SURAT

સુરત: રવિવારે હુનર હાટમાં આયોજકોને પ્રવેશ બંધ કરવો પડયો, પાલિકાના આરોગ્ય અધિકારીઓ દોડી આવ્યા

સુરત: (Surat) કેન્દ્રના લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા ૩૪માં હુનર હાટનું (Hunar Haat) સુરતમાં ૧૧ થી ૨૧ ડિસેમ્બર દરમિયાન કરવામાં આવેલા આયોજનને ન ભૂતો ન ભવિષ્યતી જેવો અદ્‌ભુત પ્રતિસાદ સુરતીઓ તરફથી મળતા ૩૦ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશના સ્ટોલ (Stall) ધારકોને બમ્પર વેપાર મળ્યો છે. જમ્મુ કશ્મીર, નોર્થ ઇસ્ટ અને દિલ્હીના સ્ટોલ ધારકોની મોટાભાગની વસ્તુઓ વેચાઇ ગઇ છે. આયોજકોના જણાવ્યા પ્રમાણે પ્રત્યેક સ્ટોલ ધારકોને નવ દિવસ દરમિયાન ૫ લાખથી ૧૦ લાખ સુધીનો વેપાર મળ્યો છે. આવતીકાલે સોમવારે હુનર હાટનો અંતિમ દિવસ છે. તે પહેલા આજે રવિવારે રજાના દિવસે હજારોની સંખ્યામાં સુરતીઓ હુનર હાટમાં ઊમટી પડતાં સાંજે ૫ વાગ્યે આયોજકોને મુલાકાતીઓનો પ્રવેશ બંધ કરવાની ફરજ પડી હતી. કારણકે હુનર હાટમાં ચાલવા માટેની ખૂબ ઓછી જગ્યાઓ બચી હતી. ૩૦ રાજયોની પરંપરાગત વાનગીઓના સ્ટોલ પર વેજ અને નોનવેજના ચાહકો એવા સુરતીઓના ટોળા ઉમટી પડયા હતા. બપોરે લંચના સમયે ભોજન પણ ખૂટી પડયું હતું. એવી જ રીતે સાંજે ૪ વાગ્યા પછી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડતા પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ અને સ્થાનિક પોલીસ દોડી આવી હતી.

આરોગ્ય વિભાગના અધિકારીઓએ હુનર હાટની અંદર ૧૦ હજારથી વધુ લોકો હોવાથી નવો પ્રવેશ નહીં આપવા આયોજકોને વિનંતી કરી હતી. કારણકે સરકાર દ્વારા કોરોનાની ત્રીજી લહેર શરૂ થવાની દહેશત વ્યકત કરી હતી. બીજી તરફ આયોજકોએ માસ્ક ફરજિયાત બનાવી માસ્ક પહેરનારને જ પ્રવેશ આપ્યો હતો. જે લોકો સવારે માસ્ક વિના આવ્યા હતા તેમને હુનર હાટ લખેલા માસ્ક વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા.

અન્નુ કપૂરનું અંતાક્ષરી જોવા અને સાંભળવા મેદની ઉમટી
હુનર હાટમાં આજે સાંજે ૬ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી બોલિવુડના અભિનેતા અન્નુ કપૂરની અંતાક્ષરીનો કાર્યક્રમ હોવાથી સાંજે ૪ વાગ્યાથી લોકો સ્ટેજ તરફ ધસી ગયા હતા. સામાન્ય રીતે ૭ વાગ્યે સેલિબ્રીટીનો કાર્યક્રમ શરૂ થતો હોય છે. પરંતુ મોટી સંખ્યામાં લોકો સ્ટેજ સામે ગોઠવાયેલી ખુરશીઓ પર બેસી જતા અન્નુ કપૂરે પણ ૬ વાગ્યાથી કાર્યક્રમ શરૂ કરી દીધો હતો. આ કાર્યક્રમમાં દેશના જાણીતા ગાયકો તનમય ચર્તુવેદી અને અમૃતા નાટુ પરવાને ગૃપમાં જયારે નાનુ ગુર્જર અને કૃષ્ણકલી શાહા મસ્તાને ગૃપમાં તથા સ્વરૂપ ભાલવંકર અને શુગંધા દાંતે અંજાને ગૃપમાં અને વિશ્વનાથ તથા દ્રવિતા ચોકસીએ ભાગ લીધો હતો. ગાયકોએ બોલિવુડના શાનદાર ગીતો રજૂ કર્યા હતા. અન્નુ કપૂરે કહ્યું હતું કે, જીવનમાં મેળાઓ ઘણાં જોયા છે પરંતુ સુરતના હુનર હાટ જેવો મેળો કયાંય જોયો નથી. લોકો આજે પણ અંતાક્ષરી સાંભળવા આટલા ઉતાવળા છે. તે સુરતમાં જ જોવા મળ્યું છે. જૈસે પુરાણા જમાના લૌટ આયા હો.

