સુરત : હજીરા ખાતે આવેલી કંપનીમાં નોકરી (Job) કરતી યુવતીએ ઇન્સ્ટ્રાગ્રામ (Instagram) આઈડી પર બજાજ ફાઈનાન્સ લોન માટેની એડ જોઈને લિંક ડાઉનલોડ (Download) કરી હતી. બાદમાં લોનની લાલચે તેની પાસેથી 12500 રૂપિયા ટ્રાન્સફર કરાવી લોન નહીં આપી તેની સાથે છેતરપિંડી થતા હજીરા પોલીસ સ્ટેશનમાં (Police Station) ફરિયાદ નોંધાવી હતી.
હજીરા વિસ્તારમાં સુંવાલી ખાતે ટેકરા ફળિયામાં રહેતી 26 વર્ષીય દિવ્યાનીબેન જગદીશભાઇ પટેલ હજીરા ખાતે આવેલી કંપનીમાં નોકરી કરે છે. તેણે હજીરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત મે મહિનામાં પોતાના ઇન્સ્ટ્રાગ્રામ આઇડી પર બજાજ ફાઇનાન્સની લોન માટેની એડ જોઈ હતી. એડ જોઈને લિંકમાં લોન રીક્વાયરની માહિતી સાથે પોતાનું નામ અને મોબાઇલ નંબર સહિતની માહિતી ફીલઅપ કરી હતી. માહિતી ફીલઅપ કર્યાના બે દિવસમાં દિવ્યાની પર બજાજ ફાઇનાન્સ કંપનીના લોન ડિપાર્ટમેન્ટમાંથી કોલ આવ્યો હતો. અને તેને 3 લાખ રૂપિયા સુધીની લોન 4 ટકાના વ્યાજે મળશે તેવું કહ્યું હતું. તેના માટે બેંક એકાઉન્ટનો ચેક, આધાર કાર્ડ, પાન કાર્ડ અને ફોટો વ્હોટ્એસ ઉપર મંગાવ્યા હતા. ત્યારબાદ દિવ્યાનીને લોન એપ્રૃવનો લેટર મોકલાવી પ્રોસેસ ચાર્જ, ટીડીએસ, જીએસટી, ઇન્સ્યોરન્સ ટેક્સના નામે ઓનલાઇન એસબીઆઇ બેંકના એકાઉન્ટમાં 12,500 ટ્રાન્સફર કરાવ્યા હતા. પરંતુ લોનની એમાઉન્ટ ટ્રાન્સફર થઈ ન હતી. અને કોઈનો સંપર્ક પણ થયો નહોતો. હજીરા પોલીસે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
સુરતમાં વકીલની પત્ની છેતરાઈ ગયા
સુરત: જહાંગીરપુરા ખાતે રહેતા વકીલની પત્નીએ (Wife) ફ્લીપકાર્ડ, એમેઝોન, ઈબાય શોપ, એસ.બી.આઈ., ફોન પેમાંથી ઓનલાઈન ઓર્ડર (Online Order) આપતાં 50 ટકા કિંમત પરત મળશે તેવી લાલચ આપી 1.88 લાખ રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં (Police Station) નોંધાઈ હતી. જહાંગીરપુરા ખાતે કૈલાસધામ સોસાયટીમાં રહેતા સ્નેહલ પટેલ વ્યવસાયે વકીલ છે. તેમની પત્ની ઝીનલે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ગત 29 જૂને અજાણ્યા નંબર પરથી પાર્ટ ટાઈમ જોબ માટેની વેબ સાઈટની લિંક સાથે રજિસ્ટર કરવા માટેનો મેસેજ આવ્યો હતો. અજાણ્યા નંબર પર વોટ્સએપ મેસેજ કરતાં તેને ટેલીગ્રામ મેસેન્જર પર સંપર્ક કરવાનું કહ્યું હતું.
અજાણ્યાએ પોતે ફ્લીપકાર્ડ, એમેઝોન, ઈબાય શોપ, એસ.બી.આઈ., ફોન પે સાથે ભાગીદાર હોવાનું જણાવ્યું હતું. આ કંપનીઓની સેલિંગ વધારવાની કામગીરી કરે છે તેમ કહી આ કંપનીઓમાંથી ઓનલાઈન ઓર્ડર આપશો તો તમને પ્રોડક્ટની કિંમતના 50 ટકા ઉમેરી પેમેન્ટ પરત આપવામાં આવશે તેવી લોભામણી લાલચ આપી હતી. જેથી ઝીનલે પોતાના તથા પોતાની સાસુના બેંક એકાઉન્ટમાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્શનથી આરોપીને ગ્રેવિટી તથા અભિનંદન ઈન્ડિયા એન્ટરપ્રાઈઝમાં નાણાં ઓનલાઈન પેમેન્ટ કરી કુલ 1.88 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં આ નાણાં પરત માંગતાં નહીં આપી છેતરપિંડી કરી હતી. જહાંગીરપુરા પોલીસે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.