સુરત: (Surat) ગઇકાલે બપોરે 12.30 વાગ્યાના સુમારે નવી સિવિલ હોસ્પિટલમાં (Hospital) માનસિક અસ્વસ્થ પેશન્ટે તોફાન મચાવ્યું હતું. અચાનક ભાનમાં આવેલા પેશન્ટે રેસિડેન્ટ ડોક્ટર, મહિલા સ્ટાફ, નર્સિંગ સ્ટાફ અને પેશન્ટને માર માર્યો હતો અને ઇમરજન્સી વિભાગમાં તોડફોડ કરી હતી. ત્યાં હાજર સિક્યુરિટી ગાર્ડ (Security Guard) પણ તેને કાબૂમાં કરી શક્યો ન હતો અને અંતે તે સિવિલમાંથી નાસી છૂટ્યો હતો.
- પાગલ દર્દીએ નવી સિવિલના તબીબ અને નર્સિંગ સ્ટાફને ફટકાર્યો
- ઇમરજન્સી વોર્ડમાં સારવાર લઇ રહેલા બે દર્દી માર મારી સામાન વેર વિખેર કરી નાંખ્યો
- સિક્યુરિટી ગાર્ડ પર કંઇ કરી નહીં શક્યો અને અંતે પાગલ દર્દી ભાગી ગયો
નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર ગઇકાલે બપોરે 12.30 વાગ્યાના સુમારે ઉધના દરવાજા પાસે બેભાન હાલતમાં પડેલી એક વ્યક્તિને 108 એમ્બ્યુલન્સનો સ્ટાફ નવી સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યો હતો. આશરે 35 વર્ષની ઉંમરના આ દર્દીને ઇમરજન્સી વોર્ડમાં રિફર કરવામાં આવ્યો હતો. રેસિડેન્ટ ડોક્ટર તેનું બ્લડ પ્રેશર માપી રહ્યાં હતાં ત્યારે તે અચાનક ભાનમાં આવી ગયો હતો અને બીપી માપવાના મશીનથી જ તબીબને ફટકાર્યો હતો. ત્યાર બાદ તેણે મહિલા સ્ટાફ પર હુમલો કરી નર્સિંગ સ્ટાફ સાથે પણ હાથાપાઇ કરી હતી.
વાત આટલેથી અટકી ન હતી. ઇમરજન્સી વોર્ડમાં સારવાર લઇ રહેલા બે દર્દીને પણ તેને ફટકાર્યા હતાં. હોબાળો મચતા જ સિક્યુરિટી ગાર્ડ ત્યાં દોડી આવ્યો હતો પરંતુ તે પણ તેને કાબૂમાં કરી શક્યો ન હતો. બધાએ ભેગા મળીને તેને પકડવાની કોશિશ કરી પરંતુ તેમાં તેઓ સફળ રહ્યાં ન હતા અને તે નાસી છૂટ્યો હતો. આમ 15 મિનિટ સુધી આ હાઇવોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો. જો કે આ બાબતની કોઈ નોંધ એમલએસી બુક કે પોલીસ ચોકીમાં કરાઈ ન હતી.