન રોડ પર લાભેશ્વર જંક્શન સુધી ત્યાંથી ઉત્તર તરફ વળી બરોડા પ્રિસ્ટેજ વરાછા મેઈન રોડ સુધી ત્યાંથી વરાછા મેઈન રોડ પર પૂર્વ તરફ વળી હીરાબાગ જંક્શનથી વલ્લભાચાર્ય બી.આર.ટી.એસ. રોડ પર પસાર થઈ શાંતિનગર એપાર્ટમેન્ટ (ફા.પ્લોટ.૧૧૧) ઉગમનગરની પશ્ચિમ હદે થઈ શ્રેયસ વિદ્યાલય રોડ પર પસાર થઈ હાઈટેન્શન રોડ પસાર કરી વિશાલનગર અને સ્પોર્ટસ કોમ્પ્લેક્સ વચ્ચેના રોડ પરથી પસાર થઈ દીનબંધુ સોસાયટી પાસેના જંક્શન સુધી ત્યાંથી પૂર્વ તરફ નવી ઈન્દિરાનગરની પશ્ચિમે થઈ તાપી નદી સુધીના તમામ વિસ્તાર.
- ભાજપના ઉમેદવારો
- બાબુ જીરાવાલા, હંસાબેન ગજેરા, નૈનાબેન સંઘાણી, સંજયભાઇ હીંગુ,
- કોંગ્રેસના ઉમેદવારો
- ભાવેશ રબારી, મનીષાબેન કાછડિયા, મનીષાબેન મેંદપરા, ધીરજ વેકરિયા
- મતદારોનાં સમીકરણ
- કુલ મતદાર-96623
- પાટીદાર મત-57600થી વધુ
- ઓબીસી મત-28800થી વધુ
- દલીત મત-6000
- પરપ્રાંતિય મત-6000થી 7000
પ્રજાલક્ષી કામ કરે તેવા શિક્ષિત પ્રતિનિધિ જોઈએ : ડો.મહેશ પટેલ
કાપોદ્રા વિસ્તારના સ્ક્રીન સ્પેશિયાલિસ્ટ ડો.મહેશ પટેલ જણાવ્યું હતું કે, હવે સમય બદલાયો છે. ચૂંટણી લડતા ઉમદવારો શિક્ષિત અને પ્રજાલક્ષી કામો કરે તેવા હોવા જોઇએ. જેથી કરીને આપણી આવનારી પેઢીઓ માટે સારી એજ્યુકેશન સિસ્ટમ પણ ડેવલપ કરી શકવા મહેનત કરે, મનપાના ઉમેદવારો પ્રજા સાથે જોડાયેલા હોવા જોઇએ.
રખડતાં ઢોર અને રસ્તાનાં દબાણો બાબતે નક્કર પગલાં લો
લાભેશ્વર નજીક દુકાન ધરાવતા વેપારીએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં રખડતાં ઢોર અને રસ્તા પરનાં દબાણોની સમસ્યા માથાના દુખાવાસમાન છે. આ સમસ્યા સામે નક્કર પગલાં લઇ શકે તેવા શાસકોની અપેક્ષા છે. આ સિવાય આ વિસ્તારના વિકાસને વેગ મળે તે પણ અમે ઇચ્છીએ છીએ.
સરકારની કઠપૂતળી બનીને રહે તેવા નહીં લોકોની સાથે રહે તેવા પ્રતિનિધિઓ ચૂંટીશું
કાપોદ્રા વોર્ડમાં રહેતાં હિતલબહેને જણાવ્યું હતું કે, અમારા વિસ્તારના વિકાસ માટે ઘણું કરવાનું છે. તેથી સરકારની કઠપૂતળી બની રહે તેવા નહીં. પરંતુ વોર્ડની પ્રજા સાથે રહીને કામ કરે તેવા પ્રતિનિધિઓને જ અમે ચૂંટીશું. અમારા વિસ્તારમાં ખાડીનો પ્રશ્ન મુખ્ય છે. જે હલ થાય તેવી અપેક્ષા છે.