બંગાળની ફાતિમા ફેશન ડિઝાઈનનો કોર્ષ કરી ૮૦ લાખના ટર્નઓવર સાથે ૬ વર્ષમાં ૪૦ મહિલા અને ૧૫ પુરૂષોને રોજગારી આપી રહી છે
સુરત: ‘પ્રખ્યાત બ્રાન્ડના વેપારીઓ અમારી પાસેથી હેન્ડમેડ વસ્તુઓ ઓછી કિંમતે ખરીદી કરી જતાં હતા, એટલે મને વિચાર આવ્યો કે, મારી પોતાની બ્રાન્ડ કેમ ન બનાવું? આ વિચારને વાસ્તવિકતામાં ફેરવવા માટે વર્ષ ૨૦૧૫માં પાંચ મહિલાઓના સહયોગથી કેમિક્લયુક્ત પદાર્થનો ઉપયોગ કર્યા વગર હેન્ડવર્ક કરી નેચરલ સાડી સહિત વિવિધ વસ્તુઓ બનાવવાની શરૂઆત કરી હતી. આજે મારી સાથે ૪૦ મહિલાઓ અને ૧૫ પુરૂષો કામ કરે છે, અને વાર્ષિક રૂ.૮૦ લાખનું ટર્ન ઓવર કરૂ છું.’વનિતા વિશ્રામ ખાતે આયોજિત ‘હુનર હાટ’માં હેન્ડલુમ ચીજવસ્તુના વેચાણ માટે સુરત આવેલા કોલકાતા,પશ્ચિમ બંગાળના ફાતિમા ખાને પોતાની કહાની શેર કરી હતી. ફાતિમા ખાન જણાવે છે કે, સિલ્ક, પ્રોપર મસલી કોટન(બંગાળની પ્રખ્યાત), લિનનની સાડીઓ અને દુપટ્ટાઓ બનાવવાનું શરૂ કર્યું છે. દર વર્ષે ૧૦થી વધારે એક્ઝિબિશનમાં ભાગ લઉ છું, દેશવિદેશમાં અમારી પ્રોડક્ટ એક્સપોર્ટ થાય છે.

આ દિલ્હીનું નહીં પણ સુરતનું ‘ઇન્ડિયા ગેટ’ છે
સુરતના વનિતા વિશ્રામ મેદાનમાં બનેલો આ ઈન્ડિયા ગેટ લોકોનું ધ્યાન તો ખેંચે જ છે પણ પહેલી નજરે મૂંઝવણ પણ સર્જે છે. દિલ્હીના ઈન્ડિયા ગેટની જેમ જ, હુનર હાટનો આ “ઈન્ડિયા ગેટ” લોખંડ, લાકડા, પ્લાસ્ટિકના ભંગાર અને માટીમાંથી બનાવવામાં આવ્યો છે. કુશળ કારીગરોએ ઘણા દિવસોની મહેનતથી તેને તૈયાર કર્યું છે. આ ઈન્ડિયા ગેટ ‘વેસ્ટ ટુ સ્કીલ’નું અનોખું ઉદાહરણ છે. ખાસ વાત એ છે કે પહેલી નજરે તે દિલ્હીના ઈન્ડિયા ગેટ જેવું લાગે છે. તેની સાઈઝ અને તેનું ફિનિશિંગ પણ અદ્દભુત છે. રાત્રે ત્રિરંગાની રોશનીથી તેની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. હુનર હાટમાં આવનાર ભાગ્યે જ કોઈ હશે જેને સુરતનો આ ‘ઈન્ડિયા ગેટ’ જોઈને આશ્ચર્ય ન થયું હોય. લોકો સેલ્ફી લે છે અને તેની સામે તસવીરો ખેંચે છે. જેમણે દિલ્હી જઈને ઈન્ડિયા ગેટ જોયો છે, તેઓ આ ‘ઈન્ડિયા ગેટ’ જોઈને તેમની દિલ્હીની જૂની યાદો જોડે છે.

Most Popular

To Top