સુરત: દિવાળી નજીક આવતા ધૂત, ઠગ, લૂંટારા સક્રિય થઈ ગયા છે. સુરત શહેરના મહીધરપુરા હીરા બજાર પાસે તો રીતસરના બહરૂપિયાઓ વેપારી, દલાલો અને ઝવેરીઓને ટાર્ગેટ બનાવવા માંડ્યા છે. મીઠી વાતોમાં ભોળવી મહીધરપુરાના ઝવેરીના માણસ પાસેથી લાખોના દાગીના લૂંટી જવાનો કિસ્સો સામે આવ્યો છે. ઝવેરીના નોકરને એવો તો વાતમાં ભોળવી દીધો હતો કે તેની નજર સામે ઠગ લૂંટારા દાગીના લઈ ગયા તો પણ તે પૂતળું બનીને ઉભો રહ્યો હતો.
અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં કતારગામ ડભોલીની યમુના પાર્ક સોસાયટી નજીક આવેલી બાપા સીતારામ નગર સોસાયટીમાં રહેતા 36 વર્ષીય ઝવેરી અમિત આનંદ કર્માકરે ફરિયાદ આપી છે. ફરિયાદી અમિત કર્માકર મહીધરપુરાની વાણિયા શેરીમાં કર્માકર જ્વેલ નામથી બાપ-દાદાના સમયથી સોના ચાંદીના ઓર્ડર મુજબના દાગીના બનાવી વેચાણ કરવાનો ધંધો કરે છે. ગઈ તા. 10મી ઓક્ટોબરના બપોરના પોણા ચાર વાગ્યાના સુમારે તેમની એક મહિલા ગ્રાહક પાસે સોનાનો હાર તથા એક જોડી બુટ્ટી લઈ તેનું બોક્સ લેવા ગ્રાહકને મદદ કરવા મોકલ્યો હતો. થોડી વાર બાદ સૌરભને ફોન કરતા તેણે એવું કહ્યું કે, મહિલા ગ્રાહકે કાળી બેગમાં આપેલો સોનાનો હાર તથા 2 નંગ બુટ્ટી બે અજાણ્યા ઈસમો લઈને ચાલી ગયા છે.
સૌરભે જે જણાવ્યું તે અનુસાર તે નીલકંઠ જ્વેલર્સ સામે ઉભો હતો ત્યારે તેની પાસે એક બાબા આવ્યો હતો. સફેદ કલરનો કુર્તો અને પાયજામો પહેરેલા બાબાએ સૌરભને અગરબત્તી લાવી આપવા કહ્યું હતું, પરંતુ સૌરભે પૈસા આપુ તમે લઈ લેજો એવી વાત કરી હતી. ત્યારે ત્યાં એક અજાણ્યો ઈસમ આવ્યો હતો અને બાબાએ તેને અગરબત્તી લાવવા કહ્યું હતું. તે ઈસમે સૌરભને બંગાળીમાં પૂછ્યું કે અગરબત્તી ક્યાં મળે છે? અને પછી સૌરભને લઈ તે અગરબત્તી લેવા ગયો પરંતુ બાબા સાચો છે કે જુઠ્ઠો તે જાણીએ એવું કહી વિશ્વાસ જીતી અગરબત્તી લીધા વગર પાછો આવ્યો હતો.
બાદમાં બાબા પાસે પાછા આવ્યા ત્યારે બાબાએ પેલા અજાણ્યા ઈસમને પૂછ્યું કે પેલા ઈસમનો અને ત્યાર બાદ સૌરભનો હાથ જોવા માંગ્યો હતો અને તેમનો સામાન એકબીજાને આપવા કહ્યો હતો. ત્યારે સૌરભે પોતાની પાસેના સોનાના હાર અને બુટ્ટીવાળી કાળી બેગ પેલા ઈસમને આપી હતી. ત્યાર બાદ બાબાએ પૂછ્યું ભગવાન કો દેખના ચાહતે હો? અને બંને જણાને દસ પગલાં આગળ ચાલવા કહ્યું. સૌરભ થોડો આગળ ગયો ત્યાર બાદ પાછળ વળીને જોયું તો બાબા અને અજાણ્યો ઈસમ એક જ બાઈક પર બેસીને ભાગી છૂટ્યા હતા. અમિત કર્માકરે અઠવાલાઈન્સમાં રૂપિયા 3.50 લાખના સોનાના દાગીનાની ચોરીની ફરિયાદ અઠવાલાઈન પોલીસ મથકમાં આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.