SURAT

વરાછામાં જ્વેલર્સને ત્યાં કામ કરતા એક કર્મચારી સાથે એવું તે શું થઈ ગયું કે બીજા તમામે બુમાબુમ કરી મૂકી

સુરત : વરાછામાં (Varacha) આવેલા જ્વેલર્સમાં કામ કરતા કર્મચારીને ચાંદી ઉપર વ્યાજે રૂપિયા માંગ્યા બાદ ઓફિસનો (Office) દરવાજો બંધ કરીને આ કર્મચારીના મોંઢા ઉપર રિવોલ્વર (Revolver) મુકી લૂંટનો (Robbery) પ્રયાસ કરવામાં આવ્યો હતો. કર્મચારીએ બુમાબુમ કરતા ત્રણ લૂંટારાઓ ભાગી છૂટ્યા હતા. જે અંગે વરાછા પોલીસમાં (Police) ફરિયાદ નોંધાઇ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ કતારગામ લેક ગાર્ડનની બાજુમાં પદ્માવતી આવાસમાં રહેતા રાજેશભાઇ જંયતિભાઇ ખત્રી કાપોદ્રા ચાર રસ્તા પાસે શ્રદ્ધા કોમ્પલેક્ષમાં એસ.કે. ચોક્સી નામની ઓફિસમાં નોકરી કરે છે. તેમની દુકાનમાં દરરોજની જેમ રૂા.1 લાખ રોકડા પડ્યા હતા. સવારના સાડા નવ વાગ્યાના અરસામાં રાજેશભાઇ ઓફિસે એકલા જ હતા. દરમિયાન ત્રણ યુવકો બપોરે સવા એક વાગ્યાની આસપાસ ઓફિસમાં આવ્યા હતા. ત્રણેય પૈકી એકએ ચાંદીની વીટી આપીને વેચવાનું કહ્યું હતું.

રાજેશભાઇએ વીટી લેવાની ના પાડતા અજાણ્યાએ વીટીની ઉપર ફાયનાન્સ માંગ્યું હતું. પરંતુ રાજેશભાઇએ ચાંદીની ઉપર વ્યાજે રૂપિયા આપતા નહી હોવાનું કહ્યું હતું. આ સાથે રાજેશભાઇએ ત્રણેયની હરકત શંકાસ્પદ લાગતા તેઓને ઓફિસની બહાર જવાનું કહ્યું હતું. પરંતુ ત્રણેયએ ઓફિસનો દરવાજો બંધ કરી દઇને રાજેશભાઇને ઓફીસમાં નીચે પાડી દીધા હતા અને તેઓની ઉપર એક માણસ બેસી જઇને મોંઢુ દબાવવા લાગ્યો હતો.

બીજા યુવકે રાજેશભાઇનો પગ પકડીને ત્રીજા યુવકે બેગમાંથી એક પિસ્તોલ કાઢી મોંઢા ઉપર તાકવા લાગ્યો હતો. રાજેશભાઇએ બળ કરીને ત્રણેયના ચુંગાલમાંથી છૂટી બુમા બુમ કરતા આ ત્રણેય જણા ઓફીસમાંથી ભાગી ગયા હતા. આ બાબતે રાજેશભાઇએ તેમના શેઠને વાત કરી હતી ત્રણેયની સામે વરાછા પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વલસાડમાં રેલવેના 12 લાખના ઇલેક્ટ્રિક થાંભલાની ચોરી કરનારો ઝડપાયા
સુરત : સચિન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં રેલવેના ઇલેક્ટ્રિક થાંભલાની ચોરીના આરોપીઓની બાતમી મળી હતી. બાતમીના આધારે પીઆઈ આર.આર.દેસાઇની સુચનાથી વોચ ગોઠવી હતી. આરોપી મહેતાસકુમાર મહેશકુમાર બેગારામ જાટ (રહે-શ્રીમાધોપુર જી-શીકર, રાજસ્થાન), વીપીન રામચન્દ્ર બિરબલ બરાલા જાતે જાટ (રહે-શીકર), ગોકુલ બજનારાન જાટ (રહે-શીકર), મનીષ ગોધનલાલ શૈની (રહે-ખંડેલા) ને સચિન પલસાણા સાતવલ્લા ફ્લાય ઓવરબ્રિજ નીચેથી સફેદ કલરની મારૂતી સુઝીકી અરટીગા કાર (RJ-23 UA-6599) માં ઝડપી પાડ્યા હતા.

તેમની પાસેથી મોબાઈલ ફોન તથા એલએન્ડ ટી કંપનીના પ્રોજેક્ટના ગેટ પાસ બુક અને સ્ટૉક ટ્રાન્સફર બુક તેમજ કંપનીનો સ્ટેમ્પ સિક્કો મળી આવ્યો હતો. તે અંગેના બીલો અને દસ્તાવેજી આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહીં હોવાનુ કહેતા તેમની પુછપરછ કરાઈ હતી. જેમાં ગત 21 તારીખે વલસાડ અતુલ-દિવેદગામ પાસે આવેલા રેલવે બ્રિજની બાજુના એલ એન્ડ ટી કંપનીના ઇલેક્ટ્રિક પોલ નંગ-૨૨ એક ટ્રેલરમાં ભરાવી લઇ જઇ ચોરી કર્યાની કબુલાત કરી હતી. સચિન પોલીસે આરોપીઓને પકડી પાડી વલસાડ પોલીસમાં ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.

Most Popular

To Top