National

સુરતથી 1200 કિ.મી. દૂર આ ટાપુ ઉપર નર્મદ યુનિ. નર્સિંગ કોલેજ શરૂ કરશે!

સુરત: (Surat) સુરતની નર્મદ યુનિવર્સિટીની ડિગ્રી હવે 1200 કિલોમીટર દૂર સુધી સુરતનું નામ રોશન કરશે. એક એવી જગ્યા જ્યાં વિમાની માર્ગે જઈએ તો 1200 કિલોમીટરનું અંતર કાપવું પડે. અહીં તૈયાર થનાર નર્સ સુરતની નર્મદ યુનિવર્સિટીનું નામ ઉજ્જવળ કરશે. શહેરની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (South Gujarat University) ભારતની પહેલી એવી યુનિવર્સિટી બનશે જે યુનિયન ટેરટરીના અરબી સમુદ્રના લક્ષદ્રીપ ટાપુ (Island) ઉપર સુરતથી વિમાની માર્ગે 1200 કિલોમીટર દૂર રેગ્યુલર નર્સિંગ કોલેજનું (Nursing College) જોડાણ આપશે.

વીર નર્મદ યુનિ.ખાતે આજરોજ મળેલી સિન્ડિકેટની બેઠકના એજન્ડા ઉપર એક ગૌરવ લેવા જેવી બાબત આવી હતી. સુરતથી બાયરોડ ગણીએ તો ફરી ફરીને 2283 કિલોમીટર દૂર અને બાય ફલાઇટ ગણીએ તો 1176 કિલોમીટર દૂરની સંસ્થાએ નર્મદ યુનિ.પાસે જોડાણ માંગ્યું છે. આ અંગે માહિતી આપતા યુનિ.ના યુવા સિન્ડિકેટ સભ્ય ડો.કશ્યપ ખરચિયાએ કહ્યું હતું કે યુનિયન ટેરેટરી ઓફ લક્ષદ્વીપ એડમિનિસ્ટ્રેશનના ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ સર્વિસ તરફથી કવરત્તી ટાપુ ઉપર બી.એસસી. નર્સિંગ કોલેજના જોડાણ માટે અરજી કરવામાં આવી છે. જેને મંજૂર કરવામાં આવી છે.

જોકે, આ જોડાણ અરજી સંદર્ભે ત્યાં રૂબરૂ લોકલ ઈન્ક્વાયરી કમિટી જઇ શકે તેમ નથી. વળી તેમના એડમિનિસ્ટ્રેશન તરફથી પણ કહેવાયું છે કે હાલ હેલિકોપ્ટર સેવા પણ બંધ છે. જેથી વર્ચ્યુઅલ લોકલ ઇન્કવાયરી કમિટીની બેઠક યોજાશે .યુનિ.એ આ અરજીનો સ્વીકાર કરી વર્ચ્યુઅલ લોકલ ઇન્કવાયરી કમિટી માટે પરવાનગી આપી છે. નજીકના દિવસમાં કુલપતિ આ કમિટી માટે તજજ્ઞોના નામો પણ આપશે.

સાર્વજનિક એજયુકેશન સોસાયટીની ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપકોએ હવે નર્મદ યુનિ.સાથે જોડાણ ચાલુ રાખવા મમત છેડી છે

સુરત: સુરતની સાર્વજનિક એજયુકેશન સોસાયટીએ પ્રાઇવેટ યુનિ.નું સ્ટેટસ મેળવી લીધા બાદ ઉંઘતા ઝડપાયેલા તેમની સંસ્થાની છ ગ્રાન્ટેડ કોલેજના સ્ટાફે નર્મદ યુનિ.સાથે જોડાણ મેળવવા આજે દેખાવો યોજયા હતાં. શહેરની સાર્વજનિક એજયુકેશન સોસાયટીએ બે મહિના પહેલા પ્રાઇવેટ યુનિ.નુ સ્ટેટસ મેળવી લીધા બાદ હવે એડમિશનની સીઝન ટાણે કોથળામાંથી બિલાડુ નીકળે તેવો ઘાટ સર્જાયો છે. વીર નર્મદ યુનિ.એ પણ આ સંસ્થાનું જોડાણ તાકિદની અસરથી રદ કરી તેમના સ્ટાફના સભ્યોને યુનિ.ના અલગ અલગ સત્તામંડળમાંથી દૂર કરી દીધા હતાં. જેને પગલે સાર્વજનિક એજયુકેશન સોસાયટીની ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપકોએ હવે નર્મદ યુનિ.સાથે જોડાણ ચાલુ રાખવા મમત છેડી છે. આજે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના નેજા હેઠળ પી.ટી.સાયન્સ કોલેજના અધ્યાપક ડો.કેતન દેસાઇએ યુનિ.માં દેખાવો કરી રજૂઆતો કરી હતી. તેમણે કહ્યું હતું કે, શિક્ષણ મોંધુ થવા સાથે પીજી એડમિશન માટે યુનિ. કવોટાને લઇને મોટો બખેડો થશે. જેની અસર છાત્રો ઉપર પડશે.

એનએસયુઆઇએ પણ શિક્ષણના ખાનગીકરણનો વિરોધ કર્યો

કોગ્રેસની છાત્ર પાંખ એનએસયુઆઇના નેતાઓએ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના નેતા રજૂઆતો કરતા હતાં તે સમયે બનેરો લઇ પાછળ ઉભા રહી ગયા હતાં. એન.એસ.યુ.આઇ.એ પણ શિક્ષણના ખાનગીકરણનો વિરોધ કર્યો હતો. જોકે અત્યાર સુધી એકદમ ચૂપ એનએસયુઆઇ આજે અચાનક મેદાનમાં ઉતરતા અચરજ ફેલાયુ હતું. યુનિ. પરિસરમાં એવી પણ ચર્ચા છેડાઇ હતી કે ભાજપ સાથે ઘરોબો ધરાવતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘનો સરકાર સામે વિરોધ છે તો તેમની સાથે એનએસયુઆઇ પણ જોડાઇ ગયું હતુ. એન.એસ.યુ.આઇ.એ શૈક્ષિક સંઘના ચોકકસ નેતા સરકાર સામે પડયા છે તેવુ ચિત્ર ઉભું કરવા પ્રયાસ કર્યો હતો.

Most Popular

To Top