ઇન્ટેલિજન્સ રિપોર્ટના આધારે 20 વર્ષ પહેલાં અઠવા પોલીસે બેગમપુરાના રાજેશ્રી હોલમાં સિમિના કથિત 124 કાર્યકરને પકડી પાડીને તેમની અનલોફુલ એક્ટિવિટી બદલ ધરપકડ કરી હતી. 20 વર્ષ જૂના આ કેસમાં શનિવારે ચુકાદો જાહેર કરવામાં આવતા સુરત નામદાર કોર્ટના પરિસરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, અને તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરાતા એકબીજાને ગળે મળીને પોતાની ભાવના વવ્યક્ત કરી હતી.
આ કેસની વિગત મુજબ સને-2001માં અઠવા પોલીસ મથકની હદમાં આવેલા બેગમપુરાના રાજેશ્રી હોલમાં લઘુમતીઓને શૈક્ષણિક અધિકારીઓ મુદ્દે એક સંમેલન યોજાયું હતુું અને તેમાં સિમિ (સ્ટુડન્ટ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા)ના 124 યુવક ભેગા થવાના છે, તેવી માહિતી રાજ્યના ડીજીપી વિભાગના ઇન્ટેલિજન્સ વિભાગ તરફથી ફેક્સ મળ્યો હતો.
આ ફેક્સના આધારે અઠવાના તત્કાલીન પીઆઇ એમ.જે.પંચાલે સમગ્ર પોલીસની ટીમ સાથે રેડ પાડી હતી. ત્યાંથી કોસંબામાં રહેતા હનીફ મુલતાની, સુરતના બેગમપુરા મૃગવાન ટેકરા પાસે રહેતા આસીફ ઇકબાલ ઉર્ફે આસીફ અનવરભાઇ શેખ સહિત 124 સિમિના કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી સાહિત્ય સહિતના દસ્તાવેજી પુરાવા પણ કબજે કરવામાં આવ્યા હતા.
20 વર્ષ જૂના આ કેસમાં એક યા બીજાં કારણોસર કોર્ટ કાર્યવાહી થઇ શકી ન હતી. આ કેસમાં મુખ્ય ત્રણ સરકારી વકીલોએ દલીલો કરી હતી, જેમાં શરૂઆતના સમયે સરકારી વકીલ અખિલભાઇ દેસાઇ અને જગરૂપસિંહ રાજપૂતે દલીલો કરી હતી. ત્યારબાદ હાલના મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલો કરીને આરોપીઓની સામે પ્રથમ દર્શનીય કેસ હોય તમામને સજા કરવા દલીલો થઇ હતી. જ્યારે બચાવ પક્ષે અબ્દુલ વહાબ શેખ, મુખત્યાર શેખે દલીલો કરી હતી. આ કેસમાં મહત્ત્વના તમામ સાક્ષીઓની જુબાની પૂરી થઇ ગઇ છે અને હવે ચુકાદો જાહેર થતા તમામ આરોપીઓ નિર્દોષ જાહેર થતા આરોપમુક્ત થયાની ખુશીમાં પોતાની ભાવના વ્યક્ત કરવામાંથી બાકાત રહ્યા ન હતા.
શું છે સિમિ ?
સ્ટુડન્ટ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા (સિમિ) એક સંસ્થા છે. જેને ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવી છે. આ સંસ્થામાં સભ્ય હોવું, સંસ્થાને આર્થિક મદદ કરવી, તેના માટે સહાનુભૂતિ રાખવી તેમજ પ્રતિબંધિત સંસ્થાને વેગ અને પ્રોત્સાહન આપવું તે દેશવિરોધી પ્રવૃત્તિ ગણવામાં આવે છે. સુરતમાં સિમિ સંસ્થા દ્વારા સેમિનાર રાખવામાં આવ્યો હતો અને પોલીસે 124 લોકોની ધરપકડ કરી હતી.