સુરત: (Surat) સુરત શહેરના જાગૃત નાગરિકોના સતત પ્રયાસના લીધે વિકાસ પામેલા સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ (Surat International Airport) પર તંત્રની બેદરકારીના કિસ્સા અવારનવાર બહાર આવતા રહે છે. શહેરીજનોના લાખ પ્રયાસ છતાં સુરત એરપોર્ટ ઓથોરિટી દ્વારા સુરત એરપોર્ટના ડેવલપમેન્ટમાં રસ લેવામાં આવતો નથી. ઉલટાનું છાશવારે ભૂલો કરીને લોકોને હેરાન કરવામાં આવી રહ્યાં હોવાના બનાવો બનતા રહે છે. આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે.
- સુરતના વેપારી સવારે દિલ્હી જઈ રહ્યાં હતાં ત્યારે એરપોર્ટ પર લાલપીળા રંગનું પાણી જોઈ ચોંક્યા
- વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ પર પોસ્ટ મુકી વેપારીએ દુ:ખ વ્યક્ત કર્યું
સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પેસેન્જરો (Passengers) માટે પાણીની (Water) સુવિધા રાખવામાં આવી છે પરંતુ તે પાણી એટલું દૂષિત (Dirty) છે કે તેને કોઈ પણ સ્વસ્થ વ્યક્તિ પી નહીં શકે. સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગંદું પાણી મળતું હોવાનો વીડિયો (Video Viral) સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સુરત એરપોર્ટની છબીને ઝાંખપ લાગી રહી છે.
સુરત એરપોર્ટ પર મળી રહ્યું છે લાલ પીળું પાણી આ શીષર્ક સાથે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પલ્લવ બંસલ નામના એક પેસેન્જરે આ વીડિયો બનાવ્યો છે. બંસલ એક વેપારી છે અને તેઓ સોમવારે તા. 30 મે ના રોજ સવારે સુરતથી દિલ્હી જઈ રહ્યાં હતાં ત્યારે સુરત એરપોર્ટ પર પીવાના પાણીનો રંગ જોઈ તેઓ ચોંકી ગયા હતા.
તેમણે વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ એટ સુરત ગ્રુપ પર વીડિયો સાથેની એક પોસ્ટ મુકી પોતાની નારાજગી વ્યક્ત કરતા લખ્યું કે એક તરફ સુરતમાં અનેક ફ્લાઈટ શરૂ થઈ રહી છે ત્યારે બીજી તરફ એરપોર્ટ પર સુવિધાઓનું સ્તર ઘટી રહ્યું છે. જુઓ, સુરત એરપોર્ટ પર મળતા પાણીની ગુણવત્તા. જે લોકો આ પાણી પીશે તે ચોક્કસપણે હોસ્પિટલ ભેગા થશે. પ્લીઝ સંબંધિત તંત્રને આ બાબતે જાણ કરો.
બંસલે ગુજરાત મિત્ર સાથે ટેલિફોનિક વાતચીત કરતા કહ્યું કે, આ તો ઠીક છે કે પાણીના રંગ પરથી તે દૂષિત હોવાનો ખ્યાલ આવી ગયો. જો ગંદા પાણીનો રંગ સાફ હોત તો તે પીનારાની હાલત કેવી થઈ હોત? મેં આ અંગે સુરત એરપોર્ટના ફેસબુક પેજ પર પોસ્ટ કરી છે, જેથી વધુમાં વધુ લોકોને તે અંગે જાગૃતિ આવે અને તંત્ર પણ તે પ્રત્યે કોઈ એક્શન લે.
આ વીડિયો બહાર આવતા જ સુરતના જાગૃત નાગરિકો દુ:ખી થયા છે. સુરત એરપોર્ટને કોઈ પણ વેરા કે રૂપિયા વિના મફતમાં તમામ સુવિધાઓ સુરતના પ્રશાસન દ્વારા આપવામાં આવી રહી છે, તેમ છતાં સુરત એરપોર્ટનું તંત્ર પેસેન્જરોને શુદ્ધ પાણી પણ ઉપલ્બ્ધ કરાવી શકતું નથી તેવી વ્યથા જાગૃત નાગરિકો વ્યક્ત કરી રહ્યાં છે.