સુરત : શહેર હવે કોરોનાકાળના ઓછાયામાંથી બહાર આવી ગયું છે. તેથી હવે તમામ તહેવારોની ફરી એકવાર જોશભેર ઉજવણીઓ થવા માંડી છે. બે દિવસ પહેલા જ સ્વાતંત્ર્યપર્વની અભુતપુર્વ ઉજવણી બાદ હવે શુક્રવારે જન્માષ્ટમી પર્વની ઉજવણી પણ ઉત્સાહભેર કરવા માટે શહેરમાં થનગનાટ જોવા મળી રહયો છે. દર વર્ષની જેમ આ વખતે પણ શહેરનો મુખ્ય મટકીફોડ કાર્યક્રમ ભાગળ ખાતે યોજાશે. ઉપરાંત અનેક સોસાયટીઓ-મહોલ્લાઓમાં મટકીફોડના કાર્યક્રમો અને નંદોત્સવનું આયોજન કરી જનમાષ્ટમીની ઉજવણી કરાશે, ઉપરાંત મંદિરો અને હવેલીઓમાં પણ કુષ્ણજન્મોત્સવની ઉજવણી કરવા માટે વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે.
દર વર્ષ શહેરના હાર્દસમાન ભાગળ ચાર રસ્તા ખાતે ગોવિંદા ઉત્સવ સમિતિ સુરત દ્વારા મુખ્ય મટકીફોડ કાર્યક્રમ યોજાય છે. સમિતિના પ્રમુખ ગણેશભાઈ પી. સાવંતે જણાવ્યું હતુ કે, 19-08-2022ને શુક્રવારના રોજ સાંજે 4:30 કલાકે ભાગળ ચાર રસ્તા ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ સાંસદ સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને મટકી ફોડવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે મટકીફોડ કાર્યક્રમ ઉજવાયો ન હતો, હવે કોરોનાકાળ પુરો થયો છે તેમજ આ વર્ષે સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિને ૨૫ વર્ષ પૂર્ણ થનાર છે તેથી ધામધુમથી કુષ્ણજન્મોત્સવ યોજાશે.
40 ફુટની ઉચાઇ પર ‘એક લાખની મટકી’નું આયોજન
સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા આ વર્ષે ગોવિંદા ઉત્સવ સમિતિને 25 વર્ષ પૂર્ણ થાય છે તે નિમિત્તે સી.આર.પાટીલ દ્વારા રૂપિયા એક લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે, જે ગોવિંદા મંડળ વધારે પિરામિડ મારશે તે પ્રમાણે એક લાખની મટકી ફોડવાની તક આપવામાં આવશે તેમાં અંદાજે 8 પિરામિડ બનશે અને મટકી 40 ફુટ ઊંચી હશે. આ વર્ષે ભાગળ ચાર રસ્તા ખાતે 4 મટકી ફોડવામાં આવનાર છે જેમાં અંબાજી રોડનું જય ભવાની મહિલા મંડળ, ભાગળ ચાર રસ્તા ખાતેની મુખ્ય મટકી ફોડવાનો લ્હાવો લાલ દરવાજા વિસ્તારના લાલ દરવાજા બાળ મિત્ર મંડળ ફોડશે જયારે સંયોજક તરીકે અડાજણ વિસ્તારનું બાળગણેશ યુવક મંડળ જોડાશે આ વર્ષે જય ભવાની સ્પોર્ટ્સ ક્લબને 50 વર્ષ પૂર્ણ થાય છે તે નિમિત્તે દરેક ગોવિંદા મંડળના સર્વ સંમતિથી એમને એક વિશેષ મટકી ફોડવા માટે આપવામાં આવનાર છે. આ વખતે 132 ગોવિંદા મંડળ નોંધાયા છે.