Feature Stories

દરેક ક્ષેત્રે ટેક્નોલોજી અપનાવતા સુરતીઓહાઈરાઈઝ કોમ્પ્લેક્સથી લઈ સોસાયટીઓના મેનેજમેન્ટ અને સિક્યોરિટીમાં ઑટોમેશન

એક સમય હતો કે જ્યારે લોકોના ઘરોની બહાર દરવાજા પર ઘંટડીઓ લટકાવવામાં આવતી હતી. દરવાજો ખોલાવવા માટે આ ઘંટડીઓ વગાડવામાં આવતી અને દરવાજાઓ ખૂલતાં હતાં. આજે એવો સમય આવી ગયો છે કે દરવાજા ખોલાવવા માટે મોબાઈલમાં ઘંટડીઓ વગાડવી પડે છે. આજનો જમાનો ઓટોમેશનનો છે. એટલે કે જેમાં વ્યક્તિએ મહેનત કરવી પડે નહીં. સુરતમાં અનેક બિલ્ડરો દ્વારા જ્યારે સોસા. તૈયાર કરવામાં આવે ત્યારે વિવિધ મોબાઈલ એપ્લિકેશન થકી આવી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવશે. અનેક સોસાયટીમાં સર્વિસ સોસાયટી દ્વારા આવી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવે છે. ફેરિયો કે પછી કોઈ મહેમાન સોસા.માં આવે તો તેણે જે તે વ્યક્તિના ઘરે જવા માટે મોબાઈલથી QR કોડ સ્કેન કરવો પડે છે. તે વ્યક્તિ પરમિશન આપે પછી જ તેના ઘરે જઈ શકાય છે. આ તો એક વ્યવસ્થા થઈ, વાહનોની અવરજવરથી માંડીને વાહનોના પાર્કિંગ તેમજ સોસા.ના હિસાબથી માંડીને સોસા.માં થતી ફરિયાદોનો નિકાલ પણ ઓટોમેશન દ્વારા જ કરવામાં આવે છે. આજનો જમાનો જ ઓટોમેશનનો છે ત્યારે આવો જાણીએ સુરતમાં ક્યાં અને કેવી રીતે સોસા.થી માંડીને એપાર્ટમેન્ટમાં ઓટોમેશનનો ઉપયોગ થાય છે.

અમે એપમાં જાણ કરી દઈએ કે જેથી સિક્યુરિટીવાળો ડિલીવરી બોયને રોકે નહીં: કમલબેન અગ્રવાલ


વેસુમાં રાજહંસ રોયલ્ટનમાં રહેતા કમલબેન અગ્રવાલે જણાવ્યું કે, અમારે ત્યાં 8 ટાવરમાં આશરે 200 ફ્લેટ છે. અમારા કેમ્પસમાં ડિલીવરી બોય આવવાનો હોય તો મોબાઈલ એપ્લિકેશનમાં રિકવેસ્ટ નાખીએ આ સમયે આ વ્યક્તિ આવશે એટલે સિક્યુરિટીવાળો તેને રોકશે નહીં. જો અમે પરમિશન નહીં આપી હોય અને ડિલિવરી બોય આવે તો સિક્યુરિટીવાળો એપમાં રિકવેસ્ટ નાખશે. જેનું નોટિફિકેશન અમારા મોબાઈલ પર આવે છે. જો નોટિફિકેશન નહીં જોયું તો મોબાઈલ ફોનના ચાર જેટલા નંબર એપમાં રજિસ્ટર્ડ હોય એની પર સિક્યુરિટી ગાર્ડનો ફોન આવે છે. જેને પગલે ઘરમાલિક મંજૂરી આપે તો જે તે વ્યક્તિને પ્રવેશ મળે છે.
આજકાલ મોબાઈલ એપથી સોસા.ના ઈવેન્ટનું પણ પ્લાનિંગ થઈ જાય છે: ડીલર ધ્રુવ કોલડીયા


મોબાઈલ એપ્લિકેશનના ડીલર ધ્રુવ કોલડીયાએ જણાવ્યું હતું કે, એવી પણ મોબાઈલ એપ છે કે જેમાં સોસાયટીના નવરાત્રી કે ગણેશ ઉત્સવ કે અન્ય ઇવેન્ટ પણ એપ્લિકેશનમાં જનરેટ થઈ જાય. ઇવેન્ટમાં નાસ્તા કલેક્શન માટે ઓનલાઈન પેમેન્ટ તથા ડ્રેસકોડ અને બીજા પ્લાનિંગ એપ્લિકેશનમાં થઈ જાય. તમારી ગાડીની આગળ બિલ્ડીંગના કોઈ બીજા વ્યક્તિની ગાડી ઉભી છે તો તમે એપમાં એ કારનો નંબર નાખીને વિગતો લઈને તેને ગાડીસ ખસેડવા માટે કહી શકો છો. તમારા ફ્લોર પરની લાઈટ બંધ છે તમે તેનો ફોટો પાડો અને એપમાં મૂકી દો એટલે કમ્પ્લેન્ટ મેનેજમેન્ટ કમિટી પાસે તેનું રિમાઈન્ડર જ્યાં સુધી પ્રશ્ન સોલ્વ નહીં થાય ત્યાં સુધી જશે.
મોબાઈલ એપ દ્વારા જ ડિજિટલ પેમેન્ટ માટે બેંકનો QR કોડ શેર કરી શકાય છે: પ્રણેશ અગ્રવાલ


પાલ ખાતે આવેલી વિઠ્ઠલ સૃષ્ટિ સોસા.માં રહેતા સીએ પ્રણેશ અગ્રવાલે જણાવ્યું હતું કે, અમારી સોસા.માં મોબાઈલ એપ થકી જ વિઝિટરને પ્રવેશ મળે છે. ફેરિયા હોય કે કોઈપણ, એપ મારફત ક્યુઆર કોડ સ્કેન કર્યા બાદ તેની જાણ જે તે ઘરમાલિકને થાય છે. ઘરમાલિક દ્વારા સંમતિ આપ્યા બાદ જ જે તે વ્યક્તિ પ્રવેશ કરી શકે છે. એપ દ્વારા જ ડિજિટલ પેમેન્ટ માટે બેંકનો ક્યુઆર કોડનો પણ ઉપયોગ થાય છે. આ ઉપરાંત અમે સીસીટીવી કેમેરા પણ ઓટોમેશન મોડ પર લગાડ્યા છે કે જે સેન્સરથી વ્યક્તિને ઓળખીને કામગીરી કરે છે.

Most Popular

To Top