સુરત: (Surat) અડાજણ પાલનપુર જકાતનાકા ખાતે રહેતી કોટક મહિન્દ્રા બેંકની (Bank) મહિલા કર્મચારીએ ઈન્સ્ટાગ્રામ (Instagram) ઉપર જાહેરાત જોઈને સાઈટમાં પૈસા ઈન્વેસ્ટ કરવાના ચક્કરમાં 56 હજાર રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો. મહિલાએ ક્યુઆર કોડ સ્કેન કરી એપમાં રૂ.10 હજાર રોક્યા હતા. ત્યારબાદ કંપનીના સંચાલકે વિડીયો કોલ (video call) કરી પ્લેટીનમ વાઉચરમાં રૂપિયા 22,440 ઈન્વેસ્ટ કરશો તો 1.74 લાખનું પ્રોફીટ મળશે કહી વિશ્વાસમાં લીધા હતા.
- અડાજણમાં કોટક બેંકની મહિલા કર્મીએ ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત જોઈ લાલચમાં આવી 56,800 ગુમાવ્યા
- પ્લેટીનમ વાઉચરના 22,440 ભરાવી અને તેની સામે 1.74 લાખનો પ્રોફિટ આપવાની લાલચ આપી
- ટ્રેડ માસ્ટર એપમાં 10 હજાર રોકતા એપના સંચાલકે વિડીયો કોલ કર્યો હતો
અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ પાલનપુર જકાતનાકા મહાદેવ એપાર્ટમેન્ટમાં રહેતી 23 વર્ષીય તૃપ્તીબેન નિકુંજભાઈ સુખડીયા કોટક બેંકમાં નોકરી કરે છે. ગત 1 ફેબ્રુઆરીના રોજ ઇન્સ્ટાગ્રામાં સ્ટોરી જોતા હતા. ત્યારે એક આઈડીમાં સ્ટોરી અપલોડ થઈ હતી. તેમાં પૈસા રોકવા માટે એક લીંક ઈન્ફીનીટી ટુ મેક પ્રોફીટ (ટ્રેડ માસ્ટર) હતી. અને વિડીયો અપલોડ કર્યો હતો. તૃપ્તીબેને લીંક ખોલી જોતા તેમાં સારા રીવ્યુ જોઈને રોકાણ કરવાનું વિચારી મેસેજમાં વાત કરી હતી. તેમને રોકાણ કરવા ક્યુઆર કોડ મોકલ્યો હતો. તૃપ્તીબેને ક્યુઆર કોડ સ્કેન કરી એપમાં રૂ.10 હજાર રોક્યા હતા.
ત્યારબાદ કંપનીના સંચાલકે વિડીયો કોલ કરી પ્લેટીનમ વાઉચરમાં રૂપિયા ૨૨,૪૪૦ ઈન્વેસ્ટ કરશો તો 1.74 લાખનું પ્રોફીટ મળશે કહી વિશ્વાસમાં લીધા હતા. અને આ પ્રોફીટના પૈસા લીગલ હોવાથી તેના ઉપર ૧૪ ટકા ટેક્ષ ભરવાનું કહી ટેક્ષ પેટે રૂપિયા ૨૪,૩૬૦ ભરશો તો તમારા ખાતામાં અડધા કલાકમાં રૂપિયા ૧.૭૪ લાખ જમા થઈ જશે કહ્યું હતું. વિશ્વાસમાં આવીને તૃપ્તીબેને 56800 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જોકે પૈસા જમા નહી થતા ઈન્સ્ટાગ્રામ ઉપર વિડીયો કોલ કરતા ભેજાબાજે ફોન ઉપાડ્યો નહોતો. જેથી અડાજણ પોલીસે આ અંગે ટ્રેડ માસ્ટર એપના સંચાલક વિરુદ્ધ ઠગાઇનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.