સુરત : દુબઇથી (DUBAI) 8.58 કરોડના 135 સોનાના બિસ્કિટ સ્મગલિંગ (GOLD SMUGGLING) કેસમાં ડીઆરઆઈ અને સ્ટેટ જીએસટી (GST) વિભાગ પછી હવે મની લોન્ડરિંગની (MONEY LONDARING ) આશંકાને પગલે એન્ફોર્સમેન્ટ ડીરોકટોરેટ (ED)એ તપાસ શરૂ કરી છે. દુબઇથી 8.58 કરોડના 135 સોનાના બિસ્કિટ સ્મગલિંગ કેસમાં ઇડીએ DRI પાસે વિગતો મેળવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જેલ હવાલે થયેલા વિપુલ બોરડ અને રામભાઈ સુહાગિયાએ દુબઈથી સોનું લાવી હવાલાથી નાણાં હવાલાથી મોકલ્યાની આશંકાને પગલે ઇડીએ પણ તપાસ શરૂ કરી છે.આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઇડીની કચેરી દ્વારા જવેલર્સ ફર્મ દ્વારા કેટલા લોકોને સોનુંકે જવેલરી વેચાઈ એની તપાસ કરવામાં આવી રહી છે.
ડીરોકટોરેટ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) ના વિજિલન્સ ઓફિસરને મળેલી બાતમીના આધારે શહેરનાં લંબે હનુમાન રોડ ખાતે આવેલા CRV જવેલર્સમાં દરોડા પાડીને પ્રત્યેક 100 તોલા વજન વાળા 135 સોનાના બિસ્કિટ ઝડપી પાડ્યા હતાં. આ સોનાના બિસ્કિટ યુએઈ ઓરિજિનના હોવાથી DRI દ્વારા 5 વેટ અને 7.50 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી ભરી હોવા સાથેના બીલની માંગ કરતાં દુબઇથી સોનુ ખેપ મારી લાવનાર મોટા વરાછા યમુના દર્શન સોસાયટીમાં રહેતા વિપુલ ધીરુભાઈ બોરડ અને દાણચોરીનું સોનુ ખરીદનાર લંબે હનુમાનરોડ વરાછા રોડના CRV જવેલર્સના ભાગીદાર રામભાઈ મગનભાઈ સુહાગિયાની ગત સપ્તાહે ધરપકડ કરી હતી. જેલ હવાલે થયેલા વિપુલ બોરડ અને રામભાઈ સુહાગિયાએ છેલ્લા 3 વર્ષ દરમ્યાન દાણચોરીથી લેવાયેલા સોનાના બિસ્કિટ ઓગાળી જવેલરી વેચાણ કરી 3 ટકા જીએસટી ચોરી કરી હોવાની શંકાને પગલે DRI ને સમાંતર અગાઉ જીએસટી વિભાગે પણ તપાસ કરી હતી.
કાચું સોનુ ઓગળી સ્થાનિક જવેલર્સને કાચામાં વેચી દેવાયાની શંકા છે.આ કૌભાંડમાં 100 ગ્રામ વજનના 135 સોનાના બિસ્કિટનું DRI દ્વારા વેલ્યુઅર પાસે વેલ્યુએશન કરાવવામાં આવતા આ સોનાની માર્કેટ કિંમત 8,58,17,880 આંકવામાં આવી હતી. DRI એ કેસમાં CRV જવેલર્સના ભાગીદાર ચેતન.ટી.કથરોટીયાની પણ પૂછપરછ કરી હતી.સ્મગલિંગ અને કસ્ટમ ડ્યુટીનો કેસ નોંધાયો છે.જીએસટી વિભાગે ડોક્યુમેન્ટ અને ટ્રાન્જેક્શનની તપાસ ચાલુ રાખી છે.હવે ઇડીએ મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી છે. આ કેસમાં 15 હજાર 745 ગ્રામનાં 135 નંગ સોનાના બિસ્કિટ મળી આવ્યા છે.