ડાયરેક્ટ અરજી કરશો તો મકાન મળશે નહીં પણ મારા મારફતે મકાન બુક કરશો તો અપાવી દઈશ.. – Gujaratmitra Daily Newspaper

SURAT

ડાયરેક્ટ અરજી કરશો તો મકાન મળશે નહીં પણ મારા મારફતે મકાન બુક કરશો તો અપાવી દઈશ..

સુરત: (Surat) જહાંગીરપુરા ખાતે રહેતા યુવકને હાઉસીંગ બોર્ડમાં (Housing Board) મકાન (House) અપાવવાના બહાને પોતે એસએમસીમાં (SMC) નોકરી (JOB) કરતો હોવાનું કહીને 2.71 લાખનો ચુનો ચોપડનાર સામે અડાજણ પોલીસે ફરિયાદ દાખલ કરી છે.

  • ‘અરજી કરશો તો નહીં મળે, મારા મારફત બુક કરશો તો સાહેબ સાથેના સંબંધથી મકાન અપાવીશ’
  • એસએમસીમાં નોકરી કરતો હોવાનું કહીને હાઉસીંગ બોર્ડમાં મકાન અપાવવાના બહાને ડ્રાઈવર સાથે 2.71 લાખની છેતરપિંડી

જહાંગીરપુરા ખાતે એસએમસી ટેનામેન્ટમાં રહેતા 39 વર્ષીય સુનિલ ગજાનંદ સેલારે ડ્રાઈવીંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમણે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં રવિ મુન્નાભાઈ રાઠોડ (રહે.સુમન પ્રતીક, એલઆઈજી આવાસ) ની સામે ફરિયાદ નોંધાવી છે. તેમના મિત્ર સંતોષે એકાદ વર્ષ પહેલા રવિ સાથે મુલાકાત કરાવી હતી. રવિએ પોતે સુરત મનપામાં નોકરી કરતો હોવાનું કહ્યું હતું. તથા હાઉસીંગ બોર્ડના મકાનોના બુકીંગ કામમાં એજન્ટ તરીકે કામ કરતો હોવાનું કહ્યું હતું. આજદિન સુધી ઘણા લોકોને મકાન અપાવ્યા છે.

ડાયરેક્ટ અરજી કરશો તો મકાન મળશે નહીં પણ મારા મારફતે મકાન બુક કરશો તો સાહેબો સાથેના સંબંધોના ઉપયોગ કરીને મકાન અપાવી દઈશ. તેની વાતમાં આવીને સુનીલભાઈએ લાઈટબીલ, આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ આપ્યા હતા. અને મકાન માટે ટુકડે ટુકડે 2.71 લાખ રૂપિયા આપ્યા હતા. આ રૂપિયાની પહોંચ માંગતા તેને પહેલા 20 હજારની પહોંચ આપી બાદમાં એક પણ પહોંચ આપી નહોતી. અને ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. તેમની સાથે છેતરપિંડી થયાની જાણ થતા અડાજણમાં ફરિયાદ નોંધાવી હતી.

મહિધરપુરા હીરાની ઓફિસમાં ક્રિકેટ પર સટ્ટો રમાડતા બે હીરા દલાલ સહિત વેપારી ઝડપાયા
સુરત: શહેરના મહિધરપુરા ખાતે હીરાની ઓફિસમાં ઓનલાઈન ક્રિકેટ ઉપર સટ્ટો રમાડતા હીરા દલાલ સહિત 6ને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડી તેમની પાસેથી 5.23 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. આ સિવાય અમદાવાદ, સુરતના મળી 3ને વોન્ટેડ જાહેર કરાયા હતા.

ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે મહિધરપુરા ખાતે બ્લ્યુ ડાયમંડ બિલ્ડિંગમાં આવેલી ઓફિસ નં.103માં મહેશ ઉર્ફે ભીખો કુંવરજીભાઈ ઇટાલિયા તેના સાગરીતો સાથે ઇન્ડિયા-ન્યુઝીલેન્ડ વચ્ચે ટી-20 ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમાડતા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે રેઈડ કરતાં ટેબલ ઉપર બેસેલા વ્યક્તિનું નામ પૂછતાં આ ઓફિસ તેની પોતાની તથા પોતાનું નામ મહેશ ઉર્ફે ભીખો કુંવરજી ઇટાલિયા (ઉં.વ.42) (રહે.,જીવનદીપ સોસાયટી, કતારગામ તથા મૂળ ભાવનગર) હોવાનું કહ્યું હતું. તેની અંગજડતી લેતાં ખિસ્સામાંથી 4.33 લાખ રોકડા મળી આવ્યા હતા. આરોપીઓ પાસેથી પોલીસે કુલ 5.23 લાખનો મુદ્દામાલ કબજે કરી અમદાવાદ, સુરતના એક-એક મળી 3 જણાને વોન્ટેડ જાહેર કર્યા હતા.

Most Popular

To Top