પલસાણા: કડોદરા (Kadodara) પ્રિયંકા ગ્રીનસિટીમાં કાનબાઈ માતાની રથયાત્રા નીકળી હતી. ત્યારે મહિલાઓ ગરબા રમતી હતી અને સોસાયટીના લોકો રથયાત્રા (Rathyatra) ઉપર પાણી વરસાવતા હતા. ત્યારે એક એપાર્ટમેન્ટ (Apartment) ઉપરથી યુવક નીચે પડતાં ગંભીર ઈજા સાથે સુરત સ્મીમેર હોસ્પિટલ (Smimer Hospital) ખાતે ખસેડવામાં આવ્યો છે.
- કડોદરા પ્રિયંકા ગ્રીનસિટીમાં કાનબાઈ માતાની રથયાત્રા વેળા ગરબા રમાતા હતા
- ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ
આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો
તાતીથૈયાની ગોકુલધામ સોસાયટીમાં રહેતો રાહુલ મણીલાલ બોરસે ગત તા.૨૮ ઓગસ્ટે કડોદરાની પ્રિયંકા ગ્રીનસિટી સોસાયટીમાં તેની બહેનને ત્યાં આવ્યો હતો. દરમિયાન સોસાયટીમાં કાનબાઇ માતાની રથયાત્રાનું પણ આયોજન કરાયું હતું, જેમાં સોસાયટીના નાકા પર મહિલાઓ ગરબા રમી રહી હતી અને બિલ્ડિંગ ઉપરથી કેટલાક લોકો તેમની ઉપર પાણીનો છંટકાવ કરી રહ્યા હતા. ત્યારે રાહુલ બોરસે પણ બાજુમાં આવેલા હરેક્રિષ્ણા કોમ્પ્લેક્સના ત્રીજા માળેથી બાલ્ટીમાં પાણી ભરીને નીચે છંટકાવ કરી રહ્યો હતો. એ વેળા અચાનક સેફ્ટી રેલિંગ તૂટી પડતાં રાહુલ ત્રીજા માળેથી નીચે પટકાયો હતો. જેનો વિડીયો પણ કોઇએ ઉતારી લીધા બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઘટના બાદ તાત્કાલિક તેને કડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ વધુ સારવાર સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.
પીપોદરા જીઆઈડીસીમાંથી મોબાઈલ અને રોકડ રકમની લૂંટ ચલાવનાર બે ઝડપાયા
હથોડા: પીપોદરા જીઆઇડીસી ખાતેથી તાજેતરમાં એક યુવાનને ચપ્પુ બતાવી મોબાઇલ અને રોકડ રકમની લૂંટ ચલાવવાની ફરિયાદ કોસંબા પોલીસમાં નોંધાઈ હતી. ફરિયાદ નોંધાતાની સાથે જ સક્રિય થયેલી સુરત જિલ્લા એલસીબી પોલીસે બાતમી મેળવીને પીપોદરા ખાતેથી બે જણાને ઝડપી પાડ્યા હતા.
સુરત જિલ્લા એલસીબી પોલીસ કર્મચારી અનિલભાઈ રામજીભાઈ અને મુકેશ જયદેવ ભાઈને બાતમી મળી હતી કે, તાજેતરમાં પીપોદરા ખાતે સૌરાષ્ટ્રવાસી યુવાન રાજુભાઈ વાલાભાઈ સમાડિયાને ચપ્પુ બતાવી મોબાઇલ તેમજ રોકડ રકમ મળી ₹23,000ના મુદ્દામાલની લૂંટ ચલાવનાર અસલમ સલીમભાઈ સમા (રહે.,કીમ, આશિયાનાનગર) અને શાહરૂખ સૌરભ શેખ (રહે.,મોટા બોરસરા, માધવ સોસાયટી)એ જ લૂંટ ચલાવી છે. અને લૂંટેલો મોબાઇલ હાલમાં અસલમ વાપરી રહ્યો છે અને આ બંને ઈસમ હાલ પીપોદરાની દાલમિલ પાસે આવેલી રાકીબની ભંગારની દુકાન પાસે બેસેલા છે. જેથી એલસીબી પોલીસે ઘટના સ્થળે છાપો મારી બંને લુંટારાને મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.