SURAT

સુરતનો આ કિસ્સો માતા-પિતા માટે ચેતવણીરૂપ : સાડા ચાર વર્ષિય બાળકીને આંખમાં આ રીતે ચપ્પુ વાગી ગયું

સુરત : લસકાણા (Laskana) વિસ્તારમાં રહેતા લુમ્સ કારીગરની સાડા ચાર વર્ષિય બાળકી ચપ્પુથી (Knife) રમી રહી હતી ત્યારે રમતા રમતા તેણીની આંખમાં (Eyes) ચપ્પુ વાગી ગયું હતું. બાળકીને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ (Hospital) ખસેડાઇ હતી.

નવી સિવિલ હોસ્પિટલ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર લસકાણા વિસ્તારની રામદેવ સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્રભાઇ વર્મા લુમ્સ કારખાનામાં કામ કરે છે. તેમને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. દરમિયાન તેમની સાડા ચાર વર્ષની પુત્રી પરી ગઇકાલે સવારના સમયે ઘરમાં રમી રહી હતી. માતા ઘરના કામમાં વ્યસ્ત હતી ત્યારે પરીએ ચપ્પુ લઇ લીધું હતું. રમતા રમતા પરીને આંખમાં ચપ્પુ વાગી ગયું હતું. તેણીને તાત્કાલિક સારવાર માટે પિતા નવી સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા હતા. જ્યાં હાલ તેણીની સારવાર ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, માતા-પિતા માટે આ કિસ્સો ચેતવણી રૂપ છે. શહેરમાં નાના બાળકો સિક્કા ગળી જવાના, નાકમાં પેન્સીલ નાંખી દેવાના તેમજ દાદર કે ગેલેરીમાંથી રમતા રમતા પડી જવાના, અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં ડુબી જવાના ભુતકાળમાં બનાવ નોંધાયા છે. મોટા ભાગના કિસ્સામાં માતા-પિતા તેમના કામમાં વ્યસ્ત હોય ત્યારે બાળકો રમતા રમતા કોઇને કોઇ રીતે ઇજાગ્રસ્ત થવાના બનાવ બન્યા છે.

પાંડેસરામાં પરિણીતાને પતિના મિત્રએ ગળા ઉપર ચપ્પુ મારી દીધું
સુરત : પાંડેસરા વિસ્તારમાં રહેતી 23 વર્ષિય પરિણીતાના ઘરમાં પહોંચી જઇ પ્રેમીએ ગળામાં ચપ્પુ મારી દીધું હતું. ગંભીર હાલતમાં પરિણીતાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. નવી સિવિલ હોસ્પિટલ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર પાંડેસરા વિસ્તારમાં રહેતી 23 વર્ષિય અનુરાધા નામની મહિલા મંગળવારે સવારના સમયે પોતાના ઘરે હાજર હતી. તે સમયે તેણી ઉપર ચપ્પુથી હુમલો થયો હતો.

તેણીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી. અનુરાધા ઉપર હુમલો કરનાર અનુરાધાના પતિનો મિત્ર જ હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. મિત્ર મનુ યાદવ અનુરાધાના ઘરે અવર-જવર પણ કરતો હતો અને 3-4 મહિના પહેલા મનુ યાદવ અનુરાધાને લઇને ક્યાંક જતો પણ રહ્યો હતો. 6 વર્ષ પહેલા લગ્ન કરનાર અનુરાધા આજે ઘરે હતી. તેજ સમયે ઘરે આવીને મનુ યાદવે અચાનક ચપ્પુથી અનુરાધાના ગળા ઉપર હુમલો કરી દીધો હતો.

Most Popular

To Top