સુરત: (Surat) ઇન્સ્ટાગ્રામ (Instagram) ઉપર હોસ્પિટલના રિસેપ્શનિસ્ટ અને કાપડનો વેપાર કરનાર યુવકના નામથી ફેક એકાઉન્ટ બનાવી એ એકાઉન્ટના પ્રોફાઇલ પિક્ચરમાં (Profile Picture) તેનો ફોટોગ્રાફ મૂકી તથા ફોટોગ્રાફમાં એડિટિંગ કરી અન્ય બીભત્સ ફોટોગ્રાફ્સ સાથે પોસ્ટ કરી તેના સગા સંબંધીઓને મેસેજ કરનાર તેના બંને મિત્રને સાયબર ક્રાઈમ (Cyber Crime) પોલીસે ઝડપી પાડ્યા હતા.
- મિત્રોએ હોસ્પિટલના રિસેપ્શનિસ્ટની બોગસ ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી બીભત્સ ફોટો અડિટિંગ કરી રિક્વેસ્ટ મોકલી
- મેસેજ કરનાર બંને મિત્રને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યા
બેગમપુરા ખાતે રહેતા 26 વર્ષીય આશીત (નામ બદલ્યું છે) દિલ્લી ગેટ ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરે છે. તથા ઓનલાઈન કપડાં વેચવાનો ધંધો કરે છે. જેથી ઇન્સ્ટાગ્રામ ઉપર બિઝનેસ એકાઉન્ટનો ઉપયોગ કરે છે. ગત તા.15 ફેબ્રુઆરીએ અજાણ્યાએ ઇન્સ્ટાગ્રામ ઉપર husain_abdeali_mithawala નામનું ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. તેમાં પ્રોફાઇલ પિક્ચરમાં આશીતનો ફોટો મૂકી તથા તેના ફોટાને એડિટિંગ કરી બીભત્સ ફોટો સાથે મૂકી પોસ્ટ કરી તેઓના સગા સંબંધીઓને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી બદનામ કર્યો હતો. જેથી યુવકે સાયબર ક્રાઈમ પોલીસમાં પોતાને બદનામ કરવા અજાણ્યા વ્યક્તિએ બોગસ ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી.
સાયબર ક્રાઈમ પોલીસે આરોપી અબ્દુલ કાદીર ઇકબાલ હુસૈન અબ્દુલ હુસૈન સાકીર (ઉં.વ.૨૭) (ધંધો-વેપાર) (રહે.,ઘર નં.૪/ર૯૩૬-એ, હકીમી મંઝીલ, વીરમગામી મહોલ્લો, રોશન હાઉસની બાજુમાં, બેગમપુરા) તથા અભ્યાસ કરતા હુસૈન ખુઝેમા હેબતુલ્લા બદ્રી (ઉં.વ.૨૨) (રહે.,ઘર નં.૬૦૧, નફીસ મકાન, ખત્રીવાડ, ઇન્દરપુરા, ઝાંપાબજાર, સુરત)ને ઝડપી પાડ્યા હતા. આશીત અને બંને આરોપી અગાઉ એકબીજાના મિત્રો હતા. આશીત આરોપીઓના ફોટોગ્રાફ્સ અલગ-અલગ ફ્રેન્ડ્સને મોકલતો હતો. જે આરોપીઓને પસંદ નહીં હોવાથી ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક એકાઉન્ટ બનાવી બદનામ કર્યો હતો.
ડિસ્ટ્રીક્ટ કોર્ટના સુપ્રિટેન્ડન્ટ સાથે ફ્લેટ વેચવાના બહાને પાંચ લાખની ઠગાઇ
સુરત : ડિસ્ટ્રીક્ટ કોર્ટનો સુપ્રિટેન્ડન્ટ સાથે ફ્લેટ વેચવાના બહાને પાંચ લાખ રૂપિયાનો દસ્તાવેજ નહીં કરી દેતા ફરિયાદ થઇ હતી. પ્રાપ્ત વિગતો મુજબ સુરતની કોર્ટમાં સુપ્રિ. તરીકે ફરજ બજાવતા તેજશ જશવંતલાલ મોદીએ ડિંડોલીના વૃંદાવન રેસીડેન્સીમાં રૂા.50 હજાર આપીને એક ફ્લેટ બુક કરાવ્યો હતો, ત્યારબાદ પ્રોજેક્ટનું સંચાલન કરનારા અજય ઉર્ફે તપન પીતાંબર નાયક, મંગલ શીરોમણી યાદવ અને અનિલ કુમારેશ દુબેએ બીજા બે ફ્લેટની અદલાબદલી કરી હતી. આખરે ત્રણેયએ તેજશભાઇની પાસેથી બીજા 4.50 લાખ મળી કુલ્લે 5 લાખ લઇ લીધા હતા. પરંતુ દસ્તાવેજ કરી આપ્યો ન હતો. આ મામલે ડિંડોલી પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ઠગાઇ કરનારા ત્રણેયની ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.