સુરત: (Surat) કોરોનાના સંક્રમણને નાથવા માટે વેક્સિનેશન જ એકમાત્ર ઉપાય છે. શહેરમાં 16મી જાન્યુઆરીથી વેક્સિનેશન શરૂ કરાયું છે. વધુમાં વધુ લોકોને જલદીથી વેક્સીન મુકવાથી જ કોરોનાના સંક્રમણમાંથી બહાર આવી શકાય તેમ છે. દુનિયાના જે દેશોમાં કોરોનાએ તબાહી સર્જી હતી તેવા ઘણા દેશો આજે અંશત: માસ્ક ફ્રી બન્યા છે જેનુ એકમાત્ર કારણ મોટાપાયે કરાયેલું વેક્સીનેશન (Vaccination) છે. જેથી હવે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ વેક્સીનેશનની કામગીરી ઝડપી બનાવવા કમર કસી છે. શહેરમાં હાલમાં ત્રીજા તબક્કામાં 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સીન આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. પરંતુ જેઓ શારીરિક રીતે અશક્ત (દિવ્યાંગ) છે તેઓના વેક્સીનેશન માટે સુરત મનપા દ્વારા ઈનડોર સ્ટેડિયમમાં (Indor stadium) ડ્રાઈવ-ઈન વેક્સીનેશનનું આયોજન કરવામાં આવશે. ઈનડોર સ્ટેડિયમમાં ડ્રાઈવ-ઈન વેક્સીનેશનના આયોજન સાથે મનપા દ્વારા તેઓને તમામ ઝોનમાંથી લાવવા-લઈ જવાની પણ સુવિધા આપવામાં આવશે.
મનપા દ્વારા છેલ્લા ચાર માસથી વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 10 લાખ કરતા વધુ વેક્સિનના ડોઝ મૂકવામાં આવ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં વેક્સિનનો જથ્થો પ્રમાણમાં ઓછો આવતો હોય, વેક્સિનની કામગીરી ધીમી પડી છે. પરંતુ મનપા તંત્ર પ્રતિદિન 50 હજાર કરતાં વધુ લોકોને વેક્સિન મૂકી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરમાં તબક્કાવાર વેક્સીનેશનની કામગીરી ચાલી રહી છે. જેમાં હવે દિવ્યાંગો માટે પણ મનપા વેક્સીનેશનની અલાયદી વ્યવસ્થા વિચારી રહી છે. જેથી તેઓને વેક્સીન મુકાવવા જતા તકલીફ ન થાય. ઈનડોર સ્ટેડિયમમાં ડ્રાઈવ-ઈન વેક્સીનેશનના આયોજન સાથે મનપા દ્વારા તેઓને તમામ ઝોનમાંથી લાવવા-લઈ જવાની પણ સુવિધા આપવામાં આવશે જેથી તેઓનું પણ ઝડપથી વેક્સીનેશન થઈ શકે.
ફેસબુક ઉપર ભારતીય વેક્સિન બાબતે ભ્રામક મેસેજ મુકનાર યુવક સામે ફરિયાદ
સુરત: કોરોનાના સમયમાં સરકાર દ્વારા એક બાજુ વૈક્સીનને લઈને સરકાર સતત લોકોને જાગૃત કરી રહી છે. ત્યાં બીજી બાજું કેટલાક ઉપદ્રવી તત્વો સોશિયલ મિડીયા ઉપર ખોટા ભ્રામક પોસ્ટ મુકી રહ્યા છે. સુરતના વરાછા ખાતે રહેતા એક યુવકની સામે ક્રાઈમ બ્રાંચે ફેસબુક ઉપર વૈક્સીનને લઈને ભ્રામક મેસેજ મુકવા બદલ ફરિયાદ દાખલ કરી ધરપકડ કરી હતી.
ક્રાઈમ બ્રાંચની એક ટીમ સતત સોશિયલ મિડીયા ઉપર વોચ રાખી રહી છે. દરમિયાન ભારતીય વૈક્સીનને આઈસીએમઆર તથા આરોગ્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રમાણિત કરવામાં આવેલી વૈક્સીન કોરોના સામે રક્ષણ આપે છે. છતાં વૈક્સીનના વિરોધમાં હિરેન પટેલ ગુપ્તી નામના ફેસબુક એકાઉન્ટ ઉપર વૈક્સીન વિરોધી પ્રોફાઈલ પીક્ચર મુક્યો હતો. ફોટાઓ જોતા વૈક્સીન નહીં લેવાનો ભ્રામક પ્રચાર કરી લોકોને ગેરમાર્ગે દોરે તેવા ફોટો, લેખનો અપલોડ કર્યા હતા. ભારત દેશના બંધારણીય પદ ધરાવનારા મહાનુભાવોની છબી ખરડાવાના તેમજ તેઓની પ્રતિષ્ઠાને હાની પહોંચાડે તેવી પોસ્ટ જોવા મળી હતી. ક્રાઈમ બ્રાંચ દ્વારા જાહેરનામા ભંગ તથા ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 ની કલમ તથા ધી એપેડેમીક ડીસીઝ એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરી પોલીસે પોસ્ટ મુકનાર વરાછા ખાતે રહેતા અને કન્સ્ટ્રક્શનની ઓફિસમાં નોકરી કરતા હિરેન ધીરજલાલ પટેલની ધરપકડ કરી હતી.