રમશે સુરત: ખેલાડીઓ ઓલિમ્પિક લેવલની ટ્રેનિંગ કરી શકે તેવું સેન્ટર સુરતમાં બનાવાશે, હરમીત જેવા વધુ ખેલાડી મળશે

સુરત: (Surat) સ્પોર્ટસ (Sports) એક્ટિવિટીને (Activity) પ્રોત્સાહન આપવા હવે સુરત શહેરમાં પણ હાઈ પર્ફોમન્સ સેન્ટર (High Performance Center) બનાવવા માટેની કવાયત શરૂ થઈ છે. દેશનાં અન્ય શહેરોની જેમ સુરતમાં પણ હવે ખેલકૂદ માટે ખેલાડીઓને (Players) યોગ્ય તાલીમ (Training) મળી રહે અને તેમને સારા ટ્રેનર મળી રહે તેવા આશય સાથે આ હાઈ પર્ફોમન્સ સેન્ટર બનાવાશે.

  • સુરતમાં મનપા દ્વારા હાઈ પર્ફોમન્સ સેન્ટર બનાવાશે, જેમાં સારા ટ્રેનર્સ તાલીમ આપશે
  • રાજ્ય સરકાર, મનપા કમિશનર અને કલેક્ટરની વીડિયો કોન્ફરન્સમાં લેવાયો નિર્ણય
  • ભીમરાડ ખાતે 16,738 ચો.મી. જમીનમાં હાઈ પર્ફોમન્સ સેન્ટર બનાવવા વિચારણા
  • રૂપિયા 90 કરોડના ખર્ચે આ સેન્ટર આકાર લે તેવો અંદાજ

જે માટે મંગળવારે રાજ્ય સરકાર, સુરત મનપાના પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ મનપા કમિશનર અને સુરત કલેક્ટરની વિડીયો કોન્ફરન્સ થઈ હતી. જેમાં હાઈ પર્ફોમન્સ સેન્ટર માટે પ્રેઝન્ટેશન (Presentation) રજૂ કરાયું હતું. હાલમાં સુરત શહેરમાં ભીમરાડ ખાતે ટી.પી. 42, ફાઇનલ પ્લોટ નં.1 કે જે રાજ્ય સરકારની જ જમીન છે. આ 16,738 ચો.મી જમીન પર હાઈ પર્ફોમન્સ સેન્ટર બનાવવા માટે વિચારણા કરવામાં આવી રહી છે. જે માટે એસ.પી.વી (સ્પેશિયલ પર્પઝ વ્હીકલ) કામ કરશે.

જે અંગે વધુ માહિતી આપતાં મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા 50-50 ટકાની હિસ્સેદારી રાખશે. આ હાઈ પર્ફોમન્સ સેન્ટરમાં રાજ્યના અને રાષ્ટ્રીય ઊભરતા ખેલાડીઓ અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને સ્પોર્ટસ કલ્ચર મળી રહે તેવા હેતુસર આ સેન્ટર બનાવવામાં આવશે. જેમાં તમામ સુવિધાઓ આપવામાં આવશે. સુરતમાં અંદાજિત 80થી 90 કરોડના ખર્ચે આ સેન્ટર આકાર લેશે તેવો અંદાજ છે. આ સેન્ટર બનવાથી સુરત જિલ્લાની આસપાસના તમામ રમતરસિકો અહીં લાભ લઈ શકશે. ખાસ કરીને આ સેન્ટરમાં ઓલીમ્પિક તેમજ અન્ય ઈન્ટરનેશનલ ગેમ માટે ખેલાડીઓ સજ્જ થઈ શકે એ રીતની તમામ સુવિધાઓ આપવામાં આવશે.

હાઈ પર્ફોમન્સ સેન્ટરમાં શું શું હશે?

  • એડમિન વિંગ
  • પાર્કિંગ ફેસિલિટી
  • લર્નિંગ સેન્ટર
  • ફૂટબોલ ફીલ્ડ
  • સિન્થેટિક એથ્લેટિક ટ્રેક
  • ટેનિસ કોર્ટ
  • સ્વિમિંગ એન્ડ ડાઈવિંગ પુલ
  • મલ્ટિ સ્પોર્ટ ઈનડોર હોલ
  • બાસ્કેટબોલ કોર્ટ
  • ક્લબ હાઉસ
  • કેફેટેરિયા

અન્ય કયાં શહેરોમાં આ સેન્ટર છે?
વિશ્વનું સૌથી મોટું હાઈ પર્ફોમન્સ સેન્ટર કતારમાં છે, જે 9000 કરોડના ખર્ચે ઈન્ટરનેશનલ લેવલનું બનાવાયું છે. તેમજ દેશમાં કર્ણાટકમાં વિજયાનગરમાં તેમજ ઓડિશાના ભુવનેશ્વર શહેરમાં આ સેન્ટર તૈયાર છે તેમજ ગુજરાતમાં ભાવનગરમાં 57 કરોડના ખર્ચે અને નડિયાદમાં 75 કરોડના ખર્ચે હાઈ પર્ફોમન્સ સેન્ટર તૈયાર કરાયું છે.

Most Popular

To Top