સુરત : (Surat) સહારા દરવાજા પાસે વર્ષ 2007 માં ઓફિસ ખોલીને રોકાણકારો (Investors) પાસેથી કરોડો રૂપિયા રોકાણ કરાવી ઉઠમણુ કરી છેતરપિંડી (Fraud) કરતો આરોપી વર્ષ 2013 થી વોન્ટેડ હતો. આ આરોપીને ક્રાઈમ બ્રાંચની ટીમે દાહોદ કટવારા ચેકપોસ્ટ નજીકથી પકડી પાડ્યો હતો. આરોપી સતત ફ્લાઈટમાં કંપનીના એક્ઝિબિશનના નામે ફરતો રહેતો અને ફાઈવસ્ટાર હોટેલોમાં રોકાણ કરતો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમને દાહોદ ઈન્દોર હાઈવે કટવારા ચેકપોસ્ટ નજીક છેતરપિંડીનો આરોપી ઉભો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે વોચ ગોઠવી ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપી સુનિલ નારાયણ જોષીને ઈન્દોર, મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો હતો.
મોંઘીદાટ ફોરવ્હીલ કારો ભેટમાં મેળવવા જાહેરાતો કરી હતી.
ક્રાઈમ બ્રાંચ દ્વારા તેની સામે વર્ષ 2013 માં ધ પ્રાઈઝ ચીટ્સ એન્ડર મની સર્ક્યુલેશન સ્કીમ્સ (બાનીંગ) એક્ટ ૧૯૭૮ ની કલમ-૪, ૫ અને ૬ મુજબ ગુનો દાખલ કરી વોન્ટેડ જાહેર કરાયો હતો. આરોપીએ તેના અન્ય 15 સાગરીતો સાથે મળીને વર્ષ 2007 માં લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાના ઈરાદે સુરત સહારા દરવાજા સરદાર માર્કેટ કોમ્પલેક્ષમાં આસ્થા પશુપાલન કેન્દ્ર પ્રા.લિ. નામથી કંપની ઉભી કરી હતી. પશ્ચિમ બંગાળ, ઓરીસ્સા તથા ભારતના અન્ય રાજ્યોમાં પોતાની બ્રાંચ ઓફીસો ખોલી સમયાંતરે કંપનીનુ નામ તથા સ્કીમો બદલી નાખી હતી. અને તેમાં લોભામણી સ્કીમોમાં મોટુ મુડી રોકાણ કરી ટુંકાગાળામાં વધુ રૂપિયા ક્માવા માટે લોકો પાસે બમણા રૂપિયા તથા વધુ કમિશન અને મોંઘીદાટ ફોરવ્હીલ કારો ભેટમાં મેળવવા જાહેરાતો કરી હતી.
આરોપી આસ્થા પ્રા.લિ. કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો
આકર્ષક અને ખોટી માહિતીવાળા બ્રોશર છપાવ્યા હતા. અને બાદમાં રોકાણકારોના કંપનીની જુદી જુદી સ્કીમોમાં કરોડો રૂપિયામાં ઉઠમણુ કરી છેતરપિંડી કરી હતી. બાદમાં આરોપીઓએ રોકાણકારો પર લાકડાના ફટકા વડે હુમલો કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. વર્ષ 2013 થી આરોપી પોતાના રહેઠાણ અને ધંધાના સ્થળો બદલતો રહેતો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તે મહિનામાં ૧૫ થી ૨૦ દિવસ ફલાઈટમાં જ આવ જાવ કરે છે. દરમિયાન બાતમીના આધારે દાહોદ કટવારા ચેક પોસ્ટ નજીક વોચમાં રહી તેને પકડી પાડવામાં આવ્યો હતો. પુછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, પકડાયેલા આરોપી આસ્થા પ્રા.લિ. કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો.