SURAT

સુરતમાં દિવસ કરતાં રાતે વધારે ગરમી, સોમવારની રાત સિઝનની સૌથી ગરમ રાત હતી

સુરત: આ વખતે ગરમીએ તોબા પોકારાવી દીધી છે. આખાય દેશમાં સૂર્ય અગનગોળા વરસાવી રહ્યો હોય તેવી સ્થિતિ છે. ડિગ્રીના આંકડા રોજ ઉપર ચઢી રહ્યાં છે. ગુજરાતના પણ લગભગ બધા જ જિલ્લા તપી રહ્યાં છે. ગઈકાલે તા. 20 મેના રોજ દક્ષિણ ગુજરાતના ભરૂચમાં ગરમી 46 ડિગ્રીનો આંકડો વટાવી ચૂકી હતી. સુરતમાં દિવસ દરમિયાન થોડી રાહત હતી પરંતુ રાતે શહેરીજનોને અકળાવી મુક્યા હતા. સોમવારની રાત સુરતમાં સિઝનની સૌથી ગરમ રાત રહી હતી.

હવામાન વિભાગના આંકડા અનુસાર તા. 21 મેના રોજ મહત્તમ તાપમાન 38.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે દર્શાવે છે કે રાત્રિ દરમિયાન લગભગ 39 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે અત્યાર સુધીનું સૌથી વધું છે.

હવામાન વિભાગનું ચાર દિવસ ઓરેન્જ એલર્ટ
સુરતઃ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સુર્યદેવ આકરા મિજાજમાં  છે. ત્‍યારે આ સપ્‍તાહ દરમિયાન પણ આકરા તાપ સાથે ગરમીનું સામ્રાજય જોવા મળશે. સુરતમાં આગામી 24 તારીખ સુધી ઓરેન્જ એલર્ટ સાથે હીટવેવનો માહોલ રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ – પશ્ચિમી ચોમાસુ માલદીવ, કોમોરીન વિસ્‍તાર, દક્ષિણમાં બંગાળની ખાડીના અમુક ભાગ, નિકોબાર અને દક્ષિણ આંદામાનના દરિયાના ભાગોમાં તા.19 મે ના બેસી ગયુ છે.

જયારે તા.23 મે સુધીમાં દક્ષિણ બંગાળની ખાડીમાં લો પ્રેસર થવાની શકયતા છે. ગરમીની વાત કરીએ તો ગઇકાલે સુરત શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રી નજીક પહોંચી ગયો હતો. આજે તાપમાનમાં 3.3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. જેની સામે ગરમીના તેવર એટલા જ આકરા હતા. 24 મે સુધી ગુજરાત રાજયમાં હીટવેવ તેમજ બહુ ગરમ વાતાવરણમાં રહેશે.

હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ વચ્ચે તાપમાનનો પારો 40 ડિગ્રીની પાર જશે. ત્‍યારબાદ મહત્તમ તાપમાન ઘટશે. આગાહીનો સમયના વધુ દિવસ પવન મુખ્‍યત્‍વે પશ્ચિમી ફુંકાવાની શકયતા છે. આજની વાત કરીએ તો શહેરમાં મહત્તમ તાપમાન ૩.૩ ડિગ્રી ઘટીને ૩૮.૫ ડિગ્રી નોંધાયુ હતુ. જ્યારે લઘુત્તમ તાપમાન 28.6 ડિગ્રી નોંધાયું હતું. હવામાં 47 ટકા ભેજની સાથે 7 કિલોમીટરની ઝડપે દક્ષિણ પશ્ચિમનો પવન ફુંકાયો હતો.

સિવિલમાં દર્દીઓને ગરમીથી બચાવવા એક્શન પ્લાન તૈયાર
ઓરેન્જ એલર્ટને લઇ નવી સિવિલ હોસ્પિટલ એલર્ટ મોડ પર આવી ગઈ છે. હીટવેવને ધ્યાને રાખી નવી સિવિલમા અલાયદો વોર્ડ ઊભો કરાયો છે. હીટવેવમા કઈ રીતે કામ કરવું તેની માહિતી નર્સીસને આપવામાં આવી રહી છે. નવી સિવિલ હોસ્પિટલની નર્સોને મેડીકલ માહિતી આપવામાં આવી રહી છે.

Most Popular

To Top