સુરત: (Surat) અમદાવાદ પિતાને ચેકઅપ માટે બતાવી યુવક સુરત પરત ફરતો હતો ત્યારે ટ્રાવેલ્સમાં (Travels) ભટકાયેલા અજાણ્યાએ તેની પાણીની બોટલમાં ઘેની પદાર્થ નાંખી બેભાન (Unconscious) કરી નાખ્યો હતો. અને યુવકના ગળામાં રહેલી સોનાની ચેઈન, પેન્ડલ, ચાર વીંટીઓ અને કડું મળીને 6.75 લાખનું સોનું ચોરી લીધું હતું. વરાછા પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
- બસમાં બેઠાં પછી યુવકે પાણી પીધું અને આંખ ખુલી તો સીધો સુરતની કિરણ હોસ્પિટલમાં હતો : 6.75 લાખના ઘરેણાં ગાયબ હતા
- અમદાવાદ સીટીએમ પર મળેલા અજાણ્યા ઈસમે વેફર આપી પણ યુવકે ના પાડી તો બાથરૂમના બહાને મોકલી પાણીની બોટલમાં કંઈ ભેળવી નાખ્યું
- અમદાવાદથી સુરત ટ્રાવેલ્સમાં આવી રહેલા યુવકને ગઠિયો ભેટી ગયો
ગોડાદરા ખાતે વ્રજભૂમિ સોસાયટીમાં રહેતા 18 વર્ષીય નિતેશ હરિપ્રસાદ ટાવરી રિંગરોડ ખાતે આવેલી ટેકસટાઈલ માર્કેટમાં આવેલી દુકાનમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે. નિતેશના પિતા રાજસ્થાન જેસલમેર ખાતે રહે છે. તેઓ હાર્ટના પેશન્ટ હોવાથી અમદાવાદ ખાતે આવેલી હોસ્પિટલમાં તેમની ટ્રીટમેન્ટ ચાલે છે. 25 એપ્રિલે પિતાને હોસ્પિટલમાં બતાવવા જવાનું હોવાથી 24 તારીખે સુરતથી અમદાવાદની ટ્રાવેલ્સમાં બેસીને નિતેશ ગયો હતો. નિતેશે સોનાનું પેન્ડલ 55 હજારનું, સોનાની ચેઈન 2.40 લાખની, ચાર વીંટીઓ 1.80 લાખની અને સોનાનું કડુ 2 લાખનું મળીને કુલ 6.75 લાખનું સોનું પહેર્યું હતું. પિતાનું ચેકઅપ થતા 25 તારીખે રાત્રે અમદાવાદથી સુરત આવવા નીકળ્યો હતો.
ત્યારે અમદાવાદ સીટીએમ ચાર રસ્તા પાસે એક અજાણ્યા આવીને તેને કહા રહેતે હો, ક્યા કરતો હો તેમ પુછ્યું હતું. નિતેશે તેનો પરીચય આપી બાદમાં અજાણ્યાને તેનું નામ પુછતા પોતે ઉધનામાં રહેતો હોવાનું અને વાસણની દુકાન ધરાવતો હોવાનું કહ્યું હતું. બાદમાં ટ્રાવેલ્સ આવતા બંને બસમાં સાથે બેઠા હતા. અજાણ્યાએ વેફર માટે આગ્રહ કર્યો હતો. નિતેશે ના પાડી હતી. બાદમાં નિતેશ પાણીની બોટલ લઈને બેસી ગયો હતો. ત્યારે અજાણ્યાએ ‘અભી ગાડી નહીં રૂકેગી, બાથરૂમ જાના હો તો જા કે આના’ તેમ કહ્યું હતું. જેથી નિતેશ નીચે બાથરૂમ કરવા ગયો હતો. બાદમાં આવીને માતા-પિતા અને મામા સાથે ફોન પર વાત કરીને પાણી પી ને સુઈ ગયો હતો.
બીજા દિવસે સવારે સીધી તેની આંખ કિરણ હોસ્પિટલમાં ખુલી હતી. જ્યાં પોદ્દાર આર્કેડ પાસેથી એક રિક્ષા ચાલકે તેના ફોન પરથી સંબંધીને ફોન કરી તે બેભાન હોવાની જાણ કરી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. નિતેશે જોયું તો તેની ચેઈન, વીંટી, કડું બધું જ ગાયબ હતું. વરાછા પોલીસમાં રાજ ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં જીજે-05-બીવી-6551 માં તેની સીટની બાજુમાં બેસેલા અજાણ્યાની સામે 6.75 લાખનું સોનું ઘેની પદાર્થ પીવડાવી બેભાન કરી ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી છે.