સુરત: દેશમાં સૌથી વધુ ધામધૂમથી મુંબઈ અને સુરતમાં ગણેશોત્સવની ઉજવણી થાય છે. આ વર્ષે સુરતમાં ભક્તોએ ગણેશોત્સવ પાછળ લખલૂંટ ખર્યો કર્યો છે. શ્રદ્ધાળુઓનો ઉત્સાહ આસમાને છે. સુરતમાં ઠેરઠેર ગણપતિ દાદાના ભવ્ય મંડપો છે. રોજ હજારો-લાખો સુરતીઓ ભવ્ય સજાવટ જોવા નીકળતા હોય છે. સુરતીઓ મુંબઈના લાલબાગ ચા રાજામાં પણ શ્રદ્ધા ધરાવે છે.
મુંબઈના લાલબાગચા રાજાને સુરતના લોકો પણ ખૂબ માને છે. દર વર્ષે ગણેશોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં સુરતથી શ્રદ્ધાળુઓ લાલ બાગ ચા રાજાના દર્શન માટે જાય છે. આ વર્ષે સુરતના એક જ્વેલરે લાલ બાગ ચા રાજાને અનોખી ભેંટ મોકલાવી છે. સુરતના ઝવેરીએ લાલ બાગની ગણપતિની પ્રતિમા માટે 9 ફૂટનો સોનાનો હાર બનાવ્યો છે. આ 9 ફૂટના હારમાં 250 સોનાના ગુલાબ મુકવામાં આવ્યા છે. આ ગોલ્ડન હાર આવતીકાલે તા. 23મી સપ્ટેમ્બરના રોજ મુંબઈના લાલબાગ ચા રાજાને અર્પણ કરવામાં આવશે.
જ્વેલર દીપક ચોક્સીએ કહ્યું કે દર વર્ષે અમે ગણેશોત્સવમાં કશુંક નવું કરીએ છીએ. ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ દાદા માટે એક હાર બનાવવાનો વિચાર આવ્યો હતો. લાલબાગ ચા રાજામાં લોકો ખૂબ શ્રદ્ધા ધરાવે છે. તેથી લાલ બાગ ચા રાજાની મૂર્તિ માટે સોનાનો હાર બનાવવાનું નક્કી કર્યું હતું. હાર બનાવવામાં ઝાઝો સમયલાગ્યો નથી. ગોલ્ડ રોઝ તૈયાર હોય છે, તે ભેગા કરી કારીગરોને ચાર દિવસમાં હાર તૈયાર કરી દીધો છે.
ચોક્સીએ વધુમાં જણાવ્યું હતું કે, આ સાથે વધુ એક ગોલ્ડ પ્લેટેડ હાર બનાવવામાં આવ્યો છે. તે 6 ફૂટ લાંબો છે. તેમાં 150 ગોલ્ડ પ્લેટેડ ગુલાબનો ઉપયોગ કરાયો છે. તે હાર પુણેના દગડુ શેઠને અર્પણ કરાશે. છ દિવસ બાદ દગડૂ શેઠ માટે હાર મોકલાશે.