સુરત: (Surat) કોરોનામાં સુરતની વિકટ બનતી જતી પરિસ્થિતિને કાબુમાં લેવા માટે રાજ્ય સરકારના અધિકારીઓ સુરતમાં તૈનાત છે. હાલમાં શહેરમાં કોવિડ સ્પેશિયલ ઓફિસર તરીકે નિમાયેલા એમ.થેન્નારાશન તેમજ મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, શહેરમાં પુરતી સગવડો કરવામાં આવી રહી છે. હાલમાં શહેરની પરિસ્થિતિ એવી છે કે, સુરત શહેરમાં અન્ય શહેરો કે રાજ્યોમાંથી દાખલ થતા દર્દીઓની (Patients) સંખ્યા પ્રમાણમાં વધી રહી છે. હાલમાં સુરતની તમામ હોસ્પિટલોમાં દાખલ દર્દીઓમાં 50 ટકા દર્દીઓ શહેર બહારના છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર, સુરતના આસપાસના ગામડાઓ (Village), મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશથી પણ લોકો કોવિડની સારવાર લેવા માટે સુરત શહેરમાં આવી રહ્યા છે.
મનપા વધુ 300 વેન્ટીલેટરની ખરીદી કરશે
શહેરમાં કોરોનાની બીજી લહેરમાં ગંભીર દર્દીઓની સંખ્યા વધી રહી છે. લોકોમાં અચાનક જ ઓક્સિજન લેવલનું પ્રમાણ ઘટી રહ્યું છે. તેથી તેઓને સીધા વેન્ટીલેટર પર મુકવાનો વારો આવી રહ્યો છે. જેને કારણે મનપા દ્વારા હવે રાજ્ય સરકાર પર આધાર રાખવાને બદલે સીધા જ વેન્ટીલેટર ખરીદવામાં આવી રહ્યા છે. મનપા દ્વારા વધુ 300 વેન્ટીલેટર માટેનો ઓર્ડર આપી દીધો છે. જે પૈકી 150 મનપાને મળી ગયા છે. હાલમાં સ્મીમેરમાં 240 વેન્ટીલેટર છે જ્યાં વધુ 60 વેન્ટીલેટર અપાશે તેમજ સીવીલમાં 424 વેન્ટીલેટર છે જ્યાં વધુ 76 વેન્ટીલેટર ઉપલબ્ધ કરાશે એટલે કે, સ્મીમેરમાં કુલ 300 અને સીવીલમાં કુલ 500 વેન્ટીલેટરની વ્યવસ્થા થશે. તેમજ મનપા દ્વારા ખાનગી હોસ્પિટલોને 160 વેન્ટીલેટર આપવામાં આવ્યા છે.
કોવિડ હોસ્પિટલમાં ગ્રામ્ય વિસ્તારના કોરોનાના ગંભીર દર્દીઓની સંખ્યા વધી
શહેરમાં દિનબદિન કથળી રહેલી પરિસ્થિતિ ઉપર હજી કાબૂ મેળવવામાં તંત્રને ફાફા પડી રહ્યા છે ત્યાં ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના ગંબીર દર્દીઓની વધતી સંખ્યા તબીબો અને તંત્ર માટે ચિંતાનો વિષય બની છે. નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં છેલ્લા અઠવાડિયાથી ગ્રામ્ય વિસ્તારના દર્દીઓની સંખ્યા સતત વધવા પામી છે.
શહેરમાં કોરોનાની પરિસ્થિતિ સંપૂર્ણપણે બેકાબૂ હોવા છતાં તંત્ર દ્વારા બધુ યોગ્ય હોવાના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. પ્રતિદિન શહેરમાં વધતા દર્દી અને વધતા મોતના આંકડા તંત્ર માટે માત્ર આંકડાઓની રમત છે. શહેરમાં મનપાના હોલ, સમાજની વાડીઓમાં સતત કોવિડ સેન્ટરો ઉભા કરવામાં આવી રહ્યા છે. નવી સિવિલ, કોવિડ હોસ્પિટલ, સ્મીમેર સહિતની બધી હોસ્પિટલો ફુલ છે. નવા આવી રહેલા ગંભીર દર્દીઓને દાખલ કરવાને લઈ તબીબો ચિંતીત છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ હવે કોરોના સંપૂર્ણ રીતે પગપસેરો કરતા તંત્ર માટે આગામી દિવસોમાં મોટો પડકાર ઉભો થઈ રહ્યો છે. કારણકે ગ્રામ્ય વિસ્તારમાં હોસ્પિટલોની સુવિધાઓ નથી. જેને કારણે જ છેલ્લા એક અઠવાડિયામાં નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં ગ્રામ્ય વિસ્તારના કોરોનાના ગંભીર દર્દીઓની સંખ્યા વધી છે. રોજ ગ્રામ્ય વિસ્તારના ગંભીર દર્દીઓની સંખ્યા જોઈને તબીબોની ચિંતામાં પણ વધારો થયો છે.