શહેરમાં આ વખતે મોટી ગણેશ પ્રતિમાઓનો ટ્રેન્ડ જોવા મળ્યો છે ત્યારે વિશાળકાય ગણેશ પ્રતિમાઓનું વિસર્જન ડુમસ હજીરા અને મગદલ્લા ખાતે કરાઈ રહ્યું છે. મોટી પ્રતિમાઓનું વિસર્જન ડુમસ મગદલ્લા અને હજીરા ખાતે થનાર હોઈ બપોરે ભક્તો ગણેશ પ્રતિમાઓ સાથે આવી પહોંચ્યા છે. બપોરબાદ મોટી મૂર્તિઓના વિસર્જનમાં વેગ જોવા મળી રહ્યો છે. ડુમસ, મગદલ્લા અને હજીરા ઓવારાઓ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ની વચ્ચે વિશાળકાય પ્રતિમાઓનું વિસર્જન થઈ રહ્યું છે. બપોરે દરિયામાં ભરતી જોવા મળી હતી. જેના કારણે સંપૂર્ણ સાવચેતીના પગલાં સાથે વિસર્જન કરાઈ રહ્યું છે.

હજીરામાં 14 ક્રેન દ્વારા ગણેશ વિસર્જન
સુરતના હજીરા દરિયાકાંઠે 14 થી વધુ ક્રેન મૂકીને વિસર્જન કરાવવામાં આવી રહ્યું છે. અહીં સુરત પોલીસ કમિશનરના હસ્તે શ્રીજી નું વિસર્જન કરીને વિસર્જનની કાર્યવાહીની શરૂઆત કરાવવામાં આવી હતી. જોકે બપોર સુધી અહીં વિસર્જન પ્રક્રિયા ઘણી ધીમી હતી. 14 ક્રેન હોવા છતાં મોટાભાગની ક્રેન ખાલી દેખાઈ હતી. રાત્રે વિજર્સનમાં માટે ભીડ ન જામે અને પાછલા વર્ષની જેમ મોડી રાત સુધી વિસર્જન ન ચાલે તે માટે તંત્ર અને પોલીસ દ્વારા ગણેશ મંડળોને ઝડપથી વિસર્જનયાત્રામાં જોડાઈ જવા માટે કહેવામાં આવ્યું છે.

બપોરે ભરતી હોવાને કારણે વિસર્જન કાર્ય ઝડપથી થઈ રહ્યું છે
ડુમસ મગદલ્લા ખાતે સવાર સુધી સન્નાટો પ્રસરાયેલો જોવા મળ્યો હતો જોકે બપોરથી અહીં ગણેશ પ્રતિમાઓ આવવાનું શરૂ થયું હતું. બપોરના સમયે દરિયામાં ભરતી હોવાના કારણે વિસર્જન કાર્ય ઝડપથી થઈ રહ્યું છે. જોકે હજી સ્વયંસેવકોએ જણાવ્યું હતું કે હજી મોટા પ્રમાણમાં અહીં પ્રતિમાઓ પહોંચી નથી. જો ભરતી સમયે ઝડપથી પ્રતિમાઓ પહોંચે તો વિસર્જન કાર્ય સરળ બની શકે છે. બીજી તરફ ભરતી હોવાનેકારણે મંડળના લોકોને દરિયાની નજીક જવા દેવામાં આવી રહ્યા નથી અને સ્વયંસેવકો દ્વારા દૂરથી જ પ્રતિમા ક્રેન દ્વારા લઈને વિસર્જન માટે બોટમાં મુકવામાં આવી રહી છે.
સામાન્ય વાહન વ્યવહાર માટે ડુમસના રસ્તા બંધ
શહેર પોલીસ દ્વારા વિસર્જનને ધ્યાનમાં લઈને ડુમસનો સમગ્ર ટ્રાફિક સામાન્ય લોકો માટે બંધ કરી દેવાયો છે. ડુમસ જવા માટેનો રસ્તો તમામ વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. ફરજિયાત ગણેશજીની પ્રતિમા લઈને આવતા વાહનોને જ મગદલ્લા તરફ મોકલવામાં આવી રહ્યા છે.
વિસર્જન બોટનું શુભારંભ
હજીરા બોટ ઓવારા રાધે ક્રિષ્ના ગ્રુપ દ્વારા આયોજીત ગણપતી વિસર્જન બોટનું સાંસદ મુકેશ દલાલ તથા મેયર દક્ષેશ માવાણી, સંદીપ દેસાઇ તથા સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંઘ ગેહલોત દ્વારા ગણેશ હજીરા ઓવારા ખાતે આરંભ કરાવવામાં આવ્યું હતું.

આ વખતે વિશાળ પ્રતિમાઓને હાઇવે ઉપર વિસર્જન વખતે લઈ જતી વેળાએ કોઈપણ રૂપનું નડતર ન થાય તે માટે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હાઇવે ઉપર લગાવવામાં આવેલા સાઈનબોર્ડ પણ ઉતારી લેવાયા હતા.

ડુમ્મસ ઓએનજીસી બ્રિજની નીચે એસ કે સર્કલ પાસે પોલીસ સાથે એક મંડળ દ્વારા ઝપાઝપી કરવામાં આવી હતી જેને કારણે પોલીસ અને મંડળ વચ્ચે થયેલી ઝપાઝપી બાદ પોલીસે મંડળના કેટલાક સભ્યોને પકડીને અટક કરી બેસાડી દીધા હતા