સુરત (Surat) : જિગર ટોપીવાલાએ ભરત ઠક્કર અને પ્રકાશ ઠક્કરને 50 કરોડની ક્રેડિટ આપી હતી. આવા અન્ય પંટરોને હવે શોધવાનું શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન હાલમાં જે ચર્ચા છેડાઇ છે તે પ્રમાણે હેમંતની 200 કરોડની ક્રેડિટ હોવાની વાત છે. એટલે કે, 200 કરોડ રૂપિયાની ક્રેડિટ હેમંત ટોપીવાલા સુરત ઉપરાંત ગુજરાત તથા અન્ય રાજ્યોમાં ફેરવતો હોવાની ચર્ચા છે. આ ક્રેડિટ એટલે કે મહત્તમ જુગાર (Gambling Credit) રમવા માટેની એમાઉન્ટ પ્રકાશ અને ભરતને 49 કરોડની ક્રેડિટ આપી હોવાની વાત છે. તેમાંથી 11 કરોડનો સટ્ટો (Betting) બુક થયો હતો. તેમાં પ્રોફિટમાં 70-30ની ભાગીદારીની (Partner) વાતનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ થયો છે.
2020માં જિગર ટોપીવાલાને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો હતો
ઓનલાઇન ડોમેઇન બનાવીને આર્મેનિયમ નાગરિક પાસેથી ઇન્ટરનેશનલ લેવલનો તમામ જુગાર જિગર ટોપીવાલો રમાડતો હતો. તત્કાલ સમયે પણ અડાજણ ખાતે આ ચીટર ઝડપાયો હતો. ત્યારબાદ જિગર ટોપીવાલાનું જબરદસ્ત સેટિંગ હોવાને કારણે ધંધો બિનધાસ્ત ચાલુ રાખ્યો છે.
સાગર નામનો ઇસમ સેટિંગબાજીમાં મધ્યસ્થી બન્યો
જિગર ટોપીવાલા અને તેના મળતિયાઓને બચાવવા સાગર નામનો ટાઉટ હાલમાં મેદાને છે. શહેરના પોલીસ અધિકારીઓનો ખાસ હોવાનું જણાવી સાગર સટોડિયાનું સેટિંગ કરાવી આપતો હોવાની ચર્ચા છે. હાલમાં સેટિંગ માટે સાગર મેદાનમાં આવ્યો છે. શહેરના તમામ બુકીઓનાં સેટિંગમાં સાગરની ભૂમિકા મહત્ત્વની મનાઇ રહી છે.
1000 કરોડની ક્રેડિટ ધરાવતા મુન્નાને એક મહિના પહેલાં કેવી રીતે છોડી દેવાયો?
એસએમસી (સ્પેશિયલ મોનિટરિંગ સેલ) દ્વારા રેડ કરવામાં આવ્યા બાદ શહેર પોલીસની ઇજ્જતના લીરેલીરા ઊડી ગયા છે. દોઢ મહિના પહેલાં એક હજાર કરોડની ક્રેડિટ ધરાવતા મુન્નાની તમામ આઇડીઓ પોલીસના હાથમાં આવી ગઇ હતી. આ મામલો જહાંગીરપુરાનો હોવાની વાત છે. એ સમયે મોટાં માથાં વચ્ચે પડ્યાં હોવાની વાત છે. તેમાં ટોચના રાજકારણીએ મધ્યસ્થીની ભૂમિકા ભજવી મુન્નાને બચાવી લીધો હોવાની વાત છે. ને પોલીસમાં દોઢ કરોડની રકમ વહેંચાઇ હતી. શહેરમાં વહાબ, મુન્ના સહિત અન્ય પંદર જેટલા મોટા બુકી છે. જેના ટાઉટોમાં શહેરની પોલીસ પણ છે. આમ, દોઢ મહિના પહેલા એક હજાર કરોડની ક્રેડિટ ધરાવતા મુન્નાના દસ મુખ્ય પંટરને છોડી દેવાયા હોવાની ચર્ચા છે. કમિશનર અજય તોમર આ મામલે તપાસ કરે તો સ્થાનિક પોલીસ સ્ટેશન સહિત અન્ય મોટાં માથાંનાં નામ ખૂલે તેમ છે.
જિગરનો અડાજણના સ્ટાફ સાથે ઘરોબો ચર્ચામાં
જિગર ટોપીવાલા અને તેના પંટરોનો અડાજણ પોલીસમાં સ્ટાફ સાથે ઘરોબો પણ ચર્ચામાં છે. જે રીતે અડાજણ પોલીસમાં જિગર ટોપીવાલાના પંટરો પકડાયા છે તે જોતાં આવનારા દિવસોમાં આકરી કાર્યવાહીનાં એંધાણ વર્તાઇ રહ્યાં છે.
અઠવાડિયા પહેલાં જ આવેલા પીઆઈ સ્વપ્નિલ પંડ્યા કારણ વગર ભેરવાયા
પાલના શ્રીપદ એન્ટાલિયામાં જ્યારે કરોડોનો આઇપીએલનો સટ્ટો રમાઇ રહ્યો હતો, ત્યારે અડાજણ પોલીસ સામે આ ગંભીર મામલે શંકાની સોય તકાઇ છે. જો કે, આ મામલે નવા સવા પીઆઇ સ્વપ્નિલ પંડ્યા વગર વાંકે ભેરવાયા છે. અલબત્ત, જ્યારે પ્રકાશ ઠક્કર અને ભરત ઠક્કર તેમના 14 પન્ટરની આડીના પુરાવા મળ્યા છે, ત્યારે આ મામલો સંવેદનશીલ બન્યો છે. હાલ તો અડાજણ પોલીસને આ મામલે તપાસ સોંપાઇ છે. દરમિયાન સહજ સુપર સ્ટોર્સ પાસેના પવિત્રા રો હાઉસમાં રહેતો હેમંત ટોપીવાલા વોન્ટેડ છે. જિગર ટોપીવાલા પાસે બસો કરોડની ક્રેડિટ હોવાની વાત છે. પણ જિગર ટોપીવાલા સાથે હાલમાં કોણ સંકળાયેલું છે, તે પ્રકાશ અને ભરતની પૂછપરછ પછી જ ખબર પડશે. અડાજણ પોલીસ સમક્ષ આ લોકોએ પાંચ હજારની ક્રેડિટ લોકોને આપતા હોવાની કબૂલાત કરી છે. જિગર હાલમાં દુબઇમાં વોન્ટેડ હોવાની ચર્ચા છે.