સુરત(Surat): શહેરના પાલ (Pal) વિસ્તારમાં હીટ એન્ડ રનની (Hit&Run) આઘાતજનક ઘટના બની છે. એપાર્ટમેન્ટના બેઝમેન્ટ પાર્કિંગમાં રમતી અઢી વર્ષની બાળકીને મર્સિડીઝ (Mercedes) નીચે કચડી વેપારી જતો રહ્યો હતો. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે કાર નીચે કચડ્યા બાદ ત્યાં રોકાવાના બદલે વેપારી કાર ચલાવી જતો રહે છે.
- પાલના રોયલ ટાયટેનિયમના બેઝમેન્ટમાં હીટ એન્ડ રનની ઘટના બની
- વેપારી ગીરીશ મનિયાએ મર્સિડીઝ કાર નીચે અઢી વર્ષની બાળકીને કચડી
- બાળકીને માથા, છાતીના ભાગે ગંભીર ઈજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ
- પાલ પોલીસે આશ્ચર્યજનક રીતે ગીરીશ મનિયા વિરુદ્ધ હળવી કલમો હેઠળ ગુનો નોંધ્યો
સુરતના પાલ વિસ્તારમાં હીટ એન્ડ રનનો બનાવ બન્યો છે. અહીંના રોયલ ટાયટેનિયમના બેઝમેન્ટ પાર્કિંગમાં ચોંકાવનારી ઘટના બની છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. કરોડપતિ 51 વર્ષીય ગીરીશ મનજી મનીયા બેઝમેન્ટમાં પાર્ક કરેલી મર્સિડીઝ કાર નીચે અઢી વર્ષની બાળકીને કચડીને જતો વીડિયોમાં જોઈ શકાય છે. ગીરીશ મનીયાના કાને બાળકીના રડવાનો અવાજ પણ પડતો નથી. તે બાળકીને કચડ્યા બાદ કાર રિવર્સ કરી, હોર્ન મારી જતો રહે છે.
આ અકસ્માતમાં ઘરકામ કરતી કાજલ ઓડની અઢી વર્ષીય દીકરી ઝલકને ગંભીર ઈજા થઈ છે. તેણીને માથાના પાછળના ભાગે ફ્રેક્ચર થયું છે. છાતી તથા ફેંફસાના ભાગે પણ ઈજા થઈ છે. હાલ તેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ઘરકામ કરનાર કાજલે પાલ પોલીસમાં વેપારી ગીરીશ મનિયા વિરુદ્ધ ફરિયાદ આપી છે. આશ્ચર્યજનક રીતે અકસ્માત સર્જનાર ગીરીશ મનિયા વિરુદ્ધ પાલ પોલીસે ખૂબ જ સામાન્ય કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. બાળકીનો જીવ જોખમમાં મુકાયો હોવા છતાં કોઈ જ ગંભીર કલમો ઉમેરવામાં આવી નથી.
મર્સિડીઝમાં શું કેમેરા નહોતા?
વીડિયોમાં જોઈ શકાય છે કે બેઝમેન્ટમાં બાળકી રમી રહી છે. ત્યાંથી ગીરીશ મનિયા ચાલતો પસાર થાય છે. પોતાની મર્સિડીઝ કારમાં બેસે છે. કાર રિવર્સ લે છે. બાળકી પાસેથી પસાર કરે છે. ફરી રિવર્સ લે છે અને પછી બાળકીને કચડે છે. અહીં પ્રશ્ન એ થાય છે કે હવે તો સામાન્ય કારમાં પણ કેમેરા હોય છે, તો શું ગીરીશ મનીયાની કારમાં કેમેરા નહોતા. શું તેમને રમતી બાળકી દેખાઈ જ નહીં કે પછી ઈરાદાપૂર્વક ગીરીશ મનીયાએ બાળકી પરથી કાર ચઢાવી દીધી. તે તપાસનો વિષય છે.