સુરત: (Surat) સુરત શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણની બીજી લહેરને પગલે ઇન્ડસ્ટ્રિયલ પાર્ક (Industrial park) અને ટેક્સટાઇલ પાર્કમાં (Textile Park) પ્લોટના (Plot) વેચાણને મોટો ફટકો પડયો છે. ખાસ કરીને ઉદ્યોગકારો દ્વારા બેંક લોન લઇને કેન્દ્ર સરકારની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સબસીડી સાથે પાર્કનું નિર્માણ કરવા 50 થી 200 કરોડ સુધીનું મૂડી રોકાણ કર્યુ હતું. પહેલા પ્રત્યેક મહિને સરેરાશ 300 થી 400 પ્લોટ વેચાતા હતા તેના પર બ્રેક, લોકોએ હપતા ભરવાનું પણ બંધ કરી દીધું.
દિવાળી પછી છેક ફેબ્રુઆરી-2021 સુધી સુરત શહેર અને જિલ્લામાં પ્રત્યે મહિને 300 થી 400 પ્લોટનું વેચાણ થતું હતું. તેને સીધી અસર થઇ છે. જેમણે ઇન્સ્ટોલમેન્ટમાં પ્લોટની ખરીદી કરી હતી. તેમણે હવે હપ્તા ભરવાનું બંધ કર્યું છે. જેની સૌથી વધુ અસર સચિન, ગભેણી, કન્સાડ, પલસાણા, કીમ, કામરેજ, કરંજ સહિતના વિસ્તારોમાં થઇ છે. અગાઉ થયેલા સોદાઓ રદ થતાં મૂડી રોકાણ ઉદ્યોગકારો ભેરવાયા છે. સચિન ઇન્ડસ્ટ્રિયલ સોસાયટીના માજી સેક્રેટરી મયુર ગોળવાળાએ જણાવ્યું હતું કે, 2020માં દિવાળી પછી ઇન્ડસ્ટ્રિયલ પ્લોટના સોદા વધ્યા હતા પરંતુ કોરોનાની બીજી લહેરને કારણે નક્કી થયેલા સોદા પણ રદ થઇ રહ્યા છે. જીઆઇડીસી દ્વારા ઊંચી કિંમતે જે પ્લોટનું વેચાણ કરવામાં આવ્યું હતું તે પ્લોટ ખરીદનારા ઉદ્યોગકારો પ્રોડક્સન અને વેચાણને અસર થતાં હપ્તો ભરી શકવાની સ્થિતિમાં નથી નવા સોદાઓમાં બ્રેક લાગી છે.
ગોધરા, દાહોદ અને મધ્યપ્રદેશના બાંધકામના મજૂરોએ પ્લાયન કરતા પ્રોજેક્ટ ભીસમાં મૂકાયાં
બાંધકામ ઉદ્યોગના કારીગરોને અટકાવવા માટે ક્રેડાઇ દ્વારા ચેમ્બરને રજુઆત કરવામાં આવી હતી જેમાં કામદારોને વેક્સિનેશન અને ટેસ્ટિંગનો લાભ આપવા રજૂઆત કરાઇ હતી. પરંતુ જનતા કર્ફ્યૂ અને લોકડાઉનની અફવા ફેલાતા બાંધકામ ઉદ્યોગના 40 ટકા કામદારો પલાયન કરી ગયા છે. અને રોજે રોજ વતને પરત ફરી રહ્યા છે. તેને લીધે શહેરમાં ચાલી રહેલા 200 જેટલા જૂના અને નવા પ્રોજેક્ટને અસર થઇ છે. ખાસ કરીને વેસુ વીઆઇપી રોડ, પાલ ગૌવરપથ રોડના પ્રોજેક્ટને અસર થઇ છે તેમાં પણ કોર્મશિયલ પ્રોજેક્ટના કામ અટકી ગયા છે. કામ અટકી જવાનું એક કારણ સ્ટિલ અને સિમેન્ટના ભાવમાં 30 થી 40 ટકાનો ભાવ વધારો થયો છે તે પણ છે.